Business

અદાણીએ રોકાણકારોને કર્યા માલામાલ: નિફ્ટીએ પહેલીવાર બનાવ્યો આ રેકોર્ડ

મુંબઈ(Mumbai): છેલ્લા બે મહિનાની બજારની વધઘટ બાદ સોમવારે નિફ્ટીએ (Nifty) પહેલીવાર 20,000નો આંકડો પાર કર્યો છે. બજાર બંધ થયું ત્યારે 50 શૅરનો ઇન્ડેક્સ 176 પૉઇન્ટના વધારા સાથે 19996.35ના સ્તરે બંધ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ (BSE) પણ 528 પોઈન્ટ ઉછળીને 67,127.08 ના સ્તરે પહોંચ્યો હતો.

બપોરે 3.20 વાગ્યે નિફ્ટી તેના અગાઉના તમામ રેકોર્ડ તોડીને રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો અને 20,000ની સપાટીને પાર કરી ગયો હતો. જુલાઈ 2023 પછી નિફ્ટીનો આ નવો રેકોર્ડ છે. અગાઉ આ આંકડો 19,995 હતો.

સોમવારે શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 ઇન્ડેક્સ સવારે 9.15 વાગ્યે 19,890ના સ્તરે ખૂલ્યો હતો. માર્કેટમાં ટ્રેડિંગ આગળ વધતાં નિફ્ટીએ પણ વેગ પકડ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 20,008.15ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. નિફ્ટીએ પહેલીવાર આ સ્તરને પાર કર્યું છે. નિફ્ટીએ 36 સેશનમાં આ રેકોર્ડ સ્તર હાંસલ કર્યો છે.

નિફ્ટી-50 તેની ઓલ-ટાઇમ હાઈને સ્પર્શી ગયો છે અને માર્ચ 2023થી 15 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. જો કે, અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા બાદ ટ્રેડિંગની છેલ્લી મિનિટોમાં શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો અને નિફ્ટી 20,000ના સ્તરની નીચે બંધ થયો હતો. બજારના અંતે તે 176.40 પોઈન્ટના ઉછાળા સાથે 19,996.35ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી બેંક પણ 414.30 પોઈન્ટના ઉછાળા સાથે 45570.70ના સ્તરે બંધ રહ્યો હતો.

નિફ્ટીની સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર્સવાળા સેન્સેક્સે પણ દિવસભર ઝડપી કારોબાર કર્યો અને અંતે મજબૂત વધારા સાથે બંધ થયો હતો. ગયા શુક્રવારના 66,598.91 ના બંધની સરખામણીમાં સોમવારે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ 66,807.73 પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 67,172.13ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને અંતે 528.17 પોઇન્ટના વધારા સાથે 67,127.08ના સ્તરે બંધ રહ્યો હતો.

બીએસઈના તમામ સેક્ટરના શેર્સમાં આજે પણ તેજીનો ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. મેટલ, ઓટો, એનર્જી શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. બેન્કિંગ, એફએમસીજી અને આઈટી શેરોમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો.

અદાણીની તમામ કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો
શેરબજારમાં લિસ્ટેડ અદાણી ગ્રુપની તમામ 10 કંપનીઓના શેરમાં સોમવારે ઉછાળો જોવા મળ્યો છે. અદાણી પાવર શેર 7.35% વધીને રૂ. 396.30, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો શેર 5.98% વધીને રૂ. 874.35, NDTVનો શેર 5.80% વધીને રૂ. 225.30 પર ટ્રેડ થયો હતો. આ સિવાય અદાણી એન્ટરપ્રાઈઝના શેર 1.66% વધીને રૂ. 2,561.15, અદાણી ગ્રીન એનર્જીનો શેર 0.80% વધીને રૂ. 1009.20, અદાણી વિલ્મરનો શેર 2.66% વધીને રૂ. 364.05, અદાણી એનર્જી સોલ્યુશનનો શેર 2.31% વધીને રૂ. રૂ. 852.25, અદાણી ટોટલ ગેસનો શેર 2.52%ના ઉછાળા સાથે રૂ. 661.05 પર ટ્રેડ થયો હતો. ACC લિમિટેડનો શેર 1.31%ના ઉછાળા સાથે રૂ. 2,050.75 પર ટ્રેડ થયો હતો અને અંબુજા સિમેન્ટ લિમિટેડનો શેર 1.63% ના વધારા સાથે 446.35 ના સ્તરે ટ્રેડ થયો હતો.

Most Popular

To Top