Feature Stories

SMCના મ્યુઝીયમમાં હાથી દાંત, કાંસા તથા ચાંદીના ચેસના જડતરકામના મોહરાઓનું યુનિક કલેક્શન

શતરંજ કહો કે ચેસ આ ગેમ બુદ્ધિમતાની ગેમ કહેવાય છે. આ ગેમમાં શાંતિપૂર્ણ રીતે દિમાગ ચલાવીને આગળ વધવાનું હોય છે. 1966 ના વર્ષથી દર વર્ષે સંપૂર્ણ વિશ્વમાં 20 જુલાઈને ઇન્ટરનેશનલ ચેસ ડે તરીકે ઉજવવામાં આવે છે. ચેસ રમતનો ઇતિહાસ લગભગ 1500 વર્ષ જૂનો છે. ઉત્તર ભારતમાં ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન છઠ્ઠી સદીમાં તેનું પ્રારંભિક સ્વરૂપ ચતુરંગ તરીકે જાણીતું હતું અને ત્યારબાદ તેનો ફેલાવો પર્શિયામાં થયો હતો. ચતુરંગનો મતલબ ચાર વિભાગ થાય છે. જે આધુનિક રમતમાં પ્યાદા, ઘોડો, ઊંટ અને હાથીમાં વિકાસ પામ્યા છે. ભારતમાં આ ગેમ સદીઓથી રમાતી આવી છે. સુરતમાં ચેસ રમવાના શોખીન ઘણા લોકો છે અને હવે તો બાળકોને આ રમતને શીખવાડવા માટે માતા-પિતા કલાસમાં મોકલે છે. ચેસ એવી રમત છે કે જેમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો પણ દિલચસ્પી દાખવે છે. સુરતના ઘણાં ઘરમાં ચેસ બોર્ડ તો જોવા મળશે જ. પણ SMC સંચાલિત મ્યુઝીયમમાં અલગ-અલગ પ્રકારની ધાતુના મોહરાઓ સહિતના બે ચેસ બોર્ડ છે. જે 200 વર્ષ થી પણ વધારે જુનાં છે. અને વિભિન્ન ધાતુના અલગ-અલગ મોહરાઓનું પણ આંખે ઉડીને વળગે એવું યુનિક કલેક્શન જોવા મળે છે. તો ચાલો જાણીએ આ કલેકશન વિશે.

2006ના પુરમાં રેકોર્ડ નાશ પામ્યા
2006 ની રેલ સુરતના લોકો કદાપી નહીં ભૂલી શકે કારણકે તે વિનાશક પુરમાં ઘણી બધી મિલકતોને નુકશાન થયેલું. આ પુરમાં મ્યુઝીયમમાં રહેલાં ઘણાં રેકોર્ડ નાશ પામ્યાં હતાં. જેમાં શતરંજના પણ રેકોર્ડ નાશ પામ્યા છે.આ બે સંપૂર્ણ સેટ વિશેની માહિતી ઉપલબ્ધ નહીં હોવાનું જાણવા મળ્યું છે પણ, એવું કહેવાય છે કે, આ ચેસ બોર્ડની બનાવટ શૈલી પરથી તે રાજા-મહારાજાઓ અથવા નગરેશ્રેષ્ઠી કે પછી વ્યાપારી વર્ગ રમતો હશે. એવું પણ કહેવાય છે કે તે સમયે સુરતમાં ટ્રેડિંગ માટે માલ-સામાન આવતો અને અહીંથી પરદેશ જતો કદાચ આ બંને સેટ પણ ટ્રેડિંગ માટે આવ્યાં હશે. શતરંજનો બીજો સેટ પણ વુડન બેઝડ છે અને આઈવરી અને સીસાનો ઉપયોગ થયો છે. તેના મોહરા કાંસાના છે.

હાથી દાંત સાઉથ ઇન્ડિયાથી એક્સપોર્ટ થયેલા: ચીફ ક્યુરેટર ભામીનીબેન મહિડા
મનપાના મ્યુઝીયમના ચીફ કયુરેટર ભામીનીબેન મહિડાએ જણાવ્યું કે આ ચેસ બોર્ડ સેટ 18મી સદીમાં આઈવરી અને સિસા ધાતુમાંથી બનેલું. ગેમ પીસીસ આઈવરી અને મેટલના છે. હાથી દાંત સાઉથ ઇન્ડિયામાંથી એક્સપોર્ટ કરેલું જ્યારે બનાવવાનું કામ હાથથી અને ખૂબ કુશળતાથી મોલ્ડીંગ ટેકનોલોજી થી સુરતમાં તૈયાર કરવામાં આવ્યા છે તેમજ તેમાં કોઈ આર્ટિફિશ્યલ કલરનો ઉપયોગ નહીં કરી વેજીટેબલ કલર્સ નો ઉપયોગ કરવામાં આવ્યા છે.. અત્યારે આવું વર્ક મશીનરી થી તૈયાર થાય છે. મ્યુઝીમમાં આ ચેસ સેટ દાનમાં આપવામાં આવ્યા હતા. આ કલેક્શન સુરતથી જ છે અને ભાગ્યેજ કશે બીજે જોવા મળે છે.

પર્સનલ કલેક્શન
શહેરમાં કેટલાંક લોકો છે જેમની પાસે મેગ્નેટિક, લાકડાં અને ગ્લાસના મોહરાઓનું ક્લેશન મળી આવે છે. મ્યુઝીમમાં જે કલેક્શન છે તે 18મી સદીના અંતના છે. એ સમયે સુરતમાં આ ખુબજ પ્રચલિત ગેમ હતી. શરૂઆતમાં રાજા-રજવાડાઓમાં આ ગેમ રમાતી. રાજા, વ્યાપારી, નગરશ્રેષ્ઠી સોના, ચાંદી, આઈવરી ના બનેલા મોહરાઓથી આ ગેમ રમતા. 18મી સદી પછી આ ગેમ સામાન્ય લોકો રમતા થયાં. ‘મ્યુઝીયમમાં જે ચેસ બોર્ડ છે તે ઉભા સ્ટેન્ડના છે. અને તેનું વર્ક પણ આકર્ષક છે.’

કાંસા, આઈવરી, લાકડાં અને લોખંડના મોહરા
SMCના મ્યુઝીયમમાં લાકડામાંથી બનાવેલા ટેબલ જેવા આકારમાં તથા અલંકૃત અષ્ટકોણ આકાર ધરાવતા ચેસ બોર્ડ છે જેની ઉપર સુરતની ખાસિયત એવી ‘પેટીગરા’ કાર્યશેલીમાં હાથીદાંત, કાંસા તથા ચાંદીના જડતરકામથી સુશોભન થયેલું છે. લાકડાં અને હાથીદાંત અને કાંસાની ધાતુના તથા સીસાના અલગ-અલગ મોહરાઓનું યુનિક કલેક્શન તમને મ્યુઝીયમમાં જોવા મળશે.

Most Popular

To Top