Columns

ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સામે ખરેખર કોઈ કાવતરું થયું હતું?

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસનો હોદ્દો અત્યંત મહત્ત્વનો છે. અમુક અપેક્ષાએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ભારતના વડા પ્રધાન કરતાં પણ વધુ તાકાત ધરાવે છે. બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. જો દેશની ચૂંટાયેલી સરકાર બંધારણથી વિરુદ્ધ જઈને દેશનો વહીવટ કરતી હોય તો તેને પદભ્રષ્ટ કરવા સુધીની સત્તા સુપ્રિમ કોર્ટને આપવામાં આવી છે.

જો કોઈ વ્યક્તિ દેશના ચીફ જસ્ટિસ પર જાતીય સતામણીનો આરોપ મૂકે તો તે બાબત ગંભીર બની જાય છે. જો તેનો આરોપ સાચો હોય તો ચીફ જસ્ટિસને હોદ્દા પર ચાલુ રહેવાનો નૈતિક અધિકાર ખતમ થઈ જાય છે. જો તે આરોપ જૂઠો હોય તો તેવો આરોપ મૂકનારી વ્યક્તિને જેલમાં ધકેલી દેવી જોઈએ.

ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સાથે આવી કોઈ ઘટના ૨૦૧૯ માં બની ગઈ. તેમની ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારીએ તેમની સામે જાતીય સતામણીના ગંભીર આરોપો કર્યા હતા. તેની તપાસ ચાલી રહી હતી ત્યાં જ સુપ્રિમ કોર્ટના એક વકીલે ફરિયાદ કરી હતી કે રંજન ગોગોઈને બદનામ કરવાનું એક મોટું કાવતરું આકાર ધારણ કરી રહ્યું છે.

આ કાવતરું કરનારાં વગદાર તત્ત્વો સુપ્રિમ કોર્ટની બેન્ચને ફિક્સ કરીને પોતાનો સ્વાર્થ સાધવા માગે છે. આ કાવતરાંની તપાસ કરવા માટે સુપ્રિમ કોર્ટ દ્વારા જસ્ટિસ એ.કે. પટનાઇકની અધ્યક્ષતામાં કમિટિની રચના કરવામાં આવી હતી.

જસ્ટિસ પટનાઇકે તપાસ કરીને હેવાલ આપ્યો હતો કે તેવું કાવતરું અસ્તિત્વમાં છે, પણ તેના પુરાવા મેળવવા દુષ્કર છે. જસ્ટિસ પટનાઇકના હેવાલને પગલે સુપ્રિમ કોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલા સુઓ મોટો કેસનો નિકાલ કરવામાં આવ્યો છે.

આ સાથે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ સામે કરવામાં આવેલા આક્ષેપો સાથે શરૂ થયેલા કમનસીબ પ્રકરણનો અંત આવ્યો છે, પણ એક સવાલનો જવાબ મળતો નથી કે જો કોઈ કાવતરું હતું તો તેના ગુનેગારોને કેમ સજા કરવામાં ન આવી? આ પ્રકરણ ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં એક સૌથી ભેદી પ્રકરણ બની રહેશે તેમ લાગે છે.

મહિલા કર્મચારી દ્વારા ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ સામે જાતીય સતામણીના ગંભીર આક્ષેપો લગાડવામાં આવ્યા તેના બે દિવસ પછી એડવોકેટ ઉત્સવ ભાસિન દ્વારા સોગંદનામું કરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે મહિલાના કોઇ સંબંધી દ્વારા ચીફ જસ્ટિસને બદનામ કરવા તેમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને દોઢ કરોડ રૂપિયા ઓફર કરવામાં આવ્યા હતા.

ઉત્સવ ભાસિને પોતાના સોગંદનામામાં જણાવ્યું હતું કે ચીફ જસ્ટિસને બદનામ કરવાના કૌભાંડમાં ગેન્ગસ્ટાર દાઉદ ઇબ્રાહિમ, તેનો સાગરીત રોમેશ શર્મા અને જેટ એરવેઝના માલિક નરેશ ગોયલ ઉપરાંત કેટલાક રિટાયર્ડ જજો અને ભ્રષ્ટ રાજકારણીઓ પણ સંડોવાયેલા છે.

ઉત્સવ ભાસિન દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની નોંધ લઇને ચીફ જસ્ટિસ દ્વારા તાબડતોબ ત્રણ જજોની પેનલ બનાવવામાં આવી હતી અને તેમને ન્યાયતંત્રને બદનામ કરવાના કૌભાંડની તપાસ સોંપવામાં આવી હતી.

પછી સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંતભૂષણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે એડવોકેટ ઉત્સવ ભાસિન સોગંદનામું કર્યા પહેલાં ચીફ જસ્ટિસને મળ્યા હોય તેવી સંભાવના છે. જો આ વાત સાચી હોય તો સાબિત થાય કે ચીફ જસ્ટિસને બચાવવા માટે  જ એડવોકેટ ઉત્સવ ભાસિન દ્વારા ન્યાયતંત્રને બદનામ કરવાના કૌભાંડની વાત ઉપજાવી કાઢવામાં આવી હતી.

ઉત્સવ ભાસિન દ્વારા જે સોગંદનામું દાખલ કરવામાં આવ્યું તેમાં કૌભાંડની સાબિતી આપતો એક પણ પુરાવો રજૂ કરવામાં આવ્યો નહોતો. તેમાં કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો અને ભ્રષ્ટ રાજકારણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પણ કોઇનાં નામ આપવામાં આવ્યાં નહોતાં. એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે પણ આ ત્રુટિ તરફ સુપ્રિમ કોર્ટનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેમ છતાં આ કથિત કૌભાંડની થિયરી ચીફ જસ્ટિસ માટે લાભકર્તા હોવાથી તેમના દ્વારા તાત્કાલિક બેન્ચની રચના કરવામાં આવી હતી.

વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંતભૂષણના દાવા મુજબ મહિલા કર્મચારીના આક્ષેપો જાહેર થયા તે રાતે એડવોકેટ ઉત્સવ ભાસિને તેમને ફોન કરીને કહ્યું હતું કે તેઓ ચીફ જસ્ટિસને મળ્યા હતા અને તેમને બચાવી શકાય તેમ છે.

ઉત્સવ ભાસિને જ્યારે પ્રશાંતભૂષણને કથિત કૌભાંડની વાત કરી ત્યારે તેમણે કહ્યું કે મને તો મહિલાના આક્ષેપો સાચા જણાય છે. ત્યાર બાદ ઉત્સવ ભાસિને પોતાની કૌભાંડની થિયરી ફેસબુક પર પોસ્ટ કરી હતી અને પછી સોગંદનામું દાખલ કર્યું હતું. પ્રશાંતભૂષણે તેને મેસેજ કરીને જણાવ્યું હતું કે, મને તમારા માટે કોઇ માન રહ્યું નથી. ત્યાર બાદ ઉત્સવ ભાસિને પ્રશાંતભૂષણ સાથે ફોનમાં વાત કરી હતી, જેને તેમણે રેકોર્ડ પણ કરી લીધી હતી.

એડવોકેટ ઉત્સવ ભાસિનના જણાવ્યા મુજબ તેમની પાસે જૂનો ગુપ્તચર સંસ્થાનો હેવાલ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ન્યાયતંત્રને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. જો કે ઉત્સવ ભાસિનના જ કહેવા મુજબ આ રિપોર્ટનો કોઇ સંબંધ ચીફ જસ્ટિસ સામેના વર્તમાન આક્ષેપો સાથે નથી.

ઉત્સવ ભાસિનના કહેવા મુજબ આ કાવતરું વર્તમાન ચીફ જસ્ટિસ સામે નથી, પણ જેઓ ભવિષ્યમાં ચીફ જસ્ટિસ બનવાના છે તેવા વર્તમાન જસ્ટિસ સામે છે. પ્રશાંતભૂષણે ઉત્સવ ભાસિનને તેમને મળવા કહ્યું પણ તેઓ મળ્યા નહીં. પ્રશાંતભૂષણના કહેવા મુજબ તેમણે, વૃંદા ગ્રોવરે, કામિની જયસ્વાલે અને તેમના પિતા શાંતિભૂષણે મહિલાને સોગંદનામું તૈયાર કરવામાં મદદ કરી હતી.

મહિલા કર્મચારીને જ્યારે સુપ્રિમ કોર્ટની કમિટિ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યો ત્યારે તેમણે સમિતિને વિનંતી કરી હતી કે તેને મદદ કરવા કોઇ વકીલ આપવામાં આવે, પણ વકીલ આપવામાં આવ્યો નહોતો. મહિલાએ કમિટિના ત્રણ ન્યાયાધીશો પૈકી જસ્ટિસ રામન્ના સામે વાંધો ઉઠાવ્યો હતો કે તેઓ ચીફ જસ્ટિસના કૌટુંબિક મિત્ર હોવાથી ન્યાય કરી નહીં શકે તેવી શંકા છે. મહિલાના વાંધાને પરિણામે જસ્ટિસ રામન્ના કમિટિમાંથી ખસી ગયા હતા. તેમના સ્થાને મહિલા જજ ઇન્દુ મલહોત્રાની નિમણૂક કરવામાં આવી છે. આ રીતે કમિટિમાં બે મહિલા જજો થઇ ગયાં છે.

મહિલા કર્મચારી દ્વારા સુપ્રિમ કોર્ટને પત્ર લખીને વિનંતી કરવામાં આવી હતી કે સુપ્રિમ કોર્ટ દ્વારા જે સમિતિ નીમવામાં આવી છે તેમાં બહારની મહિલા પણ હોવી જોઇએ. આ વિનંતી સ્વીકારવામાં આવી નહોતી.

મહિલા દ્વારા બીજી માગણી કરવામાં આવી હતી કે આ સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી ચીફ જસ્ટિસે રજા પર ઊતરી જવું જોઇએ, કારણ કે તેઓ સત્તા પર હોય તો તેમના હાથ નીચે કામ કરતાં જજો તેમના પ્રભાવ હેઠળ આવી જાય તેવી સંભાવના છે. આ વિનંતી પણ સ્વીકારવામાં આવી નહોતી. મહિલા સુનાવણી માટે પોતાનાં વકીલ તરીકે વૃંદા ગ્રોવરને સાથે લઇ ગઇ હતી, પણ તેમને સુનાવણીમાં હાજર રહેવાની પરવાનગી મળી નહોતી.

મહિલા કર્મચારી દ્વારા કરવામાં આવેલા આક્ષેપની ક્યારેય નિષ્પક્ષ અને પારદર્શક તપાસ જ કરવામાં આવી નહોતી. તેને બદલે મહિલાના પતિને હવાલદારની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેના દિવ્યાંગ દિયરને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. જો કે પાછળથી મહિલા સાથે સમાધાન કરીને બંનેને નોકરીમાં પાછા લેવામાં આવ્યા હતા.

હવે આ પ્રકરણ પર કાયમ માટે પડદો પાડીને હકીકતમાં ન્યાયતંત્રના કૌભાંડમાં ભીનું સંકેલી લેવામાં આવ્યું છે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top