SURAT

જાડેજા અને સિરાજનો આ વીડિયો વાયરલ થતાં હોબાળો, ઓસ્ટ્રેલિયાએ લગાવી દીધો ગંભીર આરોપ

મુંબઈ: હવે પહેલા દિવસની રમતને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો રવિન્દ્ર જાડેજાનો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જાડેજા બોલ ફેંકતા પહેલા સાથી ખેલાડી મોહમ્મદ સિરાજ પાસે જાય છે અને તેની પાસેથી કંઈક લઈને તેની આંગળીઓમાં નાખે છે. ઓસ્ટ્રેલિયાના મીડિયા આઉટલેટ Foxsports.com.au એ આ વીડિયો શેર કર્યો છે.

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ માઈકલ વોને ફોક્સ સ્પોર્ટની ટ્વીટ શેર કરી ટીપ્પણી કરતા વિવાદ વકર્યો છે. વોને પોતાની પોસ્ટમાં લખ્યું, ‘તે પોતાની ફરતી આંગળી પર શું મૂકી રહ્યો છે? આવું ક્યારેય જોયું નથી’. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ટિમ પેને પણ આ અંગે ટિપ્પણી કરી હતી. ટિમ પેને લખ્યું, ‘ઇન્ટરેસ્ટિંગ. જે સમયે આ વીડિયો બન્યો છે તે સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર પાંચ વિકેટે 120 રન હતો. તે સમયે કાંગારૂ ટીમ વતી એલેક્સ કેરી અને પીટર હેન્ડ્સકોમ્બ બેટિંગ કરી રહ્યા હતા.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

જાડેજાએ તેની આંગળીઓ પર શું મૂક્યું હતું તે સ્પષ્ટ નથી. પરંતુ ફૂટેજ જોઈને જણાય છે કે જાડેજાએ પોતાની આંગળીઓને આરામ આપવા માટે કોઈ મલમ લગાવ્યું હશે. જો કે, માઈકલ વોન અને ટિમ પેઈનની ટિપ્પણીઓ દર્શાવે છે કે વિદેશી ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયન મીડિયાને જાડેજાની સફળતા પસંદ નથી આવી અને તેઓએ એક રીતે ભારતીય ક્રિકેટર પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવવાનો પ્રયાસ કર્યો છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન કલાર્કે કહ્યું, આ મામલે હંગામો કેમ થાય છે?
વીડિયોમાં જાડેજા પોતાની આંગળી પર ક્રિમ જેવું કંઈક લગાવતો જોવા મળી રહ્યો છે. હવે આ મામલે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને વર્લ્ડ કપ વિજેતા માઈકલ ક્લાર્કનું મોટું નિવેદન સામે આવ્યું છે. ક્લાર્કે કહ્યું કે આ મામલે હંગામો કેમ થાય છે? એમાં કશું જ નથી. તેણે કહ્યું કે વધુ પડતી બોલિંગ કરવાને કારણે જાડેજાની આંગળીમાં ફુલ્લા અથવા ચીરા પડ્યા હોવો જોઈએ. તેથી જ તેણે આ ક્રીમ લગાવી હશે. જોકે ક્લાર્કે એમ પણ કહ્યું હતું કે ક્રીમ લગાવતી વખતે જાડેજાએ અમ્પાયરને બોલ આપવો જોઈતો હતો. જો આમ કરવામાં આવ્યું હોય તો આ મામલે હંગામો કરવાની જરૂર નથી.

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ક્લાર્કે કહ્યું, ‘હું માત્ર એટલું જ ઈચ્છું છું કે તેના હાથમાં બોલ ન હોય (કંઈક લગાવતી વખતે). જો તેણે અમ્પાયરને બોલ આપ્યો અને પછી કંઈક લાગુ કર્યું, તો મને નથી લાગતું કે આ બાબતે કોઈ ટિપ્પણી કરવાની જરૂર છે. તે માત્ર લોકોની ધારણા છે. એમાં કશું જ નથી. આ બાબતમાં હું 100 ટકા ખોટો પણ હોઈ શકું.

ભારતીય ટીમ મેનેજમેન્ટે ICCને સ્પષ્ટતા આપી
આ કેસમાં એક નવો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમ મેનેજમેન્ટે ICCને સ્પષ્ટતા આપી છે. નાગપુર ટેસ્ટના પહેલા દિવસે મેચ રેફરીએ જાડેજાની સામે ભારતીય કેપ્ટન રોહિત શર્માને વીડિયો બતાવ્યો હતો. ત્યારે જ ભારતીય ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું કે તે માત્ર એક મલમ છે. ટીમ મેનેજમેન્ટે મેચ રેફરીને જણાવ્યું હતું કે જાડેજાએ પોતાની આંગળીમાં પેઇનકિલર્સ લગાવી હતી.

બીજા દિવસે ભારતે 144 રનની લીડ મેળવી
નાગપુર ટેસ્ટના પહેલાં દિવસે ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 177 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. લાંબા સમય બાદ કમબેક કરનાર રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાની 5 વિકેટ ખેરવી હતી. બીજા દિવસે પણ જાડેજાનું પર્ફોમન્સ લાજવાબ રહ્યું હતું. નાગપુર ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્માની રેકોર્ડ સદી અને રવિન્દ્ર જાડેજા તથા અક્ષર પટેલની અર્ધસદીની મદદથી ઓસ્ટ્રેલિયા સામે મજબૂત લીડ મેળવી છે. દિવસના અંતે ભારતે 7 વિકેટ ગુમાવી 114 ઓવરમાં 321 રન બનાવ્યા છે. ભારતે 144 રનની લીડ મેળવી છે. દિવસના અંતે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ અણનમ રમી રહ્યાં હતાં.

Most Popular

To Top