ગાંધીનગર
વિશ્વભરમાં દર વર્ષે 8 જૂનના રોજ ‘વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં બ્રેઈન ટ્યુમર અંગે જાગૃતિ લાવવાનો, તેના લક્ષણો વિશે માહિતગાર કરવાનો અને સમયસર નિદાન માટે પ્રોત્સાહિત કરવાનો છે.
આ અવસરે રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને બ્રેઈન ટ્યુમરના લક્ષણો પ્રત્યે સતર્ક રહેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, “જાગૃતિ એ જ શ્રેષ્ઠ બચાવ છે.” તેમણે કહ્યું હતું કે બ્રેઈન ટ્યુમર એ મગજના અસામાન્ય કોષોની અનિયંત્રિત વૃદ્ધિ છે, જે કોઈપણ ઉંમરે થઈ શકે છે. જોકે આધુનિક તબીબી વિજ્ઞાનના વિકાસને કારણે હવે આ બીમારીની સફળ સારવાર અને સંપૂર્ણ રિકવરી શક્ય બની છે. સમયસર જાગૃતિ, વહેલું નિદાન અને તાત્કાલિક સારવાર દર્દીનો જીવ બચાવવામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.
પાનશેરરિયાએ અમદાવાદ સ્થિત GCRI હોસ્પિટલની સેવાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, કેન્સરના દર્દીઓને અહીં એક જ છત નીચે વિશ્વસ્તરીય નિદાન અને અદ્યતન સારવારની સુવિધા ઉપલબ્ધ છે, જેના કારણે ગુજરાતના દર્દીઓને રાજ્ય બહાર સારવાર માટે જવાની જરૂર રહેતી નથી.
GCRIના નિયામક ડૉ. શશાંક પંડ્યાએ જણાવ્યું હતું કે સંસ્થામાં છેલ્લા પાંચ વર્ષથી બ્રેઈન ટ્યુમરના દર્દીઓને વૈશ્વિક સ્તરની સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. હોસ્પિટલના આંકડા મુજબ વર્ષ 2021માં 279, વર્ષ 2022માં 275, વર્ષ 2023માં 273, વર્ષ 2024માં 248 અને વર્ષ 2025માં 252 બ્રેઈન ટ્યુમરના કેસ નોંધાયા હતા અને તમામ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ડૉ. પંડ્યાએ જણાવ્યું હતું કે GCRI ખાતે CyberKnife જેવી અત્યાધુનિક રેડિયોસર્જરી અને સ્ટીરિયોટેક્ટિક રેડિયોથેરાપી ટેક્નોલોજી ઉપલબ્ધ છે. CyberKnife કોઈ સર્જિકલ મશીન નહીં પરંતુ અત્યંત ચોકસાઈથી રેડિયેશન આપતી આધુનિક સારવાર પદ્ધતિ છે, જે બ્રેઈન ટ્યુમર સહિત વિવિધ ન્યુરોલોજિકલ અને કેન્સર સંબંધિત રોગોની સારવારમાં અસરકારક સાબિત થઈ રહી છે. આ ટેક્નોલોજી દ્વારા મગજના સ્વસ્થ ભાગને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડીને સારવાર શક્ય બને છે. હોસ્પિટલમાં 3T MRI, હાઈ-રિઝોલ્યુશન CT Scan અને પોર્ટેબલ CT Scan જેવી અદ્યતન નિદાન સુવિધાઓ ઉપલબ્ધ છે, જેના કારણે ગંભીર દર્દીઓનું ICUમાં જ ઝડપી અને ચોક્કસ નિદાન થઈ શકે છે. ઉપરાંત એક્ઝોસ્કોપ, નેવિગેશન સિસ્ટમ અને CUSA ટેક્નોલોજી જેવી આધુનિક સર્જિકલ સુવિધાઓ દ્વારા જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત રીતે કરવામાં આવે છે.
GCRIમાં AVM (લોહીની નળીઓનું ગૂંચળું), કેવર્નસ હેમેન્જીયોમા અને હિમેન્જીયોબ્લાસ્ટોમા જેવી જટિલ મગજની બીમારીઓની પણ અત્યંત ચોકસાઈપૂર્વક સારવાર કરવામાં આવે છે. દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ દૈનિક જીવનમાં પરત ફરી શકે તે માટે ફિઝિયોથેરાપીની વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ છે.
ડૉ પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે CyberKnife સહિતની તમામ વિશ્વસ્તરીય સારવાર સુવિધાઓ ગુજરાતમાં જ ઉપલબ્ધ હોવાથી દર્દીઓને રાજ્ય બહાર જવાની જરૂર નથી. વધુમાં, પાત્રતા ધરાવતા દર્દીઓને PMJAY-આયુષ્માન ભારત યોજના હેઠળ આ સારવાર નિઃશુલ્ક મળી શકે છે.
બ્રેઈન ટ્યુમર શું છે ?
બ્રેઈન ટ્યુમર મુખ્યત્વે પ્રાયમરી બ્રેઈન ટ્યુમર, પ્રાયમરી સ્પાઈનલ ટ્યુમર અને મેટાસ્ટેટિક ટ્યુમર જેવા પ્રકારોમાં જોવા મળે છે. આનુવંશિક પરિવર્તન, વારસાગત કૌટુંબિક ઇતિહાસ, નબળી રોગપ્રતિકારક શક્તિ અને વધુ પ્રમાણમાં રેડિયેશનનો સંપર્ક તેના સંભવિત કારણો હોઈ શકે છે.
બ્રેઈન ટ્યુમરના મુખ્ય લક્ષણો
- સતત અને અસહ્ય માથાનો દુખાવો, ખાસ કરીને સવારના સમયે વધુ ગંભીર થતો હોય.
- અચાનક ખેંચ (Seizures) આવવી.
- યાદશક્તિ, એકાગ્રતા અને માનસિક સ્થિતિમાં ફેરફાર.
- દ્રષ્ટિ અથવા શ્રવણ શક્તિમાં ઘટાડો, ડબલ વિઝન જેવી સમસ્યાઓ.
- વારંવાર ઉબકા અને ઉલટી થવી.
- શરીરની એક બાજુમાં નબળાઈ, સુન્નતા અનુભવવી અથવા ચાલવામાં સંતુલન ગુમાવવું.
તબીબોના જણાવ્યા મુજબ ઉપરોક્ત લક્ષણો લાંબા સમય સુધી જોવા મળે તો તરત જ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી બ્રેઈન ટ્યુમર સામે સફળતાપૂર્વક લડી શકાય છે.