Editorial

લોકશાહીની સાચી ભાવના ચરિતાર્થ કરવા એક સક્ષમ અને તટસ્થ ન્યાયતંત્ર આવશ્યક

ન્યાય પાલિકા એટલે કે અદાલતી વ્યવસ્થા એ લોકશાહીનો અગત્યનો પાયો ગણાય છે, લોકશાહી જ શા માટે? પ્રાચીન સમયથી રાજાશાહીમાં પણ ન્યાય તંત્રનું આગવું મહત્ત્વ રહેતું આવ્યું છે, જ્યારે સક્ષમ ન્યાય તંત્ર એક સાચી લોકશાહીને ચરિતાર્થ કરવા આવશ્યક છે. પરંતુ વિવિધ પ્રકારના દબાણો હેઠળ કામ કરતા ન્યાયાધીશો, ભ્રષ્ટાચાર, પડતર કેસોના ઢગલા વગેરે બાબતો લોકશાહી દેશના નાગરિકોને પણ નિરાશ કરનારી બની રહે છે.

હાલમાં દેશના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે એક સમારંભમાં બોલતાં ન્યાય તંત્ર અને જજો અંગે કેટલીક મહત્વની વાતો કરી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે ન્યાયાધીશોએ સામાજિક અને રાજકીય દબાણથી મુક્ત થવું જોઈએ. સર્વોચ્ચ અદાલતની હીરક જયંતિની ઉજવણીના અવસરે સુપ્રીમ કોર્ટના સમારંભને સંબોધતા, તેમણે કહ્યું, “સ્વતંત્ર ન્યાયતંત્રનો અર્થ ખરેખર કારોબારી અને ધારાકીય શાખાઓથી આ સંસ્થાની અલિપ્તતાનો નથી, પરંતુ તેની સ્વતંત્રતા પણ છે. “ન્યાય કરવાની કળા સામાજિક અને રાજકીય દબાણથી મુક્ત હોવી જોઈએ અને માનવજાતના જન્મજાત પૂર્વગ્રહોથી મુક્ત હોવી જોઈએ. વાત બિલકુલ સાચી છે.

દરેક જાતના દબાણો અને પૂર્વગ્રહોથી મુક્ત ન્યાયાધીશો જ સાચો ન્યાય તોળી શકે. તેમણે પડતર પડેલા કેસોની પણ વાત કરી. સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસો વિશે વાત કરતાં ચીફ જસ્ટિસે કહ્યું કે સુપ્રીમ કોર્ટ સમક્ષ 65,915 નોંધાયેલા કેસો પેન્ડિંગ છે. 2023 માં કુલ 49,818 કેસ નોંધાયા હતા, જેમાંથી 2,41,594 કેસ સુનાવણી માટે સૂચિબદ્ધ હતા અને 52,221 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જે નોંધાયેલા કેસોની સંખ્યા કરતા વધુ છે, એમ તેમણે જણાવ્યું હતું. ચીફ જસ્ટિસ ચંદ્રચુડે વધુમાં કહ્યું કે તાજેતરના વર્ષોમાં સુપ્રીમ કોર્ટે કેસોની પેન્ડન્સી ઘટાડવા માટે “સકારાત્મક અભિગમ” અપનાવ્યો છે. આમ છતાં કેસોના ઢગલા તો છે જ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેસોના ઈલેક્ટ્રોનિક ફાઈલિંગને કારણે ફાઈલિંગ અને ખામીઓને દૂર કરવા વચ્ચેનો સમય ઓછો થયો છે.

સુપ્રીમ કોર્ટમાં 80,000 સહિત દેશની વિવિધ અદાલતોમાં પાંચ કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે, 1 ડિસેમ્બર સુધીમાં, 5,08,85,856 પડતર કેસોમાંથી 61 લાખથી વધુ કેસ 25 હાઈકોર્ટના સ્તરે હતા. ન્યાયતંત્ર દ્વારા મુખ્ય આરોપ એ છે કે ભારતમાં ન્યાયિક માળખાકીય સુવિધાઓનો અભાવ અને ન્યાયાધીશોની અછત છે કાયદાનો અસ્પષ્ટ મુસદ્દો એ કેસના નિકાલને વધુ વિલંબમાં નાખે છે. વળી, ખાસ કરીને નીચલી અદાલતોમાં ભ્રષ્ટાચારની સમસ્યા પણ નોંધપાત્ર છે. ભ્રષ્ટાચારના વિવિધ ચહેરાઓ છે, લાંચ તેમાંથી માત્ર એક છે, બીજો રાજકીય ભ્રષ્ટાચાર છે, જે વધુ અગમ્ય અને અચોક્કસ છે. રાજકીય દબાણો વળી ચુકાદાઓ પર વધુ અસર કરે છે. એક તટસ્થ અને સક્ષમ ન્યાયતંત્રની સ્થાપના માટે આ તમામ સમસ્યાઓ અને દૂષણો દૂર થવા જરૂરી છે.

Most Popular

To Top