Comments

જગતમાં કોઈ જીતની ગેરંટી ન આપી શકે

વડા પ્રધાનને પનોતી કહેવા એ વડા પ્રધાનનું અપમાન છે અને અસભ્યતા છે. બને કે વડા પ્રધાન તમને ન ગમતા હોય. બને કે વડા પ્રધાનની નીતિ સાથે તમે અસંમત હો. પણ એનો અર્થ એવો નથી કે તેમના વિશે હલકી ભાષાનો ઉપયોગ કરવામાં આવે. અમદાવાદમાં યોજાયેલી વર્લ્ડ કપ માટેની ફાયનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો એ માટે વડા પ્રધાનને પનોતી કહીને જવાબદાર ઠેરવવામાં આવે છે. કારણ એ છે કે વડા પ્રધાન તેમના નામે કરવામાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર હતા અને તેમની ઉપસ્થિતિમાં ભારતનો પરાજય થયો હતો. પરાજય પણ નાલેશીભર્યો હતો. છેલ્લી ઓવર સુધી ભારતે ટક્કર આપી હોત તો વાત જુદી હતી. ઓસ્ટ્રેલિયાને પચાસ ઓવર રમવાની પણ જરૂર નહોતી પડી.

સંસારનો એક નિયમ છે કે કોઈ પણ બાજી (રમત) ખરીદીને કે બીજી રીતે મેનેજ કરીને પૂર્વનિર્ધારિત ન કરવામાં આવી હોય તો એ કોઈ પણ બાજુ જઇ શકે. આ જગતમાં કોઇ જીતની ગેરંટી ન આપી શકે. જેનો વિજય નિશ્ચિત લાગતો હોય એ પણ પરાજીત થઈ શકે. આવાં ચોંકાવનારાં પરિણામ અનેક વાર જોવા મળ્યાં છે. એમાં અમદાવાદમાં રમાયેલી મેચમાં સામે ઓસ્ટ્રેલિયા હતું, જે પાંચ વખત વર્લ્ડ કપ જીત્યું હતું અને હજુ એક વાર ભારતની સામે લડવાનું હતું. પચાસ ઓવરના વર્લ્ડ કપની શરૂઆત ૧૯૭૫માં થઈ હતી અને દર ચાર વર્ષે વર્લ્ડ કપની મેચ યોજવામાં આવે છે.

૧૯૭૫થી ૨૦૨૩ સુધીમાં વર્લ્ડ કપના ૧૩ મુકાબલા થાય છે, જેમાં અમદાવાદના વિજય સહિત ઓસ્ટ્રેલિયા છ વખત કપ જીત્યું છે. વેસ્ટ ઇન્ડીઝ બે વાર, ભારત બે વાર, શ્રીલંકા એક વાર, ઇંગ્લેન્ડ એક વાર, પાકિસ્તાન એક વાર વિજયી થયાં છે. ૨૦૨૩ પહેલાં યોજાયેલા વર્લ્ડ કપના ૧૨ મુકાબલામાંથી પાંચ વખત ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ લઈ ગયું છે. પણ સવારથી ગોદી મીડિયાએ એવો ઉપાડો લીધો હતો કે વર્લ્ડ કપમાં ભારતનો વિજય નિશ્ચિત છે અને તેનો બધો જ શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે.

વડા પ્રધાનનાં કપડાં, વડા પ્રધાનની હોટલમાંનો ઉતારો, વડા પ્રધાનનો કાફલો, વડા પ્રધાનનો ઉમંગ, વડા પ્રધાનનો ખુશમિજાજી સ્વભાવ, વડા પ્રધાનની હાજરી દ્વારા મળતી પ્રેરણા, વડા પ્રધાનના અમદાવાદમાં અનુભવાતા વાઈબ્રેશન વગેરે વગેરે. તમે સાંભળતાં થાકો, પણ ગોદી મિડિયા વખાણ કરતાં થાકતાં નહોતાં. આખો તમાશો જોઇને એમ લાગતું હતું કે ક્યાંક ઓસ્ટ્રેલિયાની ટીમે વર્લ્ડ કપ ભારતના વડા પ્રધાનને તાસકમાં ધરી દેવાનો કોઈ નિર્ણય તો નથી લીધો! અથવા તો એવું તો નથી કે વર્લ્ડ કપની મેચ ભારતના વડા પ્રધાનના બેનિફિટ માટે રમાઈ રહી છે!

વધારે પડતી મીઠાઈ ખાવાથી જેમ ઓકરી જવાય એમ વધારે પડતી કોઈની ખુશામત સાંભળીને પણ ઓકરી જવાય. જેની ખુશામત કરવામાં આવતી હોય તે વ્યક્તિ પણ જો તેનો વિવેક સાબુત હોય તો તે પણ ખુશામતમાં અતિરેક જોઇને ઓકરી જાય. અકળામણ થવા લાગે, અસહ્ય લાગવા માંડે. પણ ગોદી મિડિયા છેલ્લા એક દાયકાથી અહર્નિશ ખુશામત કરે છે અને ખુશામત કરવામાં આપસમાં હરીફાઈ કરે છે. ગનીમત કહેવાય કે આપણા વડા પ્રધાનને હજુ ઓકારી થઈ નથી. ભક્તોને તો ઓકારી થવાનો કોઈ પ્રશ્ન જ નથી. આ સૃષ્ટિનું સર્જન નરેન્દ્ર મોદીએ કર્યું એમ જો કોઈ કહે તો ભક્તો નાચી ઊઠે.

પણ કેટલાંક લોકો માટે આ અસહ્ય બનવા લાગ્યું હતું અને એવાં લોકોની સંખ્યા ભક્તોની સંખ્યા કરતાં ઘણી મોટી છે. એમાં ભારતમાં ક્રિકેટનું ઘેલું એટલું બધું છે કે લોકો એક વાર ચૂંટણીનાં પરિણામો જોવાનું માંડી વાળે, પણ ક્રિકેટ જોવાનું ન છોડે. ટી.વી. ચેનલો પર ક્રિકેટની રમતનું સ્થાન નરેન્દ્ર મોદી પછી બીજા ક્રમે પણ નહોતું, માત્ર નૈમિત્તિક હતું. લોકો આ જોઇને ચિડાયાં હતાં અને એમાં જ્યારે ભારતનો પરાજય થયો ત્યારે લોકોનો ગુસ્સાનો શિકાર વડા પ્રધાન બન્યા હતા. આ ખોટું છે. અસભ્ય ભાષાનો પ્રયોગ કરવો એ અસભ્યતા છે, પણ આ અચાનક જોવા મળેલો બીજા છેડાનો અવિવેક અંતે તો પહેલા છેડાના અવિવેકનું પરિણામ છે એ હકીકત છે. વડા પ્રધાને હવે આ ભાટોથી મુક્ત થવાની જરૂર છે. ઓકારી છૂટે એવી ખુશામત એક સમય પછી મોંઘી પડવા લાગે છે. અવળાં પરિણામ પેદા કરે છે. અત્યારે આ જોવા મળી રહ્યું છે. માત્ર અમદાવાદની મેચ પછી નહીં, છેલ્લા ઘણા સમયથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top