Charchapatra

કૌભાંડોની બદી

નેકી અને બદીની વચ્ચે જિંદગી ચાલે છે. નાની અમથી બેઇમાનીથી માંડીને અબજો રૂપિયાનાં કૌભાંડો ચાલતાં રહે છે. માનવજીવનને સદ્‌માર્ગે દોરી જનાર ખુદ ધાર્મિક ક્ષેત્રમાંયે કૌભાંડો પ્રવેશી જાય છે. એક તરફ અંતરાત્માનો અવાજ, બદીનો ભય, માનવતાની લાગણી ધબકે છે તો બીજી તરફ સ્વાર્થ, મોહમાયા પ્રલોભનો, પરિસ્થિતિનું દબાણ, લોભામણું આકર્ષણ જેવા પરિબળો સક્રિય હોય છે. નેકી અને બદીનો સંઘર્ષ આજીવન ચાલતો જ રહે છે. સામાજિક અને રાજકીય કારણો પણ પ્રભાવિત કરે છે. મૃત્યુ પછી કાંઇ જ સાથે લઇ જવાતું નથી, તે સત્ય જાણવા છતાં સામાન્ય માણસ લપસી પડે છે. સમસ્ત વિશ્વમાં આ ચક્ર ચાલ્યા કરે છે. અસંખ્ય કૌભાંડો દરેક સદીમાં ઉદ્‌ભવતાં રહે છે. ‘છીંડે પકડાયો તે ચોર’ કહેવાત અનુસાર જે કૌભાંડો, બેઇમાની બહાર આવે તેની જ ચર્ચા થયા કરે છે. જાગૃત પ્રજા અને નીડર પત્રકારો કૌભાંડોને ખુલ્લાં પાડે છે.

રાજનેતાઓ સત્તાના જોર પર કૌભાંડો ચલાવી શકે છે. સાધુ રચિત રાજકારણી ચાલી શકતા નથી. કોઇ રાજનેતા ગાંધીજીની જેમ ‘સત્યના પ્રયોગો’ આલેખી શકતો નથી કે ‘મારું જીવન એ જ મારો સંદેશ’ કહી શકતો નથી. સત્તા પર રહેલાં શાસક પક્ષ અને વિપક્ષ કૌભાંડોના વિરોધ અને બચાવમાં જ રચ્યા પચ્યા રહે છે. કૌભાંડોની  અબજો રૂપિયાની કમાણી વિદેશોમાં ઠલવાય છે, પ્રજા ભલે બેહાલ રહે. વેપાર – ઉદ્યોગના રાજાઓ જાહેરમાં દેશપ્રેમ અને સમાજ સેવાનો દેખાવ ભલે કરે પણ વાસ્તવિકતા જુદી જ હોય છે. કરોડોના ખર્ચે આલીશાન બંગલાઓ રચે પણ કવિએ કહ્યું છે તેમ ભૂખ્યાજનોનો જયારે જઠરાગ્નિ જાગશે ત્યારે ખંડેરની ભસ્મકણી પણ નહીં લાધે.’ આસ્તિકો, નાસ્તિકો અને રેશનાલિસ્ટો વિશ્વમાં વસે છે, તેમની સાથે જ આધ્યાત્મિક ગુરુઓ પણ વસે છે, ધાર્મિક સ્થાનો પણ વધતાં જાય છે, પણ એક હકીકત કાયમ રહે છે, એક શાયરના શબ્દોમાં ‘પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે’. શૈતાનને પણ કયાં સુધી ભાંડી શકાય?
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top