Gujarat

અમદાવાદમાં હર્ષોલ્લાસ વચ્ચે 146મી રથયાત્રા સંપન્ન, નિજ મંદિરે રથ પરત આવ્યા

અમદાવાદ: (Ahmedabad) અષાઢી બીજને મંગળવારે અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથના (Jagannath) સુપ્રસિદ્ધ મંદિરેથી (Temple) સોળેએ શણગાર સજીને વાજતે ગાજતે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતાં. વહેલી સવારે 4-00 વાગે ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. સવારે 7-00 વાગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરીને ત્રણેય રથોને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

  • અમિતશાહે મંગળા આરતી કરી ભુપેન્દ્ર પટેલે પહિન્દ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું
  • ભક્તોના ઘોડાપુર વચ્ચે ‘જય રણછોડ માખણ ચોર’ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા આસ્થા, શ્રદ્ધા, ઉલ્લાસ અને કોમી અખલાસ માહોલ વચ્ચે શહેરમાં નીકળી હતી, અને સાંજે 8-30 વાગે રથયાત્રા નિજ મંદિરે શાંતિપૂર્ણ રીતે પરત ફરી હતી. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતાં રથયાત્રાના આયોજકો, શહેર પોલીસ સહિત સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો. અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાના જગન્નાથ મંદિરે આજે વહેલી સવારે વહેલી 3-45 વાગે ભગવાનના કપાટ ખુલ્યા હતા અને સવારે 4-00 વાગે અમિત શાહે મંગળા આરતી કરી હતી.

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં 18 ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી ટેબ્લો સાથેની ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા, ભગવાન જગન્નાથ ભગવાન, બલરામ અને બહેન સુભદ્રાના ત્રણ રથને ખેંચતા 1200 જેટલા ખલાસી ભાઈઓ તથા ભારતભરમાંથી આવેલા અંદાજે 2000થી વધુ સાધુ સંતો જોડાયા હતા. રથયાત્રાના સમગ્ર રૂટ દરમિયાન મગ, જાંબુ, કેરી, કાકડી, અને દાડમના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જમાલપુર, ખાડિયા થઈ રથયાત્રા બપોરે મોસાળ સરસપુર પહોંચી હતી. જ્યાં ભગવાનનું મોસાળું કરાયું હતું.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા સરસપુર ખાતે આવી પહોંચી ત્યારે ભગવાનનું મામેરુ કરાયું હતું. સરસપુર ખાતે રથયાત્રાએ વિરામ કરતાં લાખો ભાવિક ભક્તોએ સરસપુરની જુદી જુદી પોળોમાં યોજાયેલા મહાપ્રસાદ જમણવારમાં પ્રસાદ લીધો હતો. આ મહાપ્રસાદમાં બટાકાનું શાક, પૂરી, મોહનથાળ, બુંદી- ગાંઠિયા પીરસવામાં આવ્યા હતા. જેનો ભાવિક ભક્તોએ સ્વાદ મળ્યો હતો.

જેમ જેમ રથયાત્રા તેના રૂટ ઉપર આગળ વધતી ગઈ તેમ તેમ નગરજનો હર્ષોલ્લાસ સાથે ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. હૈયે થી હૈયું દબાય તેવી ભારે ભીડ ચારે તરફ જોવા મળી હતી. લાખોની સંખ્યામાં ભક્તોએ ભગવાન જગન્નાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રથયાત્રા વિરામ બાદ સરસપુર થી નીકળી કાલુપુર ચોખા બજારથી પ્રેમ દરવાજા, દરિયાપુર, શાહપુર દરવાજા, શાહપુર અડ્ડા, ખાનપુર થઈને માણેકચોક, પાનકોર નાકા થઈ સાંજે 8-30 વાગે શાંતિપૂર્ણ માહોલમાં જમાલપુર ખાતે નીજ મંદિર પરત ફરી હતી.

Most Popular

To Top