Gujarat

દિલ્હીમાં ખાનગી સ્કૂલોએ 7 વર્ષથી ફી નથી વધારી, ગુજરાતમાં આવું ક્યારે થશે? : આપ

ગાંધીનગર: આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગુજરાતમાં (Gujarat) સતત શિક્ષણનો (Education) મુદ્દો ઉછાળવામાં આવી રહ્યો છે. આજે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ (Gopal Italiya) પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે ભાજપના નેતાઓએ ગુજરાતમાં શિક્ષણને વેપાર બનાવી દીધો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓની સ્કૂલોને ફાયદો થાય તે માટે સરકારી શાળાઓના વહીવટને ખાડે જવા દેવાયો છે. ગુજરાતમાં ખાનગી શાળાઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે. બીજી તરફ સરકારી સ્કૂલો બંધ થઈરહી છે. ખાનગી શાળાઓમાં બેફામ ફી લઈ વાલીઓને લૂંટવામાં આવી રહ્યાં હોવાનું ઈટાલિયાએ જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટી દ્વારા આ માંગણી કરાઈ

  • ખાનગી શાળાઓમાં ફી વધારો પાછો ખેંચવામાં આવે.
  • ડોનેશન સિસ્ટમ બંધ કરાય. ડોનેશન માંગનાર શાળા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
  • યુનિફોર્મ, પુસ્તક, નોટબુક, બૂટમોજા વિગેરે કોઈ ચોક્કસ દુકાનેથી જ ખરીદવા બાબતે ખાનગી સ્કૂલોની મનમાની બંધ કરાવાય.
  • ખાનગી શાળાના શિક્ષકો અને અન્ય સ્ટાફનું શોષણ બંધ કરાય.
  • FRC કમિટીમાં વાલીઓનો સભ્ય તરીકે સમાવેશ કરાય.

આજે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને શિક્ષણનીતિઓમાં સુધારા કરવા બાબતે એક પત્ર લખવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીએ કેટલીક માંગણીઓ જનતા વતી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી છે. આ સાથે જ માંગણીઓ પર યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો લોકશાહી ઢબે શાંતિપૂર્વક જિલ્લા સ્તરે વિરોધ કાર્યક્રમો યોજવાની ચીમકી ઉચ્ચારી છે.
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે સ્થળોના નામ બદલવાથી કશું નહીં થાય. જે ભાજપવાળા હાર્દિકને ગાળો આપતા હતા તે જ ભાજપવાળા હવે હાર્દિકને આમંત્રણ આપે છે. તમે ભાજપને પૂછો. નામ બદલવાની રાજનીતિ ભાજપને કોઠે પડી ગઈ છે. નામ બદલવાથી વિકાસ નહીં થાય. માલધારી સમાજની માંગણીઓ વ્યાજબી છે. પહેલાં દિવસથી જ આમ આદમી પાર્ટી માલધારી સમાજની પડખે ઉભો છે.

ઈટાલિયાએ વધુમાં કહ્યું કે, દિલ્હીમાં 7 વર્ષથી ખાનગી શાળાઓ દ્વારા ફીનો વધારો કરાયો નથી. હવે પંજાબમાં પણ આપની સરકાર બની ત્યાર બાદ પહેલું કામ ખાનગી શાળાઓના ફી વધારા પર પ્રતિબંધ મુકવાનું કરાયું છે. બીજી તરફ ગુજરાતમાં ખાનગી શાળા સંચાલકોની દાદાગીરી વધતી જ રહી છે. ફીમાં વધારો, ડોનેશનની વસૂલી કરાય છે. ભાજપ ધારે તો વાલીઓને લૂંટતા બચાવી શકે છે પરંતુ તેવું થઈ રહ્યું નથી.

Most Popular

To Top