SURAT

અંજની ઇન્ડસ્ટ્રીમાં કામદારો નહીં ફરકતાં 300 જેટલા વિવિંગ યુનિટ બંધ રહ્યાં

સુરત:અમરોલી-સાયણ રોડ પર આવેલી અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં (Anjani Industry) પોલીસની (Police) વિવર્સ અને કામદારોને સુરક્ક્ષાની ખાતરી આપ્યાના 24 કલાકમાં બંદોબસ્ત છતાં અસામાજીક તત્વો એ એસ્ટેટના જે પ્રવેશ દ્વારેથી કારીગરો આવે છે ત્યાં ઠેરઠેર ઉડીયા ભાષામાં ઉશ્કેરણીજનક પોસ્ટરો લગાવતા સતત છઠ્ઠા દિવસે કારીગરો કામે ચઢ્યા ન હતાં. ગઈકાલે ડેપ્યુટી પોલીસ કમિશનર હર્ષદ મહેતા અને અમરોલી પીઆઇ. બ્રહ્મભટ્ટએ અંજની ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે બેઠક યોજી પોલીસની સુરક્ષામાં કારખાનાઓ શરૂ કરવા જણાવ્યું હતું સવારે 8 વાગ્યે વિવર્સ કારખાનું ખોલી બેઠા હતાં પણ રાતે નવા પોસ્ટર લાગી જતાં મોટી સંખ્યામાં કારીગરો કામે ચઢ્યા ન હતાં.

“20 પૈસા મજૂરીનો દર વધારો લીધા વિના કામ કરશો તો હાથ-પગ કાપી નાખીશું” એવી ધમકીઓ કારીગરોને અપાઈ હોવાથી હવે તેઓ ક્યારે કામે ચઢશે કે કેમ એ મોટો સવાલ છે. બીજી તરફ આજે અંજની ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પોસ્ટર વોર,હિંદીમાં પોસ્ટર લાગ્યા,અમને કામ કરવા દો, રોજી નહીં છીનવો.એવા પોસ્ટરો હિંદી ભાષી કારીગરોએ લગાવ્યા હતાં. અંજની ઇન્ડસ્ટ્રીયલ અને સુરત વિવર્સ એસોસિએશનનાં પ્રમુખ વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે અમારા ઔદ્યોગિક ઝોનના DCP હર્ષદ મહેતા અમરોલીના પોલીસ ઇન્સ્પેક્ટર પી. પી . બ્રહ્મભટ્ટની ખાત્રીને પગલે કારખાનાઓ કાલે સવારે ફરી શરૂ કરીશું. અંજની ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના પ્રમુખ વિજય માંગુકિયાએ કહ્યું હતું કે,પોલીસ બંદોબસ્ત હોવા છતાં અસામાજીક તત્વોએ ઇન્ડસ્ટ્રીઝને બાનમાં લઈ દાદાગીરીની હદ પાર કરી છે.”20 પૈસા મજૂરીનો દર વધારો લીધા વિના કામ કરશો તો હાથ-પગ કાપી નાખીશું” એવા ધમકીભર્યા પોસ્ટરો અને ઉડીયા ભાષામાં થયેલા મેસેજને લીધે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં 300 જેટલા લુમ્સના કારખાના બંધ થયાં છે.અસામાજિક તત્વોના ભયે કારીગરો કામે ચઢતા નથી.આ વખતે મજૂરીના દરમાં 20 પૈસા વધારાની માંગ મુકવામાં આવી છે.આ માંગ કોણ મૂકે છે કોણ પોસ્ટર લગાવે છે આજ સુધી પોલીસ શોધી શકી નથી.

Most Popular

To Top