Gujarat

દ્વારકા અને કુતિયાણામાં અનરાધાર ૬-૬ ઇંચ, કલ્યાણપુરના પીંડારા ગામમાં 8 ઈંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. જેમાં બુધવારે મોડી રાતથી સવાર સુધીમાં ખાસ્સો વરસાદ પડ્યો હતો. કુતિયાણામાં બુધવારે રાત્રી ૮ વાગ્યાથી રાત્રીના ૧ સુધી પ અનરાધાર ૬ ઇંચ વરસાદ પડ્યો હતો. પોરબંદર અને રાણાવાવ બન્નેમાં ૩.પ ઇંચ વરસાદ વરસી ગયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાડા છ ઇંચ સુધીનો ભારે વરસાદ પડ્યો હતો.

કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામમાં આઠ ઇંચ વરસાદ ઝીંકાયો હતો. જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં અઢીથી સાડા ચાર ઈચ વરસાદ પડ્યો હતો. વેરાવળના ઇણાજ ગામમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી, સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા પ્રાચીતિર્થ ખાતે આવેલું માધવરાયજી મંદિર પાણીમાં ડૂબ્યું છે સાથે જ જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે.

પોરબંદરને પીવાનું પાણી પુરૂ પાડતા ખંભાળા જળાશયમાં ૧.૧ ફુટ નવા પાણીની આવક થઇ છે. જિલ્લામાં ર૪ કલાકમાં સરેરાશ દોઢ ઇંચથી ૬ ઇંચ વરસાદ ર૪ પડ્યો હતો. જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર ૮૬ મી. મી., રાણાવાવ ૮૮ મી. મી., કુતિયાણા ૧૪પ મી. મી. વરસાદ નોંધાયો હતો.

પોરબંદરને પીવાનું પાણી પુરૂ પાડતા ખંભાળા જળાશય વિસ્તારમાં વરસાદ ૩૮ મી. મી. નવા પાણીની આવક થતાં હાલ સપાટી ર૪ ફુટ પર પહોંચી છે. ફોદાળા જળાશય વરસાદ ૬પ મી. મી. પાણીની આવક થતાં હાલની સપાટી ૧૮.૧ ફુટ થઇ છે. આદિત્યાણામાં બુધવારે રાત્રે ૯.૩૦ થી ૧ર-૩૦ વાગ્યા સુધીમાં ૩.પ ઇંચ વરસાદ વરસી ગયો હતો. આદિત્યાણાનો મોસમનો કુલ વરસાદ ર૧ ઇંચ થયો છે.

રાત્રી દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાડા છ ઇંચ, જિલ્લાના ભાણવડમાં પાંચ ઇંચ, કલ્યાણપુર અને જામનગરના ધ્રોલમાં ત્રણથી ચાર ઇંચ, ખંભાળિયામાં બે ઇંચ, અમરેલી જિલ્લાના ખાંભામાં સાડા ચાર ઈંચ, ભાવનગર જિલ્લાના ઉમરાળા અને વલભીપુરમાં સાડા ત્રણ ઈંચ, તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગોંડલમાં દોઢ કલાકમાં ૪ ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા અને પંથકમાં ૪ થી ૫ ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં ધુતારપુરમાં પોણા ૪ ઇંચ, જામવંથલીમાં સાડા ત્રણ ઇંચ, વસઇ, મોટી બાણુગાર, અલીયાબાડામાં ૨ ઇંચ તથા દરેડ અને લાખાબાવળમાં દોઢ ઇંચ, જોડીયા તાલુકાના બાલંભા પીઠડમાં ૩ ઇંચ અને હડીયાણામાં ૨ ઇંચ, ધ્રોલ તાલુકાના લતીપુરમાં ૩ ઇંચ, જાલીયાદેવાણી અને લૈયારામાં પોણા ત્રણ ઇંચ, કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડામાં પોણા ૨ ઇંચ, નિકાવા, ખરેડી, મોટા વડાળા, ભ.ભેરાજા અને નવાગામમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જામજોધપુરના ધ્રાફા, શેઠ વડાળામાં દોઢ ઇંચ, વાંસજાળીયામાં ૨ ઇંચ, સમાણા, જામવાડી, ધુનડા, પરડવામાં પોણો ઇંચ વરસાદ, લાલપુર તાલુકાના મોટા ખડબામાં ૪ ઇંચ પીપરાપોળા, પડાણા, મોડપર, ડબાસંગમાં દોઢ ઇંચ તથા ભણગોરમાં ૧ ઇંચ વરસાદ પડ્યો હતો. જામનગર જિલ્લાના આજી-૪ ડેમમાં પાણીની ભારે આવક થઇ છે.

