દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્ય સરકાર દ્વારા તમામ વિભાગોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે, ત્યારે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મંત્રી સાથે સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, નાયબ કલેક્ટર, ડિઝાસ્ટર મામલતદાર તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વરસાદની સંભાવના, નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ, બચાવ અને રાહત કામગીરી માટે કરવામાં આવેલી તૈયારીઓ તેમજ જરૂરી સાધન-સામગ્રી અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પાસેથી જિલ્લામાં આવેલા સંવેદનશીલ અને અસરગ્રસ્ત વિસ્તારોની વિગતવાર માહિતી મેળવી હતી. ખાસ કરીને નદી કિનારાના વિસ્તારો, નીચાણવાળા રહેણાંક વિસ્તારો અને જ્યાં પાણી ભરાવાની શક્યતા વધુ છે તેવા સ્થળો અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ NDRF, SDRF, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે સતત સંકલન જળવાઈ રહે તે માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે કોઈપણ પ્રકારની આપાતકાલીન સ્થિતિ સર્જાય તો તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી શકાય તેવી સંપૂર્ણ તૈયારી રાખવામાં આવે. લોકોને સમયસર ચેતવણી મળી રહે, તેમજ જરૂરિયાતમંદોને સુરક્ષિત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવે તેમજ આવશ્યક સેવાઓમાં કોઈ વિક્ષેપ ન આવે તેની ખાસ કાળજી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે અને દરેક વિભાગને 24 કલાક સતર્ક રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
ભારે વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને માત્ર સરકારી સૂચનાઓનું પાલન કરવા પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. હાલ સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર છે અને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈપણ અનિચ્છનીય સ્થિતિમાં ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી શકાય.