Comments

શ્રી મોહમયી નગરીમાં શુદ્ધ હવાનો મોહ છોડવો પડશે

શિયાળાનો આરંભ થાય એટલે દેશની રાજધાની દિલ્હીમાં અસહ્યપણે વધી જતી પ્રદૂષણની માત્રાના સમાચાર પ્રસાર માધ્યમોમાં ન ચમકે એવું ભાગ્યે જ બને. આનો અર્થ એવો નથી કે દેશનાં અન્ય શહેરોમાં પરિસ્થિતિ સામાન્ય છે. એ જાણીને ચિંતા થાય એવું છે કે હવે દેશની આર્થિક રાજધાની ગણાતું મુમ્બઈ પણ આ હરોળમાં આવી ગયું છે. વર્તમાન વર્ષે, ચોમાસા પછીના સમયગાળામાં હવાનું પ્રદૂષણ ભયજનક સપાટીએ છે અને આવું સતત બીજા વર્ષે બન્યું છે. ખાસ કરીને ઑક્ટોબર માસમાં ‘ઍર ક્વૉલિટી ઈન્ડેક્સ’(ઍ.ક્યૂ.આઈ.) તરીકે ઓળખાતા પ્રદૂષણના માપદંડ અનુસાર મુમ્બઈમાં હવાની ગુણવત્તા ‘સાધારણ’ અથવા ‘નબળી’જોવા મળી. એ મહિનામાં એક પણ વખત તે ‘સારી’જણાઈ નથી.

દિલ્હી અને મુમ્બઈના ભૌગોલિક સ્થાનમાં મોટો ફરક છે. મુમ્બઈ દરિયાકાંઠે વસેલું છે, એને કારણે તેને હવાના શુદ્ધિકરણનો નૈસર્ગિક લાભ મળે છે. આમ છતાં, તેની આવી સ્થિતિ છે. એનો સીધો અર્થ એ થયો કે પ્રદૂષણ ફેલાવવામાં માનવે પ્રકૃતિને હંફાવી દીધી છે. અખબારો દ્વારા આ સ્થિતિનો દોષ મુખ્યત્વે મુમ્બઈ મહાનગરપાલિકા(બી.એમ.સી.)ને આપવામાં આવ્યો છે. આનું કારણ સમજવા જેવું છે. અગાઉ માર્ચ, ૨૦૨૩માં ઘોષિત કરાયેલી મુજબ, પ્રદૂષણ સુધારણા યોજના અંતર્ગત પ્રદૂષણ ફેલાવતાં પાંચ મુખ્ય સ્રોતને જવાબદાર ગણાવાયાં છે- બાંધકામનો કાટમાળ, સડક પરની ધૂળ, ઘન કચરાને ખુલ્લામાં સળગાવવો, ખાદ્ય સ્થળોઍ તેમજ ઉદ્યોગોમાં અશુદ્ધ ઈંધણનો ઉપયોગ. આમ, સમસ્યાના મૂળની ઓળખ બરાબર થઈ ગઈ છે, પણ  એ પછી તેના માટે પગલાં લેવામાં થતા વિલંબને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે.

કચરાનું વિભાજન કરવાની ‘બી.એમ.સી.’ની પ્રણાલી કેવળ રહેણાંક વિસ્તાર પૂરતી જ મર્યાદિત છે. પ્લાસ્ટિક, રબર, પોલિથીન, કાગળ જેવો કચરો મોટા પ્રમાણમાં બાળવામાં આવે છે એવા ઝૂંપડપટ્ટી વિસ્તારને આમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. આવા કચરાના બળવાથી હવામાં કણો મુક્ત થાય છે અને તેને ઝેરી બનાવે છે. ઑક્ટોબર, ૨૦૨૩માં મુમ્બઈ ખાતે પી.એમ.૨.૫ના ઘટકોમાં ગત વર્ષના ઑક્ટોબરની સરખામણીએ ૪૫ ટકા જેટલો વધારો નોંધાયો. ‘પી.એમ.’એટલે હવાજન્ય ‘પાર્ટિક્યુલેટ મેટર’ એટલે કે કણો. ‘પી.એમ.૨.૫’એટલે એવાં કણો કે જેમનો વ્યાસ ૨.૫ માઈક્રોન કે એથી ઓછો છે. એક માઈક્રોન એટલે ૦.૦૦૦૧ મિલીમીટર. આનો અર્થ એ કે સૂક્ષ્મતર કણોની હાજરી.

