Entertainment

અભિષેકની ‘ધ બિગ બુલ’ પ્રતીકની ‘સ્કેમ 1992’ થી નાની સાબિત થઇ!

ઓટીટી (ott) પર રજૂ થયેલી અભિષેક બચ્ચન(abhishek bhachchan)ની ફિલ્મ ‘ધ બિગ બુલ’ (the big bull) અને પ્રતીક ગાંધીની વેબસિરીઝ ‘સ્કેમ 1992’ વચ્ચે સરખામણી કર્યા વગર વાત કરીએ તો પણ આ ફિલ્મ એટલી દમદાર લાગતી નથી. સમીક્ષકોએ ફિલ્મને બે થી ત્રણ સ્ટાર આપીને અભિષેકના અભિનયને પૂરા માર્કસ આપ્યા છે.

સાથે એ વાત ખાસ કહી છે કે તેણે અગાઉ આવી જ ભૂમિકા ‘ગુરુ’ (guru) માં ભજવી હોવા છતાં બંનેની સરખામણી કરી શકાય નહિ. આ ભૂમિકા માટે અભિએ સારી મહેનત કરી છે. ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ અભિષેકનો અભિનય ગણાયો છે. સોશ્યલ મીડિયા પર એવો સવાલ કરવામાં આવ્યો કે અમે ‘સ્કેમ 1992’ (scam 1992) જોઇ છે તો પછી ‘ધ બિગ બુલ’ શા માટે જોઇએ? તેના જવાબમાં અભિષેકે સાચો જવાબ આપ્યો હતો કે, ‘કેમ કે એમાં હું છું.’ ‘સ્કેમ 1992’ પહેલાં ‘ધ બિગ બુલ’ ને રજૂ કરવામાં આવી હોત તો કદાચ થોડા વધુ દર્શકો મળ્યા હોત. ‘સ્કેમ 1992’ પછી પ્રતીક ગાંધી(pratik gandhi)ને તેની પહેલી હિન્દી ફિલ્મ ‘લવરાત્રિ’ કરતાં વધુ લોકપ્રિયતા અને સફળતા મળી હતી. તે અત્યારે ‘અતિથિ ભૂતો ભવ’ અને ‘રાવણ લીલા’ માં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યો છે. અભિષેકને ‘ધ બિગ બુલ’ પછી બીજી એક ફિલ્મ મળે તો ઘણું છે. ‘ધ બિગ બુલ’ એક મસાલા ફિલ્મથી વિશેષ ઓળખ મેળવી શકે એવી નથી. ‘સ્કેમ 1992’ ની સફળતાને કારણે એ જ વિષય પરની હોવાથી ‘ધ બિગ બુલ’ ને મોડી રજૂ કરવામાં આવી છે પરંતુ દર્શકો ‘સ્કેમ 1992’ ને ભૂલ્યા નથી.

નિર્દેશક કૂકી ગુલાટીએ વાર્તા પર બરાબર ધ્યાન આપ્યું ન હોવાની ખામી કાઢવામાં આવી છે કેમ કે જે સ્કેમનો મુદ્દો હતો એના પર જ ફોકસ કર્યું નથી. વેબસીરિઝ ‘સ્કેમ 1992’ ની અવધિ લાંબી હતી અને વાર્તા વિગતવાર કહેવાની તક મળી હતી. ‘ધ બિગ બુલ’માં એટલો સમય ના મળે પણ હેમંત જમીનથી મહેલમાં પહોંચે છે એ વાત બતાવવાને બદલે માત્ર જણાવી દીધી છે. એક દ્રશ્ય પહેલાં જે પોતાના ભાઇને ઉધારના પૈસા ચૂકવવાનું આયોજન કરતો હતો એ બીજા દ્રશ્યમાં બોસ બનીને પોતાની એસી ઓફિસમાં દેખાય છે. ‘સ્કેમ ૧૯૯૨’ ની સફળતા એ હતી કે જેને શેરબજાર વિશે કંઇ જ ખબર ના હોય એ આખી વેબસીરિઝ જોયા પછી બીજાને ટયુશન આપી શકે એટલી જાણકારી મેળવી લે છે. એમ કહેવું પડે છે કે જો તમારે ‘ધ બિગ બુલ’ ની વાર્તાને સમજવી હોય તો પહેલાં ‘સ્કેમ 1992’ જોઇ લેવી જોઇએ. અને એના ‘રિસ્ક હૈ તો ઇશ્ક હૈ’ જેવા સંવાદોની અહીં સદંતર કમી છે.

ફિલ્મમાં હર્ષદ મહેતાની વાર્તા બતાવવામાં આવી છે એમાં વાસ્તવિકતા કરતાં મસાલા વધારે છે. સમીક્ષકોએ આ ફિલ્મના સ્ટાર કયા કારણથી કાપ્યા છે એ જાણવું પણ રસપ્રદ બની જશે. ફિલ્મના નબળા નિર્દેશનથી એક સ્ટાર કપાયો. ફિલ્મની અભિષેક સિવાયની સ્ટારકાસ્ટ સૌરભ શુક્લા, ઇલિયાના, સોહમ શાહ, નિકિતા દત્તા વગેરેને વેડફવાને કારણે બીજો સ્ટાર કપાઇ ગયો છે. કેટલાકે દમદાર સંવાદ ન હોવાથી અડધો સ્ટાર કાપ્યો છે. અને આ બધાં કારણોને લીધે અભિષેકની આ ફિલ્મથી સ્ટારવેલ્યુ વધી ના શકી. ફિલ્મની અનેક ખામીઓને કારણે થિયેટરોમાં પણ સારો આવકાર મળી શક્યો ના હોત. ઓટીટી પર લાંબા સમયથી કોઇ સારી હિન્દી ફિલ્મ આવી ન હોવાથી એક સારી તક અભિષેકને ગુમાવવી પડી છે.

‘ધ બિગ બુલ’ ની જેમ બીજી અનેક ફિલ્મો હવે ઓટીટી પર રજૂ થઇ શકે છે. કોરોનાના કેસો વધી ગયા પછી કંગનાની ‘થલાઇવી’ સહિતની અનેક ફિલ્મોની રજૂઆતો મોકૂફ રાખવામાં આવી રહી છે. ટ્રેડ સમીક્ષકો માને છે કે મોટી ફિલ્મોને જ્યાં સુધી પોતાની કિંમત નહીં મળે ત્યાં સુધી ઓટીટી પર આવશે નહીં. મોટી ફિલ્મો પર ખર્ચ વધારે થયો હોય છે અને ઓટીટીવાળા એટલી રકમ આપી શકે એમ ન હોવાથી થિયેટરોમાં જવું તેમની મજબૂરી છે. આવી મોટી ફિલ્મો જો ઓટીટી પર આવવા લાગશે તો થિયેટર ઉદ્યોગ જ ખતમ થઇ જશે. મોટી ફિલ્મોની રજૂઆત જેમ લંબાતી જાય છે એમ વ્યાજ ચઢવાને કારણે કિંમત વધી રહી છે. સામાન્ય બજેટની અને નાની ફિલ્મોના નિર્માતા થિયેટરો શરૂ થાય ત્યાં સુધી રાહ જુએ છે કે નફો ભૂલીને ઓટીટી પર રજૂ કરીને લાગત વસૂલ કરવાનું પસંદ કરે છે એનો નિર્ણય બહુ જલદી આવી જશે.

Most Popular

To Top