Gujarat Main

લોકોને અસહ્ય ગરમીથી બચાવવા અમદાવાદ પાલિકાએ બનાવ્યો હિટવેવ એક્શન પ્લાન, શરૂ કરી આ વ્યવસ્થા

અમદાવાદ(Ahmedabad): છેલ્લાં એકાદ અઠવાડિયાથી સમગ્ર રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે. અસહ્ય ગરમીથી લોકો હેરાન થઈ રહ્યાં છે ત્યારે અમદાવાદ પાલિકા (AMC) હવે લોકો માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. અમદાવાદ પાલિકાએ હિટવેવ (Hit Wave) એક્શન પ્લાન (Action Plan) બનાવ્યો છે.

માર્ચ મહિનો પૂરો થાય તે પહેલાં જ રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે. અંગદઝાડતી ગરમી અને અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગુરુવારે તા. 28 માર્ચે રાજ્યના 10 શહેરનું તાપમાન 38 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. ગુરુવારે અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. અમરેલીમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ 40.8 ડિગ્રી પર પહોંચ્યો છે. તો અમદાવાદ 40 ડિગ્રી ગરમીમાં શેકાયું છે. સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી જેટલું વધી ગયું છે.

હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીનો પારો હજુ ઊંચે જશે. હવામાન વિભાગ અનુસાર અમદાવાદનું તાપમાન આજે 41, શનિવારે 40 ડિગ્રી રહેશે. બનાસકાંઠા અને આણંદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

હિટવેવની આગાહીના પગલે અમદાવાદ પાલિકાએ હિટવેવ એક્શન પ્લાન બનાવ્યો છે. જે હેઠળ અમદાવાદ પાલિકાએ હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં હિટ સંબંધિત ઈલનેસના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા કરી છે. શહેર ટ્રાફિક પોલીસને પણ ઓઆરએસના 50 હજાર પેકેટ આપવામાં આવ્યા છે.

તે ઉપરાંત અમદાવાદના 280થી વધુ નાના મોટા બગીચા રાત્રિના 11 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લા રાખવામાં આવશે. તમામ બગીચા ઉપરાંત એએમટીએસ તથા બીઆરટીએસના બસ સ્ટોપર પીવાના પાણી અને ઓઆરએસના પેકેટની વ્યવસ્થા શરૂ કરી છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં લોકો માટે ઠેરઠેર જાહેર માર્ગો પર પાણીના પરબ શરૂ કરવામાં આવનાર છે. શહેરના તમામ અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ઓરઆરએસ સેન્ટર શરૂ કરાયા છે.

અમદાવાદ પાલિકાએ લોકોને વધુમાં વધુ પાણી પીવા અપીલ કરી
અતિશય ગરમીથી બચાવવા અમદાવાદ પાલિકાએ લોકોને વધુ પ્રમાણમાં પાણી, છાશ જેવા પ્રવાહીનું સેવન કરવા અપીલ કરી છે. તે ઉપરાંત લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા, લાંબો સમય તડકામાં ના રહેવા, હળવા સુતરાઉ કપડાં પહેરવા, ઠંડકવાળા સ્થળે આરામ કરવા તથા નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે.

Most Popular

To Top