નિયમાનુસાર કચરાને બાળવા પર પ્રતિબંધ છે, પણ એ નિયમ કાગળ પર રહી જાય છે. તેનો અમલ પૂરતા પ્રમાણમાં થઈ જતો નથી. આ બાબતે કેવળ નિયમ બનાવીને કે પ્રણાલિ ઊભી કરીને ફરજ પૂરી થઈ જતી નથી. લોકોમાં જાગૃતિ કેળવવાનું કામ પણ એટલું જ મહત્ત્વનું છે. એમ તો, ૨૦૦૭માં જાહેર સ્થળોએ કચરાના નિકાલ પર દેખરેખ રાખવા અંગે કંત્રાટ આપવામાં આવ્યો હતો, પણ તે ગયે વરસે પૂરો થયો છે. એ પછી કચરાના નિકાલની વાત કાગળ પર રહી છે.

કેવળ જાણકારી માટે એ માહિતી જરૂરી છે કે ‘બી.એમ.સી.’નું વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ રૂ. ૫૨,૬૦૦ કરોડનું, અધધ કહી શકાય એટલી રકમનું છે. ગોવા, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ જેવાં અનેક રાજ્યોનાં બજેટની સરખામણીએ આ રકમ અનેકગણી વધુ છે. પણ કેવળ બજેટ ફાળવવાથી કામ થઈ જતાં હોત તો જોઈતું શું હતું! માર્ચ મહિનામાં ‘કેગ’ના અહેવાલમાં ‘બી.એમ.સી.’ની કાર્યશૈલીમાં મોટી પ્રણાલિગત સમસ્યાઓ, નબળું આયોજન તેમજ રકમના બેકાળજીભર્યા ઉપયોગ બાબતે ટીપ્પણી કરવામાં આવી હતી. અલબત્ત, એવું નથી કે આ બાબત એકાદ બે વરસથી થઈ રહી છે. છેક ૨૦૧૬થી મુમ્બઈમાં સી.ઓ.પી.ડી. (ક્રોનિક ઓબસ્ટ્રેક્ટિવ પલ્મોનરી ડિસીઝ), ફેફસાંના કેન્સર સહિત શ્વસનને લગતી વિવિધ બિમારીઓથી થતાં મૃત્યુની સંખ્યા વધી રહી છે. આમ, આ બાબત કેવળ પ્રદૂષણ પૂરતી મર્યાદિત ન રહેતાં તે જાહેર આરોગ્યનો મુદ્દો પણ બને છે.

મુમ્બઈના વાતાવરણની કથળેલી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્ર સરકારને તેમજ તેના રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડને એક પત્ર પાઠવવામાં આવ્યો છે. તેમાં ઉલ્લેખાયું છે કે શહેરની માળખાગત સુવિધાઓને લગતા વિવિધ પ્રકલ્પને કારણે વૃક્ષછેદનનું પ્રમાણ વધ્યું છે. આથી કેન્દ્રે હરિત આવરણમાં વૃદ્ધિ કરવાની તરફેણ કરી છે. મુમ્બઈ મેટ્રો અને બુલેટ ટ્રેનના પ્રકલ્પ માટે થઈને પુષ્કળ વૃક્ષોને કાપવામાં આવ્યાં છે એ હકીકત છે. આ આખા મામલે મરો નાગરિકોનો છે, કેમ કે, તેમના માટે ભાગ્યે જ કશું કરવાપણું બચ્યું છે. નથી એ વૃક્ષછેદન સામે અવાજ ઉઠાવી શકતો કે નથી કોઈ વિકાસયોજનાનો વિરોધ કરી શકતો. બલકે વિકાસયોજનાઓ આખરે નાગરિકોના જ લાભાર્થે છે એમ તેને ઠસાવવામાં આવે છે. ‘કશુંક’ મેળવવા માટે ‘કશાક’નો ભોગ આપવો પડે એમ તેને અવારનવાર જણાવવામાં આવે છે. ગુમાવવાની બાબત તેનું ખુદનું જીવન પણ હોઈ શકે એ તેને સમજાય તો પણ તેનાથી કશું થઈ શકતું નથી.

વિવિધ વિકાસયોજનાઓ સમગ્ર દેશમાં ફૂલીફાલી રહી છે. તેની સરખામણીએ કચરાના વ્યવસ્થાપન માટે કોઈ સુનિશ્ચિત પ્રણાલી ક્યાંય ઊભી થયેલી જણાતી નથી. કચરો બાળવામાં ન આવે તો તેને જમીન પર ખુલ્લામાં ઠાલવી દેવાય. વાત એની એ જ છે. મુમ્બઈની હવાની સ્થિતિ સાથે આપણે શું લાગેવળગે એમ વિચારવું એ પલાયનવાદ છે. કેમ કે, આજે જે મુમ્બઈમાં છે તે કાલે પોતાના નગર કે શહેરમાં નહીં થાય એની કશી ખાતરી નથી. ભવિષ્યમાં નાગરિકોને કદાચ એક એકથી ચડે એવા માળખાગત પ્રકલ્પો અમલી થયેલા જોવા મળે એમ બની શકે, પણ એને ભોગવવા માટે તેનું જીવન હશે કે કેમ એ સવાલ વિચારવા જેવો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top