Columns

મકાન ઘર બને કે ઘર મકાન બને, કંઈક તો બને છે એથી સંતોષ

એક માણસને કેટલી જમીન જોઈએ? એ શાશ્વત સવાલ છે. હજારો વર્ષથી લોકો જમીન માટે ઝઘડાં કરતાં, મરતાં કે મારતાં આવ્યા છે પણ ખરેખર પૂછો તો કેટલી જમીન જોઇએ? ક્રિષ્નાને મનોમન સવાલ થયો! એ નાની હતી ત્યારથી એને ફૂલછોડનું અનેરું આકર્ષણ હતું. એના ગામના ઘરના પાછળના ભાગમાં નાનકડું ફળિયું હતું. ક્રિષ્નાનાં પપ્પા– મમ્મી ઘરના બે છેડા ભેગા કરવા માટે ફળિયામાં શાકભાજી ઉગાડતાં. આવક સીમિત હતી અને બાળકો ત્રણ. પછી ક્યાં પહોંચવું ને ક્યાં નહીં? ફળિયામાં ઊગતાં શાકભાજી ઘર ચલાવવામાં ટેકો કરતાં.

ક્રિષ્ના નાનપણથી માતા-પિતાને ફળિયામાં નાની-મોટી મદદ કરતી. ક્યારેક માટી ખોદતી કે પછી પાણી પીવડાવતી. ઘર કરતાં એને ફળિયું વધુ ગમતું. સવારસાંજ ફળિયામાં રમ્યા કરતી. સ્કૂલનું લેશન કરવાનું હોય તો તે પણ એ ફળિયામાં આસનિયું પાથરીને બેસતી. ફળિયામાં જમરૂખ, ચીકુ અને બદામના ઝાડ હતા. બાકી સિઝનના શાકભાજી ઊગતાં. રોજ ઊઠીને પહેલું કામ ક્રિષ્ના ક્યા છોડમાં કેટલી કળી કે ફૂલ બેઠાં તે જોવાનું કરતી. બસ તે પછી જ નિશાળે જવા તૈયાર થતી. કોઈ પણ શાકભાજી છોડ પરથી ચૂંટવાના હોય તો તે કામ ક્રિષ્નાનું જ રહેતું.

એ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ ફૂલછોડ વિશે ઝીણવટભરી તપાસ કરતી રહેતી. એના પ્રયોગના કારણે ઘરમાં બે પૈસાની બચત થતી. માતા -પિતા એનાથી ખુશ હતા. પ્રોબ્લેમ એક જ હતો. ક્રિષ્ના નાની હતી ત્યારથી જ બહુ જિદ્દી હતી. પોતાનું ધાર્યું કરતી એટલે એનાં મા-બાપને ટેન્શન રહેતું કે આ સાસરે જશે તો એડજસ્ટ કરી શકશે કે નહીં? ક્રિષ્ના ભણી-ગણીને નોકરી કરતી થઈ ત્યાં એને લાયક એક સારા ઘરમાંથી માગું આવ્યું. છોકરો બધી રીતે સારો હતો. સારી નોકરી હતી. એક જ વાતે એડજસ્ટ કરવાનું હતું, વિનય શહેરમાં રહેતો હતો અને એ પણ ફલેટમાં. ક્રિષ્નાએ પહેલાં તો ના જ પાડી દીધી. ફળિયા વિના તો કેમ જીવી શકાય? મનમાં મૂંઝવણ થાય. ઝાડપાન હોય તો બે પંખી આવે, ઋતુઓનો અહેસાસ થાય. બાકી માચીસના ડબ્બા જેવા ફલેટમાં રહેવાની શું મજા?

વિનયે એની ના પાડવાનું કારણ જાણીને કહ્યું, ‘એક વાર મારો ફ્લેટ જોવા આવ, પછી ના પાડવી હોય તો છૂટ છે.’ વિનયનું માન રાખીને ક્રિષ્ના ફલેટ જોવા આવી. બે બેડરૂમ સાથેનો ફલેટ ચોથા માળે હતો. દરેક માળ પર ચાર ફ્લેટ, ચોથા માળે બે ફ્લેટ અને સામે મોટી અગાશી. ફ્લેટમાં પણ બેડરૂમ, ડ્રોઇંગરૂમ અને કિચનમાં મોટી ગેલેરી. હવાઉજાસ ભરપૂર. ડ્રોઈંગરૂમની ગેલેરીમાં વાંસનો સિંગલ હીંચકો. પોતાને જમીન સાથે નાતો છે તો વિનયનો આકાશ સાથે નાતો છે એ એને સમજાઇ ગયું. જમીન સાથે નહીં તો આકાશ સાથે નાતો જોડાશે. ક્રિષ્નાએ વિનય સાથે લગ્ન કરી લીધા. શરૂઆતના પાંચ વર્ષ તો હસી-ખુશીથી પસાર થઈ ગયા પણ પછી કોરોના મહામારી આવી અને લોકડાઉન આવ્યું. ક્રિષ્નાને પોતાના પિયરનું ફળિયું યાદ આવવા લાગ્યું. થોડા દિવસ એ પિયર રહી આવી પણ પાણીની તરસ ઝાંઝવાના જળથી છીપે? ક્રિષ્નાએ હવે વિનયને કહ્યું,

