Columns

શાંતિનું સ્થાન

એક દિવસ શ્રી હરિએ પોતાના ભક્તોને કંઇક એવી ભેટ આપવાનું વિચાર્યું, જે સદા તેમની સાથે રહે એટલે તેમણે બધી લાગણીઓ અને ગુણોને પોતાની પાસે બોલાવ્યા.સુખ,પ્રેમ,લાગણી ,સ્નેહ,વિદ્યા,પૈસા,ખુશી, દયા, સંતોષ, શાંતિ , વિવેક ,વીરતા,મહેનત …જેવા બધા જ ગુણો અને લાગણીઓ દોડી આવ્યાં.  ભગવાન વિષ્ણુએ તેમને આવકાર્યા અને કહ્યું, ‘હું તમને બધાને સૃષ્ટિ પર માનવોને ભેટ રૂપે આપવા માંગું છું અને સાથે સાથે તમને પણ તમારું સ્થાન નક્કી કરવાની તક આપવા માંગું છું એટલે હું પોતે તે નક્કી નહિ કરું કે કોને શું આપું?

તમે પોતે તે નક્કી કરી પોતાનું મનગમતું સ્થાન પસંદ કરી લો એટલે દરેક માનવને કંઈ ને કંઈ એવી ભેટ મળે, જે હંમેશા તેની સાથે રહે.’ ભગવાનની આજ્ઞા સ્વીકારી બધા ગુણો અને લાગણીઓ પોતાને મનગમતા માનવોનો સાથ અને સ્થાન શોધવા લાગ્યાં.સૌથી પહેલાં ધન શ્રીમંતોની તિજોરીમાં… મહેનત મજૂરોના હાથમાં ગઈ … વિદ્યાએ બ્રાહ્મણોનો સાથ પસંદ કર્યો…વીરતા ક્ષત્રિય પાસે…પ્રેમ દરેકના હૈયામાં બેસી ગયો …સંતોષ અને સુખે સાથે રહેવાનું નક્કી કર્યું…વિવેક અને દયાને બહુ ઓછા મનુષ્યના હ્રદયમાં સ્થાન મળ્યું..

મમતા માતાના હૈયામાં વસી ગઈ …ભક્તિ ભક્તોની શ્રધ્ધામાં …સમતા સંતોની આંખોમાં સમાઈ ગઈ.આમ દરેક જણે પોતાને મનગમતાં સ્થાન શોધી લીધાં. એક માત્ર શાંતિ ચુપચાપ કયાંય ન ગઈ અને ભગવાન વિષ્ણુનાં ચરણો નીચે જઈને બેસી ગઈ. લક્ષ્મીજીએ આ જોયું…તેમણે વિષ્ણુજીને કહ્યું, ‘સ્વામી, તમે બધું મનુષ્યોને આપી દીધું તો પછી આ એક શાંતિને કેમ તમારાં ચરણો પાસે રાખી છે.પ્રભુ મંદ મંદ હસ્યા. શાંતિ ધીમેથી હાથ જોડીને પ્રભુના ચરણ નીચેથી બહાર આવી અને કહેવા લાગી, ‘હે જગતમાતા, મને માફ કરો, પણ પ્રભુએ બધાને માનવોમાં પોતાનું મનપસંદ સ્થાન પસંદ કરવા કહ્યું હતું, પણ હું પ્રભુનાં ચરણો નીચે છુપાઈ ગઈ કારણકે કોઈ પણ મનુષ્યને શાંતિ જોઈતી હશે તો તેણે મારા પ્રભુનાં ચરણો પાસે આવવું પડશે.જે પ્રભુનાં ચરણોને નમન કરશે …તેની સેવા પૂજા કરશે ..તેને હું મળીશ, બાકી હું તો મારા પ્રભુનાં ચરણો છોડીને કયાંય નહિ જાઉં.’ દેવી લક્ષ્મી હસ્યાં. તુરંત તેમણે પ્રભુને નમન કર્યા અને કહ્યું, ‘પ્રભુ, આજે મને પણ સદા તમારા ચરણની સેવા કરી શકું એ ભેટ આપો એટલે મારા મન હ્રદયમાં સદા શાંતિ છવાયેલી રહે.’પ્રભુએ સ્મિત સાથે શાંતિને પોતાનાં ચરણોમાં સ્થાન આપ્યું અને લક્ષ્મીજીને ચરણ સેવાની ભેટ પણ આપી. મનની શાંતિ જીવનમાં સૌથી જરૂરી છે અને તે મેળવવા પ્રભુને સર્વસ્વ સમર્પણ કરો. શ્રી હરિનાં ચરણોની સેવા કરો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top