Columns

દક્ષિણનાં રાજ્યો હિન્દી ભાષાનો દંભી વિરોધ કરે છે

દક્ષિણનાં રાજ્યોના રાજકારણીઓ દ્વારા હિન્દી ભાષાનો વિરોધ થઇ રહ્યો છે તેમાં પ્રાદેશિક સ્વાભિમાન કરતાં રાજકારણ વધુ છે. 1960ના દાયકામાં દક્ષિણનાં રાજ્યોમાં હિન્દી ભાષાનો પ્રચાર કરવાના પ્રયાસો થયા ત્યારે હિંસક રમખાણો થયાં હતાં, જેને પગલે તમિલનાડુમાં DMK પક્ષ સત્તા પર આવ્યો હતો અને રાષ્ટ્રીય પક્ષો ફેંકાઇ ગયા હતા. 1960 પછી બંગાળના અખાતમાં ઘણાં પાણી વહી ગયાં છે પણ રાજકારણીઓ પોતાના રોટલા શેકવા હિન્દી ભાષાનો વિરોધ કરી રહ્યા છે. તમિલનાડુનાં અખબારો અને TV ચેનલો જ્યારે હિન્દીનો વિરોધ કરવામાં વ્યસ્ત હતા ત્યારે તમિલનાડુના  વેપારીઓ હિન્દી ભાષાનું સમર્થન કરતાં પોસ્ટરો અને પેમ્ફલેટો વહેંચી રહ્યા હતા. તેનું કારણ એ હતું કે આ શહેરના યુવાન સેલ્સમેનો પોતાનો માલ વેચવા ઉત્તર કે પશ્ચિમ ભારતનો પ્રવાસ કરે ત્યારે તેમના માટે હિન્દીનું જ્ઞાન અત્યંત જરૂરી હોય છે. તમિલનાડુની કોઇ સ્કૂલમાં હિન્દી ભણાવાતું નથી માટે તેઓ જ્યારે નોકરી કરવા આવે ત્યારે તેમને હિન્દીના ક્લાસ કરાવવા પડે છે.

તમિલનાડુમાં દેશી અને વિદેશી પર્યટકો વધતા જાય છે તેમ હિન્દી ભાષાનું મહત્ત્વ પણ સમજાતું જાય છે. તમિલનાડુમાં દર વર્ષે આશરે 34 કરોડ પર્યટકો આવે છે, જેમાં 50 લાખ તો વિદેશી પર્યટકો પણ હોય છે. પર્યટનના વ્યવસાય સાથે જોડાયેલા હોટેલમાલિકો, ટ્રાવેલ એજન્ટો, વાહનચાલકો, ટુરિસ્ટ ગાઇડો, વેઇટરો, દુકાનદારો વગેરે જો હિન્દી જાણતા હોય તો તેમનો ધંધો નફામાં રહે છે. તેમને હિન્દી ભણવામાં કોઇ વાંધો નથી પણ રાજકારણીઓને વાંધો છે.

તમિલનાડુના રાજકારણીઓ હિન્દી ભાષાનો વિરોધ કરે છે પણ તામિલ ભાષાને બચાવવા માટે કોઇ પગલાં ભરતા નથી. તમિલનાડુમાં છેક ઇ.સ.2010ની સાલમાં સ્કૂલોમાં તમિલ ભાષા ફરજીયાત કરવામાં આવી પણ ત્યાં સુધીમાં એક આખી પેઢી તમિલ ભણ્યા વિના સ્કૂલમાંથી બહાર આવી ગઇ હતી. સ્કૂલોમાં તમિલ ભાષાને ફરજીયાત બનાવવાનો સૌથી વધુ વિરોધ અંગ્રેજી માધ્યમની સ્કૂલોના સંચાલકો દ્વારા કરવામાં આવ્યો હતો. આ સ્કૂલો તમિલનાડુના વગદાર રાજકારણીઓ ચલાવતા હોવાથી અંગ્રેજી માધ્યમની સ્કૂલોને ફરજીયાત તમિલ ભણાવવાના કાયદામાં છૂટછાટ આપવામાં આવી હતી. આ કાયદો તમિલ માધ્યમની સરકારી સ્કૂલો પૂરતો મર્યાદિત રહી ગયો હતો. અંગ્રેજી સ્કૂલમાં ભણીને બહાર પડેલો યુવાન તમિલ ભાષામાં પોતાનું નામ પણ  લખી શકતો નથી.