અમરેલી જિલ્લાના ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો : છ દરવાજા ખોલાયા : 10 ગામોને એલર્ટ કરાયા
અમરેલી જિલ્લાના ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયો છે. ડેમના એક સાથે 6 દરવાજા ખોલવા પડ્યા છે. ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા 10 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આ તમામ ગામડાઓ નદી કિનારે આવેલા છે. ડેમ ઓવરફ્લો થતા હિંડોરણા, વડ, છતડીયા, ખાખબાઈ, ઉંચેયા, રામપરા, ભેરાઈ સહિત નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ ડેમમાં હજુ પણ પાણીની આવક ચાલું જ છે.

કચ્છમાં અડધાથી ત્રણ ઇંચ વરસાદ
કચ્છમાં છૂટો છવાયો અડધોથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. ભુજમાં અડધાથી એક ઇંચ જ્યારે ખાવડા બન્ની વિસ્તારમાં ધોધમાર બે ઇંચ, નખત્રાણા પંથકમાં એક થી ત્રણ ઇંચ, માંડવી મુન્દ્રામાં એક થી બે ઇંચ, અબડાસા, લખપતમાં છૂટો છવાયો અડધા થી પોણો ઈંચ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપરમાં પણ અડધોથી પોણો ઇંચ વરસાદના વાવડ છે.

ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફલોઃ તમામ પ૯ દરવાજા ખોલાયા
ભાવનગરના પાલિતાણામાં આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુંજી ડેમ ઓવર ફ્લો થયો છે. ઉપરવાસમાં સારો વરસાદ પડતા શેત્રુંજય ડેમમાં સતત પાણીની આવક ચાલુ મોડી રાત્રે શેત્રુંજય ડેમના ૨૦ દરવાજા ૧ ફુટ ખોલવામાં આવ્યા હતા, ઉપર વાસમાંથી ૧૮૦૦ ક્યુસેક પાણીની આવક ચાલુ રહેતા ગુરૂવારે સવારે ડેમના તમામ ૫૯ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા છે. ૩૪ ફૂટની છલક સપાટી ધરાવતો શેત્રુંજી ડેમ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે અને ભાવનગર શહેરને પીવાનું પાણી અને જિલ્લાના ખેડૂતોને ખેતી માટે પાણી પૂરું પાડે છે.

ઉનાના રાવળ ડેમનું રુલ લેવલ જાળવવા પાણી છોડાયું : ઉનાના 11 અને ગીર ગઢડાના 7 ગામોને એલર્ટ કરાયા
ઉનાનો રાવળ ડેમ 90 ટકા સુધી ભરાયો છે. ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડાયું. જેના કારણે ઉનાના 11 અને ગીર ગઢડાના 7 મળી કુલ 18 ગામને એલર્ટ કરાયા. આ તરફ વેરાવળમાં છ ઈંચ વરસાદથી તાલુકાના ભેરાળા ગામના પ્રવેશદ્વાર પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા છે.

અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ 96 ટકા ભરાયો : સાત તાલુકાઓના 45 ગામોને એલર્ટ કરાયા
અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ 96 ટકા સુધી ભરાયો હતો. ખોડિયાર ડેમમાંથી ગમે ત્યારે પાણી છોડવામાં આવી શકે છે. સિંચાઈ વિભાગ દ્વારા હાઈ એલર્ટ મેસેજ જાહેર કરાયો હતો અને નીચાણવાળા ગામના લોકોનો નદીના પટ્ટમાં ન જવા સૂચનાઓ અપાઈ હતી. સાત તાલુકાઓના 45 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે

Most Popular

To Top