National

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અભિજિત દીપકેની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું, આખરે સરકાર ઝૂકી, 36 દિવસના સંઘર્ષનું પરિણામ મળ્યું

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન અને સરકાર સામે ઉઠી રહેલા સવાલોની વચ્ચે તેમના રાજીનામાએ દેશભરમાં રાજકીય ચર્ચા તેજ કરી દીધી છે. રાજીનામાના સમાચાર સામે આવતા જ CJPના ફાઉન્ડર અભિજિત દીપકે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી હતી. તેઓ પોતાના સમર્થકો સાથે દિલ્હીના જંતર-મંતર ખાતે પહોંચ્યા હતા, જ્યાં સમર્થકોએ ઉજવણી કરીને આ નિર્ણયને વિદ્યાર્થીઓના સંઘર્ષની જીત ગણાવ્યો હતો.

જંતર-મંતર ખાતે મીડિયા સાથે વાત કરતા અભિજિત દીપકેએ કહ્યું કે, “ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિયે.” તેમણે દાવો કર્યો કે ઘણા લોકો માનતા હતા કે આ સરકારમાં કોઈ મંત્રી રાજીનામું આપશે નહીં, પરંતુ અંતે સરકારને જનભાવના સામે ઝૂકવું પડ્યું. તેમના જણાવ્યા મુજબ છેલ્લા 36 દિવસથી સતત શિક્ષણ મંત્રીને રાજીનામું આપવા માટે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા અને વિદ્યાર્થીઓના મુદ્દે સતત દબાણ બનાવવામાં આવી રહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે ઘણા લોકોએ શરૂઆતમાં આંદોલનને ગંભીરતાથી લીધું નહોતું. કેટલાક લોકોનું માનવું હતું કે આ વિરોધ પ્રદર્શનથી કંઈ બદલાશે નહીં, પરંતુ આજે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેમના મત મુજબ આ ઘટનાએ સાબિત કર્યું છે કે જો કોઈ મુદ્દે સતત અને શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવવામાં આવે તો સરકારને પણ નિર્ણય લેવો પડે છે.

અભિજિત દીપકે પોતાના સંબોધનમાં કહ્યું કે જ્યારે તેઓ અમેરિકાથી ભારત આવવા નીકળ્યા હતા ત્યારે અનેક લોકોએ તેમને પૂછ્યું હતું કે આ સમગ્ર અભિયાનથી શું બદલાશે. પરંતુ આજે પરિણામ સૌની સામે છે. તેમણે જણાવ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માત્ર એક વ્યક્તિના પદ છોડવાનો મુદ્દો નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓના સંઘર્ષ અને તેમના અવાજની અસરનું પ્રતિક છે. જંતર-મંતર પર મોટી સંખ્યામાં એકત્ર થયેલા સમર્થકોએ રાજીનામાના સમાચાર બાદ ખુશી વ્યક્ત કરી હતી. કેટલાક લોકોએ તેને વિદ્યાર્થીઓના અધિકારોની જીત ગણાવી, તો કેટલાકે સરકારે મોડું હોવા છતાં યોગ્ય નિર્ણય લીધો હોવાનું કહ્યું. સમગ્ર વિસ્તારમાં સૂત્રોચ્ચાર અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

બીજી તરફ, ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. રાજીનામા સાથે તેમણે એક પત્ર પણ લખ્યો છે, જેમાં પોતાના નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં દેશવિરોધી તત્વો પરિસ્થિતિનો ગેરલાભ ન ઉઠાવે, દેશમાં શાંતિ અને એકતા જળવાઈ રહે તેમ જ વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે પોતાના પત્રમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય દેશ માટે સૌથી મહત્વપૂર્ણ છે અને કોઈ પણ પ્રકારની રાજકીય કે સામાજિક અસ્થિરતાનો સૌથી વધુ પ્રભાવ યુવાનો પર પડે છે. તેથી દેશના હિતને ધ્યાનમાં રાખીને તેમણે પદ છોડવાનું યોગ્ય માન્યું છે.

ધર્મેન્દ્ર પ્રધાને એ પણ જણાવ્યું કે દેશમાં લાખો વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહેનત કરે છે. આવી સ્થિતિમાં તેઓ કોઈ પણ પ્રકારના વિવાદ કે અનિશ્ચિતતામાં ન ફસાય અને પોતાના અભ્યાસ પર ધ્યાન આપી શકે તે સરકારની પણ જવાબદારી છે. તેમણે આશા વ્યક્ત કરી કે દેશનું શિક્ષણતંત્ર વધુ મજબૂત બનશે અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ જળવાઈ રહેશે. રાજીનામા બાદ રાજકીય વર્તુળોમાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વિરોધ પક્ષોએ આ નિર્ણયને પોતાના આંદોલનની અસર ગણાવી છે, જ્યારે સરકારના સમર્થકોનું માનવું છે કે દેશના હિતમાં લેવાયેલો આ નિર્ણય જવાબદારીનું ઉદાહરણ છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે અને હજારો લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું આગામી દિવસોમાં દેશના રાજકારણ પર મહત્વપૂર્ણ અસર કરી શકે છે. ખાસ કરીને શિક્ષણ અને પરીક્ષા વ્યવસ્થાને લઈને સરકારના આગામી પગલાં પર સૌની નજર રહેશે. નવા શિક્ષણ મંત્રીની નિમણૂક કોણ થશે અને સરકાર વિદ્યાર્થીઓનો વિશ્વાસ ફરી કેવી રીતે જીતશે તે અંગે પણ ચર્ચાઓ તેજ બની છે. વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે માત્ર રાજીનામું પૂરતું નથી, પરંતુ પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે અસરકારક સુધારાઓ પણ જરૂરી છે. તેઓ ઈચ્છે છે કે ભવિષ્યમાં કોઈ પણ વિદ્યાર્થીને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંપૂર્ણ નિષ્પક્ષ રીતે યોજાય.

જંતર-મંતર પર ઉજવણી દરમિયાન અભિજિત દીપકેએ ફરી એક વખત વિદ્યાર્થીઓને સંદેશ આપતાં કહ્યું કે આંદોલનનો હેતુ માત્ર રાજીનામું મેળવવાનો નહોતો, પરંતુ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાનો હતો. તેમણે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખવા અપીલ કરી હતી. રાજીનામા બાદ શિક્ષણ મંત્રાલયમાં શું ફેરફાર થશે, પરીક્ષા પ્રણાલીમાં કયા સુધારા કરવામાં આવશે અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ માટે સરકાર શું પગલાં લેશે, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

Most Popular

To Top