Columns

તિબેટની હિમ નદીમાં રોગચાળો વહેતો હોઇ શકે!

તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી વહેતી હિમ નદીમાં નવેસરથી રોગચાળો ફેલાવવાની ક્ષમતા ધરાવતા અસંખ્ય સૂક્ષ્મ જીવાણુઓ લેન્ઝો યુનિવર્સિટીના સંશોધકોને મળ્યા છે. તિબેટના ઉચ્ચ પ્રદેશો પરથી વહેતી 21 હિમનદીઓનો આ વિજ્ઞાનીઓએ અભ્યાસ કરતાં તેમને 968 પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળ્યા છે જેમાંનાં ઘણા અગાઉ કયારેય કયાંય જોવા મળ્યા નથી. વિજ્ઞાનીઓને આ તારણ પછી ચિંતા થઇ છે કારણ કે આ જીવાણુઓમાં 2.5 કરોડથી વધુ પ્રોટિન કોડિંગ જનીન મળ્યા છે અને તેમાં કેટલાંક રોગચાળો અને મહામારી પેદા કરી શકે તેવાં છે.

‘નેચર બાયોટેકનોલોજી’માં પ્રગટ થયેલા એક અભ્યાસમાં તેમણે લખ્યું છે કે બરફમાં કેદ થયેલા આધુનિક અને પ્રાચીન સૂક્ષ્મ જીવાણુઓ સ્થાનિક સ્તરે રોગચાળો પેદા કરી શકે અથવા વૈશ્વિક કક્ષાએ મહામારી પેદા કરી શકે. એશિયાના ‘વોટર ટાવર’ તરીકે જાણીતા તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી ગંગા અને સ્થાનિક રીતે યાર્લંગ ત્સેંગ્પો તરીકે પ્રચલિત બ્રહ્મપુત્ર તેમ જ ચીનની યાંગ્ત્ઝે સહિતની નદીઓ નીકળે છે અને રોગચાળો ફેલાય તો વિશ્વના બે સૌથી વધુ વસ્તીવાળા દેશોને ભયંકર અસર થઇ શકે છે.

સ્યુડો મોનાસ અને એરુજિનોસા તરીકે જાણીતા કેટલાક સૂક્ષ્મ જીવાણુઓ સામાન્ય છે અને પાણી તેમ જ જમીનમાં મળી આવે છે આમ છતાં 82 % સૂક્ષ્મ જીવાણુઓ અન્ય પર્યાવરણમાં મળતા સૂક્ષ્મ જીવાણુઓ સાથે ભાગ્યે જ કોઇ જનીન સમાનતા ધરાવે છે. સૂક્ષ્મ જીવાણુઓમાં 2.5 કરોડ પ્રોટિન કોડિંગ જનીન મળ્યા છે જેમાંથી કેટલાંક રોગચાળો પેદા કરી શકે તેવા છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે હિમ નદીઓમાંથી મળી આવેલા ઘણા પ્રકારના સૂક્ષ્મ  જીવાણુઓએ અતિશય ઠંડી-ગરમી એવા સંજોગોનો સામનો કરવાની ક્ષમતા કેળવી છે અને હિમનદીઓની સપાટી પર બેકટેરિયા, શેવાળ અને ફૂગ સહિતનું જીવ વૈવિધ્ય જોવા મળે છે.

આ સૂક્ષ્મ જીવાણુઓએ અતિશયતાભરી પરિસ્થિતિને અનુકૂળ થવાની ક્ષમતા હાંસલ કરી લીધી હોવાનું દર્શાવ્યું છે. આ સૂક્ષ્મ જીવાણુઓ પૃથ્વીના ઇતિહાસનો અભ્યાસ કરવાની તક વિજ્ઞાનીઓને પૂરી પાડે છે કારણ કે હિમનદીઓના બરફમાં 10,000 વર્ષથી વધુ જૂના સૂક્ષ્મ જીવો અને તેમાંથી હવામાં ઊડતા સૂક્ષ્મ જીવો ફરી બેઠા થયા હોવાની નોંધનીય હકીકત બહાર આવી છે. આમ હિમ નદીના સૂક્ષ્મ જીવાણુઓ બેરોકટોક નદીઓમાં વહેતા થશે તો તેઓ ભયંકર રોગચાળો કે મહામારી પેદા કરવાની ક્ષમતા ધરાવે છે એમ સંશોધકોએ જણાવ્યું હતું અને કહ્યું હતું કે ગંગા, બ્રહ્મપુત્ર યાંગ્ત્ઝે અને યલો નદીનાં પાણી લોકો સુધી યથાવત્‌ સ્વરૂપમાં પહોંચે તો ભયંકર રોગચાળો પેદા થાય.

આપણા દેશના જ સેંકડો ગામ નદી કિનારે વસેલા છે અને ત્યાં નળ વાટે પાણી નહીં હોવાથી સ્ત્રીઓ નદીમાંથી સીધું જ પાણી ભરીને ઘરમાં ઉપયોગમાં લેતી હોય છે. પાણી ઉકાળીને પીવાથી કેટલા સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામશે તે સવાલ છે કારણ કે અતિશય ઠંડી-ગરમી જેવા સંજોગોમાં પણ તેમનો નાશ નથી કરી શકાતો. આબોહવા પરિવર્તનની એક આંતર સરકારી સમિતિએ આ સદીના અંત સુધીમાં તિબેટના ઉચ્ચ પ્રદેશની 2/3 હિમનદીઓ અદ્રશ્ય થઇ જવાની ચેતવણી ઉચ્ચારી છે. એક વિષાણુ હજારો નવા વિષાણુઓ પેદા કરી શક્તા હોવાથી તેમનો ચેપ શરીરમાં ઝડપથી ફેલાઇ જાય છે. € નરેન્દ્ર જોશી

Most Popular

To Top