SURAT

VIDEO: અમરોલી બ્રિજની જાળી ઓળંગી યુવતી તાપીમાં કૂદવા જતી હતી ત્યાં જ એક મહિલાએ બચાવી લીધી

સુરત(Surat): જેને ખૂબ પ્રેમ કરતી હતી તે પ્રેમી પરિણીત અને એક સંતાનનો પિતા હોવાની જાણ થતાં હતાશ થયેલી પ્રેમિકા ભગ્ન હૃદયે આપઘાત કરવાના ઈરાદે તાપી પુલ પર પહોંચી હતી. મરી જ જવું છે તેવા મક્કમ નિર્ધાર સાથે તે તાપી પુલની જાળી ઓળંગી હતી, ત્યાં રસ્તા પરથી પસાર થતી એક મહિલાની તેની પર નજર પડી હતી. વીજળીક ગતિથી દોડી જઈ જાળીની અંદરથી જ યુવતીને પકડી લઈ બુમાબુમ મચાવી મુકી હતી. મહિલાની બૂમો સાંભળી રાહદારી, વાહનચાલકો અને ટ્રાફિક બ્રિગેડના જવાનો દોડી ગયા હતા અને યુવતીને બચાવી લીધી હતી.

આ ઘટના સુરત શહેરના અમરોલી વિસ્તારની છે. અહીં તાપી નદીના બ્રિજ પરથી તાપી નદીમાં કુદવા જતી યુવતીને બચાવી લેવામાં આવી હતી. મહિલાએ યુવતીના પગ પકડી રાખ્યા હતા, જેના લીધે તે કુદી શકી નહોતી. બાદમાં ફાયર અને ટ્રાફિક બ્રિગેડના જવાનોએ દોડી જઈ તેને બચાવી હતી.

યુવતીને પ્રેમી પરણિત હોવાની જાણ થતાં હતાશ થઈ આપઘાત કરવા નીકળી હતી. જાળી ઉપર ચઢી યુવતી કુદવા જઈ રહી હતી. ત્યારે સૌ પ્રથમ મહિલાએ પગ પકડી રાખ્યા હતાં. બાદમાં ટીઆરબી જવાન રાહુલે ગ્રીલ પર ચઢી યુવતીને પકડી રાખી હતી. બાદમાં યુવતીને નીચે ઉતારી હતી.

જાળીને કટર વડે કાપીને યુવતીને બહાર કઢાઈ
મહિલાની બૂમો સાંભળી એક રિક્ષા ચાલકે નજીકની ટ્રાફિક પોલીસ ચોકી પર ફરજ બજાવતા રાહુલ દાયમાને બોલાવ્યો હતો. ઘટના સ્થળે પહોંચી રાહુલે યુવતીનું ધ્યાન ભટકાવવા તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન ફાયર અને પોલીસને જાણ કરી દેવાઈ હતી. ફાયરે બ્રિજની જાળી કટરથી કાપી યુવતીને સલામત બચાવી હતી.

યુવતી ચાર વર્ષથી એક યુવકના પ્રેમમાં હતી
યુવતીની પૂછપરછમાં એવી હકીકત બહાર આવી હતી કે તે છેલ્લાં ચાર વર્ષથી એક યુવકને પ્રેમ કરતી હતી. જોકે યુવક પરિણીત હોવાનું અને એક સંતાનનો પિતા હોવાનું તે જાણતી નહોતી. પ્રેમીએ ઈરાદાપૂર્વક તે વાત છુપાવી હતી. પ્રેમીએ દગો કરતા કતારગામમાં રહેતી યુવતી આપઘાત કરવા બ્રિજ પર પહોંચી હતી.

મહિલાએ કહ્યું, મોપેડ પર જતી હતી ત્યારે યુવતી પર નજર પડી
પોલીસ મહિલા સુરક્ષા સભ્ય જલ્પા સોનાણીએ કહ્યું કે, તેઓ પોતાની મિત્ર સાથે મોપેડ પર અમરોલી બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે યુવતીને તાપી નદીના બ્રિજ પરની ગ્રીલ પર ચડતા જોઈ હતી. તાત્કાલિક દોડી જઈ યુવતીના પગ પકડી બૂમાબૂમ કરી મુકી હતી. તેથી લોકો ભેગા થયા હતા. બાદમાં પોલીસ અને ફાયર બ્રિગેડ આવી ગઈ હતી. તેઓએ યુવતીને બચાવી લીધી. યુવતીનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top