SURAT

સુરત સિવિલના ત્રીજા માળેથી યુવક કૂદી ગયો, મૃતદેહ બે કલાક લોહીના ખાબોચિયામાં પડ્યો રહ્યો

સુરત(Surat): શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં (NewCivilHospital) રવિવારની રાત્રિએ હચમચાવી દેનારી ઘટના બની છે. રાત્રિના અંદાજે 12.30 કલાકે સિવિલના ત્રીજા માળેથી એક યુવક નીચે કુદી ગયો હતો. યુવક કુદી ગયો હોવાની કોઈને જ જાણ નહોતી. લગભગ બે કલાક સુધી યુવક લોહીના ખાબોચિયામાં પડ્યો રહ્યો હતો. બે કલાક બાદ જાણ થઈ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચુક્યું હતું. યુવકના ભાઈની સારવાર સિવિલમાં ચાલી રહી છે. યુવકે આપઘાત શું કામ કર્યો તેનું કારણ બહાર આવ્યું નથી.

આ કેસની મળતી વિગત અનુસાર સુરત જિલ્લાના માંડવીના નસૂરા ગામ ખાતે રહેતા નીતિન હળપતિ (ઉં.વ. 36)ના પરિવારમાં માતા-પિતા, ભાઈ, પત્ની અને એક દીકરો છે. નીતિન કાપડના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. થોડા દિવસ પહેલા નીતિન હળપતિનો સગા ભાઈને ઇજા થઈ હતી. ભાઈને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. નીતિન રવિવારની રાત્રે ભાઈને જે વોર્ડમાં દાખલ કરાયો ત્યાં હતો.

મુતકના ભાઈને સિવિલ હોસ્પિટલના E-3 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં તેની સારવાર ચાલી રહી છે. મૃતકના ભાઈને ફ્રેક્ચર થયું છે. નીતિન હળપતિ ભાઈની સંભાળ રાખવા સિવિલમાં આવ્યો હતો અને ભાઈના વોર્ડમાં જ રાત્રિના સમયે રોકાયો હતો.

દરમિયાન ગઈકાલે રવિવારે તા. 17 માર્ચની રાત્રે 12:30 વાગ્યા આસપાસ નીતિન E-3 વોર્ડની ગેલેરીમાંથી નીચે કૂદી ગયો હતો. રાત્રિના સમયે અન્ય પરિવારજનોએ નીતિનને ખૂબ શોધ્યો પણ તે મળી આવ્યો નહોતો. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ અઢી વાગ્યા આસપાસ વોર્ડની નીચે લોહીના ખાબોચિયામાં પડેલો નીતિનનો મૃતદેહ મળી આવ્યો હતો. નીતિનના મોતના પગલે પરિવારમાં હાલ તો શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે નીતિનના આપઘાતનું કોઈ કારણ સામે આવ્યું નથી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top