Gujarat

આજથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ, બાળકોના કલરવથી ગુંજશે શાળાઓ

ગાંધીનગર: ઉનાળાના લાંબા વેકેશન બાદ વિદ્યાર્થીઓ માટે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ આજ 8 જૂન, સોમવારથી થવા જઈ રહ્યો છે. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ અને ઉત્સુકતા જોવા મળી રહી છે. ફરી એકવાર શાળાઓ બાળકોના હાસ્ય, કલરવ અને ચહલપહલથી શાળા સંકુલો ગુંજી ઊઠશે.

શહેરની સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા સત્રની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શાળા દ્વારા એડમિશન પ્રક્રિયાથી લઈ, વર્ગખંડોની સફાઈ, પીવાના પાણીની સુવિધા, બેસવાની વ્યવસ્થા તેમજ અન્ય જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. સાથે સાથે નવા વિદ્યાર્થીઓના પ્રવેશ, પાઠ્યપુસ્તકોના વિતરણ અને સમયપત્રક તૈયાર કરવાની પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. નવા સત્રના આરંભને પગલે શહેરના બજારોમાં પણ ભારે ચહલપહલ જોવા મળી રહી છે. શનિ-રવિમાં વાલીઓ પોતાના બાળકો માટે નવા યુનિફોર્મ, સ્કૂલ બેગ, પુસ્તકો, નોટબુક, પાણીની બોટલ અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. સ્ટેશનરી અને યુનિફોર્મની દુકાનોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે.

ખાસ કરીને ધોરણ-1માં પ્રવેશ લેનારા નાના વિદ્યાર્થીઓ માટે શાળાનો પ્રથમ દિવસ યાદગાર બની રહે તે માટે અનેક શાળાઓ દ્વારા વિશેષ સ્વાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલીક શાળાઓમાં ફૂલો, તિલક અને મીઠાઈ દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે, જ્યારે કેટલાક સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સોમવાર તા. 9મી જુનથી નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે રાજ્યભરની શાળાઓમાં ફરી એકવાર શૈક્ષણિક માહોલ જામશે.

Most Popular

To Top