Gujarat

ગુજરાતના 16 સરહદી ગામોમાં પહોંચશે 8 સિનિયર આઈપીએસ અધિકારીઓ, સ્થાનિક પરિવારો સાથે કરશે રાત્રિ રોકાણ

  • સ્થાનિક પરિવારો વચ્ચે રહી સરહદની સુરક્ષા સ્થિતિનું કરશે મૂલ્યાંકન
  • સરહદ સુરક્ષા વધુ મજબૂત બનાવવા બે દિવસીય વિશેષ કવાયત
  • 16 બોર્ડર વિલેજમાં રાત્રી રોકાણ કરી અધિકારીઓ મેળવશે ગ્રાઉન્ડ રિયાલિટી ગાંધીનગર રાજ્યની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને સરહદી વિસ્તારોના નાગરિકોની સમસ્યાઓને નજીકથી સમજવાના હેતુથી ગુજરાત પોલીસ દ્વારા વિશેષ બોર્ડર વિલેજ વિઝિટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના 8 વરિષ્ઠ IPS અધિકારીઓ આગામી 11 અને 12 જૂને પાકિસ્તાન સરહદને સ્પર્શતા ગુજરાતના 16 સરહદી ગામોની મુલાકાત લેશે.
    વિશેષ બાબત એ છે કે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ મુલાકાત દરમિયાન સ્થાનિક ગ્રામજનોના ઘરે જ રાત્રિ રોકાણ કરશે. આ કાર્યક્રમ હેઠળ બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તાર, પાટણ અને કચ્છ જિલ્લાના સરહદી ગામોની મુલાકાત લેવામાં આવશે.
    કાર્યક્રમ મુજબ એડીજીપી વાબંગ જમીર વાવ-થરાદ જિલ્લાના આસરગામ અને રાછેણા ગામની મુલાકાત લેશે. એડીજીપી અજયકુમાર ચૌધરી કચ્છ (ઈસ્ટ) જિલ્લાના શિરાનીવાંઢ અને જટાવાડા ગામની મુલાકાત કરશે. આઈજીપી બિપિન શંકરરાવ આહિરે પાટણ જિલ્લાના ધોકવાડા અને ચારણકા ગામે પહોંચશે.તે જ રીતે ડીઆઈજીપી એ. એમ. મુનિયા વાવ-થરાદ જિલ્લાના રાડોસણ અને ગોલપ ગામની મુલાકાત લેશે. કચ્છ (વેસ્ટ) જિલ્લામાં ડીઆઈજીપી કે. એન. ડામોર જુના અને દેઢીયા ગામે જશે. ડીઆઈજીપી ડો. લીના પાટીલ ઉધમો અને પટાગર ગામની મુલાકાત કરશે. એસીપી આર. ટી. સુસરા પુંરાજપુર અને ગુનાઉ ગામે જ્યારે ડીઆઈજીપી સુધા પાંડે દીનારા અને ભીતારા મોટા ગામે મુલાકાત કરશે.
    બે દિવસીય આ કાર્યક્રમ માત્ર ઔપચારિક મુલાકાત પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ સરહદ સુરક્ષા અને ગ્રામ વિકાસના વિવિધ પાસાઓની સઘન સમીક્ષા માટેનું મહત્વપૂર્ણ અભિયાન બનશે. અધિકારીઓ સરહદી વિસ્તારોમાં તૈનાત પોલીસ જવાનો સાથે સીધો સંવાદ કરશે, તેમની કામગીરી અને પડકારોની જાણકારી મેળવશે તેમજ સુરક્ષા વ્યવસ્થાની સજ્જતાનું મૂલ્યાંકન કરશે. મુલાકાત દરમિયાન રાત્રીસભાઓનું આયોજન, ગ્રામજનો સાથે લોકસંવાદ, બોર્ડર પેટ્રોલિંગની કામગીરીનું નિરીક્ષણ અને સરહદી વિસ્તારોમાં સુરક્ષા સંબંધિત મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત સ્થાનિક નાગરિકોની જરૂરિયાતો, સમસ્યાઓ અને સૂચનો અંગે પણ માહિતી મેળવી તેનું મૂલ્યાંકન કરવામાં આવશે.
    ગુજરાત પોલીસના આ અનોખા પ્રયાસથી સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકો અને સુરક્ષા તંત્ર વચ્ચે વધુ સારો સંવાદ સ્થાપિત થશે તેમજ રાજ્યની સરહદ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવામાં મદદ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top