Gujarat

વર્તમાનની તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતી છે: રાજ્યપાલ

ગાંધીનગર: જે વિદ્યા ભણ્યા છો તેનો સમાજના કલ્યાણમાં-પરોપકારમાં ઉપયોગ કરજો. કૃષિ ક્ષેત્રના (Agricultural Sector) વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને તેમણે પ્રાકૃતિક ખેતીમાં વિશેષ સંશોધનો (Researches) કરવા આહ્વાન કર્યું હતું. વર્તમાનની તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતીમાં છે. તેનાથી ભૂમિનું ઓર્ગેનિક કાર્બન વધશે. ભારતની ધરતીની ખુશ્બુ પાછી આવશે. અનેક રોગોમાંથી મુક્તિ મળશે અને પ્રાકૃતિક ખેતી જ વૈજ્ઞાનિક માર્ગ છે, તેવું રાજ્યપાલ (Governor) અને ચાન્સેલર આચાર્ય દેવવ્રતે (Acharya Devvrate) જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના 18મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી ઉદબોધનમાં વિદ્યાર્થીઓને જણાવ્યું હતું.

પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કૃષિ ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે
જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના 18મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતુ કે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કૃષિ ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે, ખેત ઉત્પાદન વધે છે, જમીનની ગુણવત્તા સુધરે છે, પાણીનો ઉપયોગ ઓછો થાય છે, પર્યાવરણનું સંરક્ષણ થાય છે અને ગુણવત્તાયુક્ત અન્ન મળે છે. ગુજરાતમાં અત્યારે ત્રણ લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. ગુજરાતમાં આગામી 15 મી ઓગસ્ટ સુધીમાં દરેક ગામમાં ઓછામાં ઓછા 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કૃષિ વૈજ્ઞાનિકોને પણ પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત સંશોધનો કરીને તેના લાભો લોકો સુધી લઈ જવા તેમણે અનુરોધ કર્યો હતો.

578 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 578 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. 17 છાત્રોનું 61 ગોલ્ડ મેડલથી સન્માન કરવામાં આવ્યું હતું. ડૉ. કલ્પિત ડી. શાહ અને ડૉ. ગિરીશ વી. પ્રજાપતિને વર્ષ 2021-22 માટે કૃષિ ઉચ્ચ અભ્યાસમાં ‘શ્રેષ્ઠ શિક્ષક’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની મોબાઈલ એપ્લિકેશન JAU i krishi Sanhita લોન્ચ કરવામાં આવી હતી. ડૉ. વી.ડી.તારપરા, ડૉ. બી. સ્વામીનાથન અને ડૉ. એચ. એમ. ગાજીપરા લિખિત પુસ્તક Objective Agricultural Economics નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top