Madhya Gujarat

ડાકોર પાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત કુલ ચાર કાઉન્સિલરોનું સભ્યપદ રદ

નડિયાદ: ડાકોર નગરપાલિકામાં સત્તાનો દુરૂપયોગ કરી, ખોટા ઠરાવો પસાર કરી, પાલિકાની જગ્યા ભાડે આપવા બદલ પાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત કુલ ચાર કાઉન્સિલરોનું સભ્યપદ કરવાનો હુકમ મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશન કમિશ્નર દ્વારા કરવામાં આવતાં મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ડાકોર નગરપાલિકાના મહિલા પ્રમુખ મયુરીબેન પટેલ, કારોબારી ચેરમેન હાર્દિકભાઈ શાહ તેમજ અન્ય બે કાઉન્સિલરો રાજેન્દ્રભાઈ પટેલ અને સોનલબેન પટેલ દ્વારા સત્તાનો દુરૂપયોગ કરી ખોટા ઠરાવો કરી પોતાના મળતીયાઓને પાલિકાની જગ્યા ભાડે આપી ગેરરીતી આચરવામાં આવી હોવાનો મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચતા તપાસ હાથ ધરવામાં આવી હતી.

જેમાં જમીન ભાડે આપવા માટે પ્રાદેશિક કમિશ્નર તેમજ શહેરી વિકાસ વિભાગની સુચનાનો અનાદર કરી આઠ જેટલાં ઠરાવો ખોટી રીતે કરાયાં હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે ગુજરાત રાજ્ય મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશન કમિશ્નર રાજકુમાર બેનીવાલે ઠરાવો ખોટા કરનાર ડાકોર નગરપાલિકા પ્રમુખ મયુરીબેન પટેલ, કારોબારી ચેરમેન હાર્દિકભાઈ શાહ, કાઉન્સિલરો રાજેન્દ્રભાઈ પટેલ અને સોનલબેન પટેલને ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૩૭(૧) હેઠળ ડાકોર નગરપાલિકાના સભ્યપદેથી દુર કરવાનો હુકમ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર બાબતની તપાસ દરમિયાન પ્રમુખ અને સભ્યો બેઠક પહેલાં અને બાદમાં ચર્ચાઓ કરીને ઠરાવો મૂકી, તેમાં સહીઓ કરી – કરાવી અને કામને બહાલી આપી દેતાં હતા. જે બાબત થોડા સમય પછી ઉજાગર થતાં હોબાળો થયો હતો.

અગાઉ આઠ કાઉન્સિલરોએ સભ્યપદ ગુમાવ્યું હતું

ડાકોર નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી ટાણે વ્હીપનો અનાદર કરી, પક્ષ વિરોધી મતદાન કરી, અપક્ષને ટેકો આપનાર ભાજપના કાઉન્સિલરો ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, ઝલક ખંભોળજા, કલ્પેશભાઈ ભટ્ટ, મમતાબેન શાહ, વનિતાબેન શાહ, શિતલબેન પટેલ, અક્ષયભાઈ પટેલ અને જ્યોત્સનાબેન પટેલે સભ્યપદ ગુમાવ્યું હતું. ખાલી પડેલી આ આઠેય બેઠકો માટે તાજેતરમાં જ પેટાચુંટણી યોજાઈ હતી.

