Charchapatra

આશા પારેખને દાદા સાહેબ ફાળકે એવોર્ડ: ગુજરાતીઓનું ગૌરવ વધે છે

હિન્દી ફિલ્મોના સુવર્ણ યુગનાં એક જાજરમાન અભિનેત્રી આશા પારેખને પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળે છે એવા સમાચારથી આપણે સૌ ગુજરાતીઓ ગર્વની લાગણી અનુભવીએ છીએ. નિરૂપારોય પછી બીજી ગુજરાતી અભિનેત્રી, હિન્દી પડદે ચમકી હોય તો તે આશા પારેખ છે. આશા પારેખની અભિનય કારકિર્દી, એક પૂર્ણ હિરોઇન તરીકે શરૂ થઇ હોય તો તે દિલ દેકે દેખો ફિલ્મ સાથે થઇ હતી અને એના હીરો હતા શમ્મી કપૂર. એ પછી દોઢેક દાયકા સુધી અનેક ફિલ્મોમાં, એમણે ધ્યાનાકર્ષક અભિનય કર્યો હતો. દેવઆનંદ, શમ્મી કપૂર, જોય મુકરજી, સુનીલ દત્ત, રાજેન્દ્રકુમાર, મનોજકુમાર, ધર્મેન્દ્ર, શશી કપૂર, જીતેન્દ્ર તથા રાજેશ ખન્ના જેવા તે કાળના આગળ પડતા અભિનેતાઓ સાથે આશા પારેખે લીડ રોલમાં અભિનય કર્યો હતો. આશાજી ખૂબ સારાં નર્તકી પણ હતાં. એમની ફિલ્મોમાં એકાદ બે ડાન્સ તો અનિવાર્યપણે હોય જ. એમનું એક ગુજરાતી પિકચર અખંડ સૌભાગ્ય વતી, મહેકુમાર નામના ગુજરાતી નાટકો અને ફિલ્મોના અભિનેતા સાથે આવેલું. આશાજી ખૂબ જ લાવણ્યમય અને સુંદર અભિનેત્રી હતાં. નાસીર હુશેન નામના ફિલ્મ નિર્માતા-નિર્દેશકનાં આશાજી માનીતાં અભિનેત્રી હતાં.મીનાકુમારી, નરગીસ, મધુબાલા, નિમ્મી, શર્મિલા ટાગોર કે વૈજયંતિમાલા જેવાં ઉત્તમ કોટિનાં તેઓ અભિનેત્રી નહોતાં, પણ પોતાના અઢળક યૌવન, સુંદરતા અને નર્તનને કારણે દર્શકોનાં મન મોહી લેનાર અભિનેત્રી તો હતાં જ. એંસી વર્ષનાં આશાજીને અમે ખરા દિલથી ભારતના ઓસ્કાર ગણાતા દાદાસાહેબ ફાળકે એવોર્ડ પ્રાપ્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.
સુરત              – બાબુભાઇ નાઇ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સૌન્દર્યદૃષ્ટિ કેળવો
કુદરતે અદ્‌ભુત સૌંદર્યનું સર્જન કરેલ છે. તેને વેડફવું તો ન જ જોઇએ. સુંદર હરણ મેળવવા શિકાર કરવાનો કશો અર્થ નથી. છોડ પર ખીલેલા ફૂલને તોડવાનો પણ અર્થ નથી. તેથી તો સૌંદર્યનો નાશ થાય છે. સૌન્દર્યનો ઉપભોગ કરવાથી સૌંદર્યનો વિનાશ જ થાય છે. પરંતુ માણસનો સ્વભાવ રહ્યો છે. મનુષ્યનો સ્વભાવ સૌંદર્યને માણવાનો નથી, તેને મેળવવાનો જ રહ્યો છે. માણસે સૌન્દર્ય દૃષ્ટિ, કલાદૃષ્ટિ કેળવવી જોઇએ. તે જ સૌંદર્યને જાળવી શકે છે. શાહજહાંએ તાજમહેલ ચણાવીને મહેલ તરીકે ઉપભોગ ન કર્યો. સૌંદર્ય જોવા માટે છે. તેનો ઉપયોગ કરવા માટે નથી. આવી સૌંદર્ય દૃષ્ટિ બધાએ કેળવવી જોઇએ.
બામણિયા        – મુકેશ બી. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top