National

હરિયાણા બાદ ઝારખંડમાં ચેકિંગ દરમિયાન મહિલા ઈન્સ્પેક્ટરને પીકઅપ વાને કચડી નાંખી

ઝારખંડ: હરિયાણા (Haryana) બાદ હવે ઝારખંડના (Jharkhand) રાંચી (Ranchi) જિલ્લામાં વાહન ચેકિંગ (Vehicle checking) દરમિયાન એક મહિલા ઈન્સ્પેક્ટરને (Woman Inspector) પીકઅપ વાને (pickup van) કચડી નાખી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઇન્સ્પેક્ટર સંધ્યા ટોપનોનું ઘટનાસ્થળે જ મોત (Death) થયું હતું. વાહન ચાલક ગુનો કર્યા બાદ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસ હવે આરોપીને શોધી રહી છે.

આ મામલો રાંચી જિલ્લાના ટુપુદાના વિસ્તારનો છે. જ્યાં 2018 બેચના પોલીસ એસઆઈ સંધ્યા ટોપનો બુધવારે સવારે 3 વાગ્યે વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ અધિકારીએ પીકઅપ વાનને રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ડ્રાઈવરે વાહનની સ્પીડ વધારીને મહિલા ઈન્સ્પેક્ટરને કચડી નાખી હતી. આ ઘટનામાં મહિલા પોલીસ કર્મચારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની માહિતી મળતાં સ્ટેશન ઈન્ચાર્જ સહિત અનેક પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઈન્સ્પેક્ટરના મૃતદેહને પોતાના કબજામાં લઈ લીધો હતો. પોલીસે હવે આસપાસના વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજ દ્વારા પોલીસ દાવો કરી રહી છે કે પીકઅપ વાન ચાલકને જલ્દી પકડી લેવામાં આવશે.

પશુ તસ્કરોએ આ ગુનાને અંજામ આપ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર સિમડેગા પોલીસને આ વિસ્તારમાં પશુ તસ્કરો વિશે માહિતી મળી હતી. જે બાદ આ અંગેની માહિતી રાંચી પોલીસને આપવામાં આવી હતી. રાંચી પોલીસે ખુંટી રાંચી બોર્ડરના તુપુદાના ઓપી વિસ્તારમાં સ્થિત હુલહંડુ નજીક ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન બુધવારે વહેલી સવારે ત્રણેક વાગ્યાના સુમારે સફેદ કલરની પીકઅપ વાન પુરપાટ ઝડપે આવતી જોવા મળી હતી. ચેકિંગ પોસ્ટ પર તૈનાત સબ-ઇન્સ્પેક્ટર સંધ્યા ટોપનોએ વાહનને રોકવાનો સંકેત આપ્યો, પરંતુ ડ્રાઇવરે વાહન મહિલા ઇન્સ્પેક્ટરની ઉપર ચડાવી દીધું અને દોડવા લાગ્યો. જેના કારણે મહિલા અધિકારી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને ત્યારબાદ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.

તે જ સમયે, ગભરાયેલો ડ્રાઈવર વાહન લઈને ભાગવા લાગ્યો પરંતુ પેટ્રોલિંગ ટીમે તેનો પીછો કર્યો, જેના કારણે તેણે પીકઅપ વાનની ગતિ વધારી દીધી. પરંતુ સ્પીડ વધુ હોવાથી પીકઅપ વાહન રીંગરોડમાં પલટી મારી ગયું હતું. કહેવાય છે કે ઘણા તસ્કરો કારમાંથી કૂદીને ભાગી ગયા હતા. ડ્રાઈવર પોલીસની કસ્ટડીમાં છે. અન્ય આરોપીઓની શોધ ચાલુ છે. નોંધનીય છે કે આ પહેલા પણ ઝારખંડના ધનબાદમાં ઓટો ચાલકોએ જજને ટક્કર મારીને જજની હત્યા કરી હતી. તેઓ મોર્નિંગ વોક કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

હરિયાણામાં ડીએસપીને કચડી નાખ્યા
બીજી તરફ, મંગળવારે બપોરે હરિયાણાના નૂહ જિલ્લામાં ગેરકાયદેસર પથ્થર ખનનની તપાસ કરવા ગયેલા નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી)ને ડમ્પરે કચડી નાખ્યા હતા. તાવડુ ડીએસપી સુરેન્દ્ર સિંહે દસ્તાવેજો તપાસવા માટે ડમ્પરને રોકવાનો સંકેત આપ્યો હતો, પરંતુ ડ્રાઇવરે તેની ઝડપ વધારીને તેને કચડી નાખ્યો હતો. ઘાયલ અધિકારીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો, પોલીસે જણાવ્યું.

Most Popular

To Top