‘આપણે ફ્લેટ વેચીને જમીન ટચ મકાન લઈએ તો કેવું?’ ‘જમીનવાળા ઘર માટે પૈસા  જોઈએ. એ ક્યાંથી કાઢવા?’ વિનયની વાત સાચી હતી. બન્ને નોકરી કરતાં હતાં પણ શહેરમાં ફળિયાવાળું મકાન લઈ શકે તેવી એમની હેસિયત ન હતી. ‘તારી અને મારી કંપનીમાંથી લોન લઈએ અને થોડે દૂર રહેવા જઈએ તો ચોક્કસ લઇ શકાય.’ ‘બસ તે દિવસથી ક્રિષ્ના છાપામાં પ્લોટ જોતી થઈ ગઈ પણ ભાવ એવા કે આંગળી મૂકતાં હાથ દાઝી જાય. બેઉની લોન પ્લસ બચત ભેગી કરે તો માત્ર પ્લોટના ભાવ નીકળે. પછી ઘર બનાવવાના પૈસા ક્યાંથી કાઢવા? બધી ચર્ચાવિચારણાને અંતે ક્રિષ્નાએ ફળિયાવાળા ઘર શોધવાનો પ્રોજેક્ટ અભેરાઈએ ચડાવી દીધો પણ થોડા દિવસ થયા ત્યાં વળી પાછો કીડો સળવળ્યો. શહેરની બાજુમાં આવેલા નાનકડા ગામમાં રહેવા જઈએ તો કેવું? આપણા ભાવમાં ફળિયાવાળું મકાન મળે પ્લસ શહેરની પ્રદૂષણવાળી હવા કરતાં ગામની ચોખ્ખી હવા શું ખોટી? બે-ચાર વર્ષનું આયુષ્ય ચોક્કસ વધી જાય.

દર વખતે મનમાં વિચાર આવે કે ક્રિષ્ના તરત વિનયને કહેતી. આ વખતે નક્કી કર્યું કે પહેલાં બધાં લેખાજોખા કરી લેવા પછી જ વિનયને જણાવવું. જેથી દર વખતની જેમ એ પેનિક ન થઈ જાય. ક્રિષ્ના પોતાની સ્કૂટી પર બાજુના ગામ જઈ આવી. સરપંચને મળીને પોતાની જરૂરિયાત કહી. એકાદ ઓળખાણ પણ નીકળી. પછી ગામના છેડે આવેલ એક વીંઘાનું ખેતર એના બજેટમાં બંધબેસે તેવું મળી ગયું. ક્રિષ્નાએ વિનયને કહ્યા વિના પોતાની ઓફિસમાં લોનની અરજી આપી દીધી. અરજી મંજૂર થઈ એટલે બેન્કમાંથી પૈસા લઈને એણે પેલું ખેતર લઈ લીધું. ખેતરમાં આગળપાછળ મોટું ફળિયું અને વચ્ચે નાનકડું બેઠા ઘાટનું મકાન. ઘરના આગળના ભાગમાં મોટો વરંડો અને વરંડામાં હિંચકો. જેથી વિનયનું જોડાણ આકાશ સાથે રહી શકે. છ મહિનામાં મકાન ઊભું થઈ ગયું. એક દિવસ રવિવારે રજા હતી ત્યારે ક્રિષ્નાએ વિનયને કહ્યું, ‘ચાલ ને નજીકના ગામે આંટો મારી આવીએ. ઘણા દિવસથી લોંગ ડ્રાઈવ માટે ગયા નથી તો, જઈએ?’

વિનયની કમર પર હાથ વિંટાળીને એની મોટરસાઈકલ પાછળ ક્રિષ્ના બેઠી. ગામ તરફ વળતાં હાઈ વે ક્રોસ કર્યો કે પાછળથી આવતી ટ્રકે મોટર સાઈકલને ટક્કર મારી દીધી. ક્રિષ્ના ચત્તીપાટ રોડ પર પડી. પાછળથી આવતી કાર એના પર ફરી વળી. વિનયને સહેજસાજ ઉઝરડા પડ્યા હતા. ક્રિષ્નાની બારમા- તેરમાની વિધિ પતી પછી એની ઓફિસમાંથી મકાનનો દસ્તાવેજ અને લોન વિશેના કાગળ આવ્યા. તે જોઈને વિનય નક્કી ન કરી શકયો કે કેવી રીતે રડવું? ક્રિષ્નાનું ડ્રીમ હાઉસ હાજર હતું પણ એમાં રહેવા માટે એ જ હાજર ન હતી. બે-ચાર દિવસમાં વિનયે વકીલને બોલાવી બધી લોન ક્રિષ્નાના વીમાની રકમમાંથી ભરી દીધી. પછી તે ઘર ગામમાં શાળા ચાલુ કરવા માટે દાનમાં આપી દીધું. સ્કૂલનું નામ રાખ્યું- ‘ક્રિષ્ના’સ હોમ સ્કૂલ.’

Most Popular

To Top