પાલિકામાં ચાલતી ગેરરીતીને પગલે નગરજનો પ્રાથમિક સુવિધાથી વંચિત બન્યાં

ડાકોર નગરપાલિકા સતત વિવાદોમાં સપડાઈ રહી છે. પાલિકાના ચુંટાયેલા કાઉન્સિલરો નગરજનો માટે કામ કરવાને બદલે પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત બન્યાં છે. પાલિકામાં ચાલતાં ભ્રષ્ટાચાર તેમજ ગેરરીતીને પગલે નગરજનો પ્રાથમિક સુવિધાથી વંચિત બન્યાં છે. બીજી બાજુ સત્તા મેળવવા માટે પાલિકાના સત્તાધીશો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. જેને પગલે થોડા મહિના અગાઉ પાલિકાના સાત કાઉન્સિલરોએ સભ્યપદ ગુમાવ્યું હતું. માંડ-માંડ આ ખાલી પડેલી સાત બેઠકો પેટાચુંટણી થકી ભરવામાં આવી છે. જેને હજી માંડ બે મહિના જેટલો સમય વિત્યો છે, એવામાં પાલિકાના અન્ય ચાર કાઉન્સિલરોએ સભ્યપદ ગુમાવતાં ફરી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

પાલિકાનું સભ્યપદ ગુમાવનાર કાઉન્સિલરો

૧. મયુરીબેન વિકાસભાઈ પટેલ (પ્રમુખ)   ૨. હાર્દિક કનુભાઈ શાહ (કારોબારી ચેરમેન)

૩. સોનલબેન ગીરીશભાઈ પટેલ                   ૪. રાજેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલ

વિવાદિત ઠરાવો

ઠરાવ નં ૪૧ – બોડાણા સ્ટેચ્યું સામે ધરોડ પરથી ખુલ્લી જગ્યાનું માસિક ભાડુ રૂ.૨૦૦૦ અને ડિપોઝીટ પેટે રૂ.૫૦,૦૦૦ લઈ જીગર મહેન્દ્રભાઈ શાહને ૧૧ માસ માટે ભાડે આપવાનો ઠરાવ

ઠરાવ નં ૧૧૪ – માખણીયાઆરા નજીક આવેલ સમાધીવાળા રસ્તેથી મહુધા તરફના માર્ગ પર આવેલ ડુંગરવાડી તલાવડીમાં શીંગોડાના વેલા રોપવા માટે માસિક રૂ.૧૦૦૦ માં ૧૧ માસ માટે ભાડે આપવાનો ઠરાવ

ઠરાવ નં ૧૪૨ – રામજી મંદિર નજીક પાલિકાની ખુલ્લી જગ્યામાં માસિક રૂ.૫૦૦ ભાડુ તેમજ ડિપોઝીટના રૂ.૧૦,૦૦૦  લઈને ૧૧ માસના ભાડા પેટે કેબીન મુકવાનો ઠરાવ

ઠરાવ નં ૧૪૩ અને ૧૪૪ – નગરપાલિકામાં શૈક્ષણિક પુરાવાના આધારે આકાશ મહેશભાઈ પટેલ અને રસના એ તલાટીને ૧૧ માસના હંગામી ધોરણે નોકરી પર રાખવાનો ઠરાવ

ઠરાવ નં ૬૩૫ – ગોપાલપુરા સામે આવેલ વિશ્વકર્મા શોપીંગ સેન્ટરની એક જર્જરિત દુકાન જનકભાઈ અરવિંદભાઈ દરજીને ભાડે આપવા ઠરાવ

ઠરાવ નં ૭૮૪ – બોડાણા સ્ટેચ્યું સામે ધરોડ પરથી ખુલ્લી જગ્યાનું માસિક ભાડુ રૂ.૨૦૦૦ અને ડિપોઝીટ પેટે રૂ.૫૦,૦૦૦ લઈ જીગર મહેન્દ્રભાઈ શાહને ૯ વર્ષ ૧૧ માસ માટે ફરી ભાડે આપવાનો ઠરાવ

ઠરાવ નં ૮૦૫ – વિશ્વકર્મા મંદિર સામે અને સરદાર શોપીંગ સેન્ટરની બાજુમાં આવેલ પેશાબખાના વાળી જગ્યાનું માસિક ભાડું રૂ.૫૦૦ અને ડિપોઝીટ પેટે રૂ.૫૦,૦૦૦ લઈ અંકિત કનુભાઈ દેસાઈને ભાડે આપી, તે જગ્યા પર બાંધકામ સ્વખર્ચે કરાવવાનો ઠરાવ

Most Popular

To Top