Dakshin Gujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે-48 પર આગ લાગતા પસાર થતાં વાહન ચાલકોમાં ભાગદોડ મચી ગઈ

અંકલેશ્વર: (Ankleshwar) ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અલગ અલગ વિસ્તારોમાં અગ્નિ તાંડવ જોવા મળી રહ્યું છે, એક બાદ એક બે દિવસમાં આગ (Fire) લાગવાની સતત ચારથી પાચ જેટલી ઘટનાઓ સામે આવતા ફાયરના લાશ્કરો ફાયરબ્રિગેડ (Fire Brigade) લઈ દોડતા નજરે પડ્યા હતા, આજરોજ બપોરના સમયે અંકલેશ્વર ખાતે પણ ભીષણ આગની ઘટનાએ ભારે દોડધામ મચાવી હતી.

  • અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ને અડીને આવેલ ભંગારનું ગોડાઉન ભડકે બળ્યું
  • હાઈવે પરથી પસાર થતા વાહનોને પણ થઈ આગની અસર

અંકલેશ્વર નેશનલ હાઇવેને અડીને આવેલ અંસાર માર્કેટ પાસેના ભંગારના ગોડાઉનમાં એકાએક અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ઉપસ્થિત લોકોમાં નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા, જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નેશનલ હાઇવે 48 ઉપર થોડા સમય માટે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આગના તાંડવ વચ્ચે ગોડાઉન નજીક રહેલ આઈસર ટેમ્પોને પણ આગની અસર વર્તાઇ હતી, તેમજ ગોડાઉનમાં રહેલ સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો.

ઘટના અંગેની જાણ અંકલેશ્વર નગર સેવા સદનના ડી.પી.એમ.સી ના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના બે થી વધુ લાયબંબા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આગની જવાળાઓ ઉપર પાણી વર્ષાવી આગને ગણતરીના સમયમાં કાબુમાં લીધી હતી, અચાનક હાઇવે વિસ્તારમાં સર્જાયેલ આગના બનાવથી એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, આગ બાદ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા થોડા સમય માટે લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા, જોકે આગ ઉપર વહેલી તકે કાબુ મેળવવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અંકલેશ્વર પાલિકા સંચાલિત ડિસ્પેન્સરીની POP તૂટી પડી, જાનહાનિ ટળી
અંકલેશ્વર: અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલના મહિલા વોર્ડમાં લગાવેલી પીઓપીની છત તૂટી પડતાં કામગીરી સામે સવાલો ઊભા થયા છે. તાજેતરમાં જ અંકલેશ્વર નગર પાલિકા દ્વારા લાખોના ખર્ચે બનેલી પાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જ્યાં શહેર અને આજુબાજુના ગામના ગરીબ દર્દીઓને મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. પરંતુ માંડ ૬ કે ૭ મહિનાના સમયમાં જ હોસ્પિટલના ખસ્તાહાલ જોવા મળી રહ્યા છે. હોસ્પિટલમાં મહિલા વોર્ડમાં લગાવેલી પીઓપીની છત તૂટી પડી હતી. જો કે, કોઈને પણ જાનહાનિ નહીં થઇ હોવાનું જાણવા મળ્યું છે. પીઓપીની છત અચાનક તૂટી પડતાં તેની કામગીરીમાં ભષ્ટાચાર થયો હોવાના સવાલો ખડા થયા છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઊઠી છે.

Most Popular

To Top