Dakshin Gujarat

મીંઢોળાના બ્રિજ પર ખાડા પડતાં તંત્રએ નવો પ્રયોગ કર્યો તો વાહનો સ્લીપ થવા લાગ્યા, એક કલાકમાં 5 અકસ્માત

બારડોલી : બારડોલીની (Bardoli) મીંઢોળા નદી (Mindhola River Bridge) ઉપર નવા બનાવાયેલા બે પુલો પૈકીના બારડોલી તરફ આવતાં એક પુલ પર વરસાદની સિઝનમાં દર વર્ષે ખાડા પડી જતાં હોવાથી માર્ગ મકાન વિભાગ (Road and Buildings Department) દ્વારા અલગ પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. પરંતુ આ ટ્રીટમેન્ટના એક મહિના બાદ વાહનો સ્લીપ થવાની ઘટનાઓ વધી ગઈ છે.

તંત્ર દ્વારા કરવામાં આવેલી નવી ટ્રીટમેન્ટને કારણે બ્રિજની સપાટી લિસ્સી થઈ જતાં આ સ્થિતિ સર્જાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે શુક્રવારે ઝરમર વરસાદી વાતાવરણમાં રાત્રિના માત્ર એક કલાકમાં જ અહીં જુદા-જુદા પાંચ અકસ્માતોના બનાવ બન્યા હતા. ત્યાર બાદ લોકોએ જાતે જ નવા પુલ પરથી વાહનોની અવરજવર કરવાનું બંધ કરી દીધું હતું.

  • ટ્રીટમેન્ટના એક મહિના બાદ વાહનો સ્લીપ થવાની ઘટનાઓ વધતાં લોકોએ અવરજવર બંધ કરી
  • શુક્રવારે રાતે એક પછી એક પાંચ અકસ્માતો થયા, તંત્ર દ્વારા તપાસના આદેશ અપાયા

પ્રાપ્ત માહિતી અનુસાર, બારડોલીના મીંઢોળા નદીના નવા પુલો ઉપર દર વર્ષે વરસાદી મોસમમાં ખાડાઓ પડી જતાં સમસ્યાનું નિરાકરણ કરવા આ વર્ષે તૂટે નહીં તેવા સિમેન્ટ ગ્રાઉટ લિક્યુમિનસ મેકડેમ (CGBM) મટીરીયલ વાપરીને રૂ.8 લાખના ખર્ચે નવો પ્રયોગ કરી રોડની મરામત કરવામાં આવી હતી. ખાનગી એજન્સીએ ડામર સાથે સિમેન્ટની તરીનો ઉપયોગ કરીને લાંબા સમય સુધી ટકી શકે તેવી ગેરન્ટી ધરાવતો માર્ગ બનાવ્યો હતો.

જે હાલમાં વરસાદના કારણે લપસણો થઈ જતાં એક હાઈવા ટ્રક બ્રેક મારવા છતાં લપસી જતાં આગળ ચાલતી ટાટા ટિયાગો કારમાં અથડાઈ જવા પામી હતી. થોડી વાર બાદ એક આઈસર ટેમ્પો XUV કારમાં અથડાયો હતો. ત્યારબાદ અહમદનગર ડેપોની સુરત જતી આશરે 30 મુસાફરો ભરેલી બસની બ્રેક મારવા છતાં લપસી જતાં આગળ ચાલતી હોન્ડાઈ વેરના કારમાં અથડાઈ હતી. અન્ય એક બાઈક ચાલક પણ સ્લીપ મારીને પછડાયો હતો. તો થોડી મિનિટો બાદ મહારાષ્ટ્રથી શાકભાજી ભરીને સુરત તરફ જતો એક ટેમ્પો પલટી મારી ઊંધો વળ્યો હતો.

એક પછી એક અકસ્માતો સર્જાતા ઘટના સ્થળે ભારે લોકટોળા ભેગા થયા હતા. જે દરમિયાન લોકોએ જાતે બારડોલી તરફ આવતા નવા પુલની વાહનોની અવરજવર બંધ કરાવતા પોલીસે પણ બેરીકેડ મૂકી રસ્તો બંધ કર્યો હતો. આ અંગે માર્ગ મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, સમગ્ર મામલે કામ કરનાર એજન્સીને જાણ કરવામાં આવી છે અને શું ટેક્નિકલ ખામી છે. તે બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top