Madhya Gujarat

અગાસ દૂધ મંડળીના કૌભાંડમાં માજી મંત્રીની પણ સંડોવણી

આણંદ : પેટલાદ તાલુકાની અગાસ દૂધ મંડળીમાં વ્યવસ્થાપક કમિટિના પોણા બે કરોડના લોન કૌભાંડ ઉપરાંત માજી મંત્રી, માજી સેક્રેટરીએ પણ કૌભાંડ આચર્યાનું હિસાબોની તપાસમાં ખુલ્યું છે. સબ્સીડીની લાલચમાં ચાર કરોડ ઉપરાંતનું ધિરાણ લઇ હિસાબોમાં ગોટાળા કરનાર માજી સેક્રેટરી સામે ફોજદારી કાર્યવાહી કરવાના પણ આદેશો છુટ્યાં છે.
અગાસ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મંત્રી તરીકે કૌશિક ડાહ્યાભાઈ પટેલે લાખો રૂપિયાનું કૌભાડ આચર્યું હોવાનું હિસાબોની તપાસમાં ખુલ્યું છે. 2014માં 4,07,086ની રકમ ઉપાડી હતી. જેમાંથી માત્ર 2,06,738 જમા કરાવી હંગામી ઉચાપત કરી હતી.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી રૂ.70 હજાર ઉપાડ કર્યો હતો. જે રોજમેળે જમા લીધું નહતું અને ઉચાપત કરી હતી. આ ઉપરાંત મંડળીના માજી મંત્રી શૈલેષ રણછોડભાઈ ચૌહાણે 2015માં ધર્માદા ફંડની મંજુરી મેળવ્યા સિવાય પાંચ હજાર ઉધાર કરી સિલક ઓછી કરી હતી. જ્યારે રૂ.6,73,736 એ પોતાના અંગત કામમાં વાપરી કાયમી નાણાની ઉચાપત કરી છે. આમ શૈલેષ ચૌહાણે કુલ રૂ.6,78,736ની કાયમી ઉચાપત કરી છે.

અગાસ દૂધ મંડળીમાં સેક્રેટરી તરીકે કૌશિક ડાહ્યાભાઈ પટેલ અગાઉ 15મી એપ્રિલ,2011થી 18મી ફેબ્રુઆરી,2014 સુધી તેમજ 30મી એપ્રિલ,2014થી 17મી મે,2014 સુધી સેક્રેટરી તરીકે ફરજ બજાવતાં હતાં. આ સમય દરમિયાન તેઓએ તેના અને પત્નિના નામે 13.50 લાખનું ધિરાણ લીધું હતું. તેવી જ રીતે હિતેશ રમણભાઈ ગોહેલે પણ પોતે અને પત્નિના નામે રૂ.5.70 લાખનું ધિરાણ લીધું હતું. કૌશિક પટેલે ફરજ દરમિયાન 19મી ફેબ્રુઆરી, 2014ના રોજ રૂ.6,58,500.25 મંડળીની સિલક અંગત કામમાં વાપરી નાંખી હતી.

બાદમાં જે કટકે કટકે જમા કરાવી હતી. કૌશીક પટેલે સેક્રેટરી તરીકેની ફરજ દરમિયાન રૂ.4,07,086 જમા કરવા પાત્ર રકમ જમા કરાવી નહતી. 2014માં પ્રદિપના નામે રૂ.70 હજાર બેન્કમાંથી ઉપાડી અંગત કામમાં વાપરી નાંખ્યાં હતાં. કૌશિક પટેલ બે વખત સેક્રેટરી અને બાદમાં કોમ્પ્યુટર કલાર્ક તરીકે નિમણૂંક પામ્યાં હતાં. આ ગાળામાં કરવામાં આવેલા ધિરાણમાં કોઇ જ નિયમોનું પાલન કરવામાં આવ્યું નહતું. જેના કારણે 31મી માર્ચ,2016ના અંતે કુલ ધિરાણ બાકી લેણા રૂ.1,09,93,129ની કોઇ યાદી રજુ થયેલી નથી. આમ મંડળીના સભાસદો સાથે, બેંક સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી છે. આમ કૌશિક પટેલે ઉચાપત કરવા ઉપરાંત 13.50 લાખની લોન પણ લીધી હતી.

આ ઉપરાંત મંડળીના સેક્રેટરી તરીકે શૈલેષ રણછોડભાઈ ચૌહાણે પોતાની ફરજમાં બેદરકારી દાખવી હતી. ધર્માદા ફંડમાં પાંચ હજારની ઉચાપત કરવા ઉપરાંત 13મી ઓક્ટોબર,2015ના રોજ સભાસદોની યાદી બનાવી તેમના નામે રૂ.3,26,555 ઉપાડી લીધાં હતાં. નિવેદન મુજબ રૂ.3,47,181.10 અંગત કામમાં વાપરી નાંખ્યાં હતાં. જે 15મી નવેમ્બર,15 સુધીમાં જમા કરવા ખાતરી આપી હતી. પરંતુ જમા કરાવ્યાં નહતાં. આમ કુલ રૂ.6,78,736.10 શૈલેષ રણછોડભાઈ ચૌહાણે અંગત કામમાં વાપરી નાંખ્યાં હતાં.

Most Popular

To Top