National

રાહુલ ગાંધીને સાંસદપદ પાછું મળ્યું, 137 દિવસ બાદ સંસદ પહોંચ્યા

નવી દિલ્હી: મોદી અટક બદનક્ષી કેસમાં (Modi surname defamation case) સુપ્રિમ કોર્ટ (Supreme Court) તરફથી રાહત મળ્યા બાદ આજે સોમવારે તા. 7 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીને (RahulGandhi) તેમનું સાંસદ પદ (MP position) પાછું મળી ગયું છે. 136 દિવસ બાદ રાહુલને તેમનું સાંસદ પદ પરત મળ્યું છે. લોકસભાના સચિવાલય (Lok Sabha Secretariat) દ્વારા આ અંગેનું નોટિફિકેશન (Notification) જાહેર કરી દેવાયું છે.

રાહુલ ગાંધી 137 દિવસ બાદ આજે સોમવારે સંસદ ભવન પહોંચ્યા હતા. સંસદ ભવન પહોંચતા રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા હતા. ત્યાર બાદ રાહુલ ગાંધી ગૃહમાં ગયા હતા. તેઓ લોકસભામાં પોતાની ખુરશી પર બેઠા હતા.

આ અગાઉ રાહુલ ગાંધી સંસદ ભવનના ગેટ પર પહોંચ્યા ત્યારે વિપક્ષના ગઠબંધન I.N.D.I.A ના સાંસદોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. ‘રાહુલ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ..’, ના નારા સાંસદોએ લગાવ્યા હતા.

આ અગાઉ સુરતની (Surat) કોર્ટે ગઈ તા. 23 માર્ચે મોદી અટક બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી, જેના લીધે રાહુલ ગાંધીએ સાંસદ પદ ગુમાવ્યું હતું. છેલ્લી વખત રાહુલ ગાંધી 24મી માર્ચે સંસદમાં ગયા હતા. દરમિયાન ગઈ તા. 4 ઓગસ્ટના રોજ સુપ્રિમ કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે ઓર્ડર (Stay order) આપ્યો હતો. જેથી રાહુલ ગાંધીનું સાંસદ પદ પરત મેળવવાનો રસ્તો સાફ થયો હતો.

સુપ્રિમ કોર્ટના આદેશ બાદ કોંગ્રેસના (Congress) નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chaudhary) લોકસભાના સ્પીકર ઓમ બિરલાને (Lok Sabha Speaker Om Birla) મળ્યા અને રાહુલ ગાંધીને તેમનું સાંસદપદ પરત આપવા વિનંતી કરી હતી. જણાવી દઈએ કે રાહુલ ગાંધી 2019ની લોકસભાની ચૂંટણીમાં (Lok Sabha elections) કેરળના (Kerala) વાયનાડથી (Wayanad) ચૂંટણી (Election) જીત્યા હતા.

કોંગ્રેસના નેતાઓએ એકબીજાને લાડુ ખવડાવી ઉજવણી કરી હતી. અધીર રંજન ચૌધરીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લાડુ ખવડાવ્યા હતા. ત્યાર બાદ ખડગેએ અન્ય નેતાઓને લાડુ ખવડાવ્યા હતા. સચિન પાયલટે કહ્યું કે, સત્યની જીત થઈ છે. જનતાનો અવાજ ફરી સંસદમાં ઉઠાવવામાં આવશે.

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Khadge) ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, રાહુલ ગાંધીને સાંસદ પદ પરત આપવાનો નિર્ણય આવકારદાયક છે. દેશના લોકો અને ખાસ કરીને વાયનાડના લોકો માટે આ રાહત છે. ભાજપ અને મોદી સરકારે વિપક્ષી નેતાઓને ટાર્ગેટ કરી લોકશાહીને બદનામ કરવાના બદલે હવે શાસન પર ધ્યાન આપવું જોઈએ. મોદી સરકારનો જે કાર્યકાળ બચ્યો છે તેનો સદ્દઉપયોગ કરવો જોઈએ.

સંસદીય બાબતોના મંત્રી પ્રહલા જોશીએ કહ્યું, સ્પીકરે આજે રાહુલ ગાંધીને સાંસદ પરત સોંપવાનો નિર્ણય લીધો છે. અમે સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરી કાનૂની પ્રક્રિયાનું સન્માન કર્યું છે.

શું હતો સમગ્ર વિવાદ?
રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના (Karnataka) કોલારમાં (Kolar) એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, “નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની (NarendraModi) અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે?” ત્યાર બાદ ભાજપના સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલના આ નિવેદનને લઈને તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ સુરતમાં બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો.

બીજેપી ધારાસભ્યએ આરોપ મુક્યો હતો કે રાહુલ ગાંધીએ 2019માં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કથિત રીતે સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે? રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસમાં ચાર વર્ષ બાદ 23 માર્ચે સુરતની નીચલી અદાલતે રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકારી હતી.

સુરતની કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ લોકસભા સચિવાલય દ્વારા તેમની સંસદનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. ખરેખર લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં જોગવાઈ છે કે જો કોઈ સાંસદ અને ધારાસભ્યને કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તેમનું સભ્યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવે છે. એટલું જ નહીં સજાનો સમયગાળો પૂરો થયા બાદ છ વર્ષ સુધી ચૂંટણી લડવા પાત્ર રહેતા નથી.

Most Popular

To Top