World

ક્રૂઝ શિપ બાદ હવે સેકન્ડરી એક્સપોઝરનો પ્રથમ કેસ, વિશ્વભરમાં ચિંતા

હન્ટાવાયરસનો વધતો ખતરો : વિશ્વભરમાં હન્ટાવાયરસને લઈને ચિંતા સતત વધી રહી છે. અત્યાર સુધી આ વાયરસ મુખ્યત્વે ઉંદરો અને સંક્રમિત વિસ્તારોના સીધા સંપર્કથી ફેલાતો હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ હવે “સેકન્ડરી એક્સપોઝર”નો પ્રથમ દસ્તાવેજીકૃત કેસ સામે આવતા આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે. આ ઘટનાએ વૈશ્વિક આરોગ્ય એજન્સીઓમાં ચિંતા વધારી દીધી છે અને અનેક દેશોમાં એક્ટિવ મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે.

તાજેતરમાં કેનેડામાં એક એવી વ્યક્તિમાં હન્ટાવાયરસનો ચેપ નોંધાયો હતો, જે ક્યારેય ક્રૂઝ શિપ પર ગઈ નહોતી અને ન તો કોઈ સંક્રમિત પ્રાણીના સંપર્કમાં આવી હતી. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વ્યક્તિ વિમાનમાં એવા બે મુસાફરોની બાજુમાં બેઠી હતી, જેઓ બાદમાં હન્ટાવાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું. નિષ્ણાતો આ ઘટનાને “સેકન્ડરી એક્સપોઝર” તરીકે ઓળખાવી રહ્યા છે. માનવામાં આવે છે કે હન્ટાવાયરસના ફેલાવાનો આ પહેલો એવો કેસ છે, જેમાં સંક્રમણ સીધા સ્ત્રોત વિના બીજા વ્યક્તિ સુધી પહોંચ્યું.

આ ઘટના બાદ અમેરિકા, સિંગાપોર, કેનેડા, સ્વિટ્ઝર્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સહિત પાંચ દેશોમાં આરોગ્ય વિભાગો સતર્ક બન્યા છે. વિવિધ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર મુસાફરોનું હેલ્થ સ્ક્રીનિંગ વધારવામાં આવ્યું છે, જ્યારે સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરીને તેમને મોનિટરિંગ હેઠળ રાખવામાં આવી રહ્યા છે.આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હન્ટાવાયરસનું ઇન્ક્યુબેશન પિરિયડ લગભગ 6 અઠવાડિયા સુધી લાંબું હોઈ શકે છે. એટલે કે હાલ કોઈ વ્યક્તિમાં લક્ષણો ન દેખાતા હોય તો પણ આગામી અઠવાડિયાંમાં નવા કેસ સામે આવી શકે છે. આ કારણે વિશ્વ આરોગ્ય તંત્ર આગામી સમયને ખૂબ જ મહત્વપૂર્ણ માની રહ્યું છે.

હન્ટાવાયરસના સામાન્ય લક્ષણોમાં તાવ, શરીરમાં દુખાવો, થાક, માથાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. ગંભીર કેસોમાં ફેફસાં પર ગંભીર અસર થઈ શકે છે, જેના કારણે દર્દીની સ્થિતિ વધુ નાજુક બની શકે છે. ડૉક્ટરો ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને વધુ સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આ સમગ્ર પરિસ્થિતિ અંગે જણાવ્યું છે કે હાલ પરિસ્થિતિ ગંભીર જરૂર છે, પરંતુ વૈશ્વિક મહામારી જેવી સ્થિતિ નથી. WHO મુજબ હાલના કેસ નિયંત્રણ હેઠળ છે, છતાં આરોગ્ય નિષ્ણાતો માને છે કે વાયરસ સંપૂર્ણપણે કાબૂમાં છે એવું કહેવું હજુ વહેલું રહેશે. વૈજ્ઞાનિકો હવે વાયરસના નવા સ્વરૂપ અને તેના ફેલાવાના માધ્યમ અંગે વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે.

Most Popular

To Top