ભારતનાં બીજા રાજ્યોની જેમ તમિલનાડુમાં પણ સરકારી સ્કૂલોમાં શિક્ષણની ગુણવત્તા કથળી રહી છે અને ખાનગી અંગ્રેજી માધ્યમની સ્કૂલોની સંખ્યા વધી રહી છે. તાજેતરમાં તમિલનાડુમાં SSC બોર્ડનું પરિણામ આવ્યું તેમાં 28% વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમના હતા. સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા જોઇને 2013માં તત્કાલીન મુખ્ય પ્રધાન જયલલિતાએ કેટલીક સરકારી સ્કૂલોમાં અંગ્રેજી મીડિયમ શરૂ કર્યું તેનો પણ DMK દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જયલલિતાએ સવાલ કર્યો હતો કે શું સ્ટાલિન પોતાના બાળકોને તમિલ માધ્યમની સ્કૂલમાં ભણાવવા તૈયાર છે?

મુખ્ય પ્રધાન સ્ટાલિનની પુત્રી દ્વારા ચેન્નાઇમાં સનશાઇન મોન્ટેસરી નામની ઇંગ્લીશ મીડિયમની સ્કૂલ શરૂ કરવામાં આવી છે, જે શહેરની સૌથી પોશ સ્કૂલ ગણાય છે. આ સ્કૂલમાં જો કોઇ વિદ્યાર્થી તમિલ ભાષામાં વાતચીત કરે તો તેને દંડ કરવામાં આવે છે. હિન્દી ભાષાનો વિરોધ કરતા રાજકારણીઓને ઇંગ્લીશ ભાષાની ગુલામી બિલકુલ ખૂંચતી નથી. DMKના અધ્યક્ષ સ્ટાલિન તમિલ ભાષાની વકીલાત કરતા કહે છે કે રશિયા, જર્મની, ફ્રાન્સ, ચીન અને જપાન જેવા દેશોમાં પણ શાળાનું અને કોલેજનું શિક્ષણ સ્થાનિક ભાષાઓમાં આપવામાં આવે છે. ત્યાં બહુ ઓછા લોકો ઇંગ્લીશ બોલે છે તો પણ તેમના રોજગાર ચાલે છે. સ્ટાલિનની દલીલ સાચી છે પણ તેઓ પોતે જ આ સિદ્ધાંતનું પાલન કરતા નથી. તમિલનાડુની તમામ કોલેજોમાં અંગ્રેજી મીડિયમમાં જ શિક્ષણ આપવામાં આવે છે.

તમિલનાડુની પ્રજા પણ હિન્દી ભાષાનો વિરોધ કરવામાં રાજકારણીઓ સાથે જોડાઇ જાય છે, જેને કારણે રાજકારણીઓ દ્વારા હિન્દીનો જોરશોરથી વિરોધ કરવામાં આવે છે. તમિલનાડુમાં લગભગ બધો સરકારી વહેવાર તમિલમાં નહીં પણ ઇંગ્લીશમાં કરવામાં આવે છે. તમિલનાડુમાં કોઇ પણ ધંધો કરવો હોય તો બિલબુકથી માંડીને રસીદબુક પણ ઇંગ્લીશમાં છાપવામાં આવે છે. ડૉક્ટર પોતાનું પ્રિસ્ક્રિપ્શન ઇંગ્લીશમાં લખે છે. દવાની માહિતી આપતાં પેમ્ફલેટ પણ ઇંગ્લીશમાં હોય છે. શહેરોમાં દુકાનોનાં પાટિયા ઇંગ્લીશમાં હોય છે. કોઇ વ્યક્તિ નોકરી કરવા માગતો હોય તો તેને તમિલ ભાષાનું જ્ઞાન કામ લાગતું નથી, જેને કારણે વાલીઓને પોતાનાં બાળકોને ઇંગ્લીશ મીડિયમની સ્કૂલોમાં મૂકવાની ફરજ પડે છે. તમિલનાડુમાં તમિલ મીડિયમની સરકારી સ્કૂલો બંધ પડી રહી છે.

તમિલનાડુની સરકાર દ્વારા તમિલ મીડિયમની કુલ 31,200 સ્કૂલો ચલાવવામાં આવે છે, પણ તેમાંની 3,000 જેટલી સ્કૂલો સંખ્યાના અભાવે બંધ થવાની તૈયારીમાં છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણનીતિનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો તેમાં ત્રિભાષી ફોર્મ્યુલા મૂકવામાં આવી હતી. તે મુજબ દરેક રાજ્યમાં માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી તેમ જ અંગ્રેજી ભણાવવાની વાત હતી. આ મુસદ્દાનો હજુ તો અમલ પણ કરવામાં નથી આવ્યો ત્યાં તમિલનાડુમાં તેનો વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. સ્ટાલિને એવી રીતે પ્રચાર કર્યો કે તમિલનાડુમાં ભાજપને રોકવો હશે તો હિન્દીનો વિરોધ કરવો પડશે. તમિલનાડુની પ્રજાના વિરોધને કારણે હિન્દી ભાષાને નુકસાન ગયું હતું.

Most Popular

To Top