Dakshin Gujarat

ઝઘડીયા તાલુકાના આ ગામમાં દીપડો પકડાયો, 40 કિલોના દીપડાને જોવા ગામલોકો ઉમટ્યા

ઝઘડિયા: દક્ષિણ ગુજરાતના (South Gujarat) ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતી ગ્રામીણ પ્રજા નરભક્ષી દીપડાથી (Panther) કાયમ પરેશાન રહે છે. ખાસ કરીને માંડવી, ઝઘડીયાના ગામડાઓમાં દીપડાનો આંતક રહે છે. અહીં બાળકો, વૃદ્ધો અને એકલદોકલ યુવકો પર અવારનવાર દીપડો હુમલો કરતો હોય છે. તેના લીધે વનવિભાગ દ્વારા ઠેરઠેર પાંજરા મુકવામાં આવ્યા છે. આવા જ એક પાંજરામાં આજે દીપડો પુરાયો છે. ઝઘડીયા તાલુકામાં વનવિભાગે ગ્રામજનોની મદદથી એક દીપડાને પકડી લેવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડીયા તાલુકાના મોટા વાસણા ગામમાં દીપડાની હાજરી હોઇ વનવિભાગને (Forest department) ગ્રામજનોએ માહિતી આપી હતી. વનવિભાગના આર.એફ.ઓ. (RFO)તેમજ ટીમ દ્વારા સ્થાનિકોની મદદથી દીપડાને ઝડપી પાડવા બે દિવસ પહેલા પાંજરૂ ગોઠવવામાં હતુ. સ્થાનિકો ગ્રામજનો તેમજ વનવિભાગની ટીમે રાત્રિ દરમિયાન વોચ ગોઠવી હતી. આ દરમિયાન મધરાત્રે દીપડો પાંજરે પુરાયો હતો. ઝઘડીયા (Zagdiya) તાલુકાના મોટા વાસણા ગામેથી (Village) દીપડાને ઝડપી પાડતા ગ્રામજનોએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા બે દિવસથી દીપડાનું આશ્રય સ્થાન વાસણા ગામ બની જતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. જે માટે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ઝઘડિયા વનવિભાગ દ્વારા દીપડાને તેના ખોરાક પાણી મળી રહે તેવા વન્ય વિસ્તારમાં મુક્ત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. દીપડાની અંદાજે ૫ વર્ષની ઉમર અને અંદાજે ૪૦ કીલો વજન હોવાનું અનુમાન છે.

માંડવીમાં પિયત કરવા ગયેલા યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો

થોડા દિવસ પહેલા માંડવીના બડતલ ગામમાં દીપડાએ મરચાંના ખેતરમાં પાણી પિયત કરવા ગયેલા યુવક ઉપર હુમલો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ભયનો માહોલ ઊભો થયો છે. દીપડાના હુમલાની જાણ વનવિભાગની ટીમને કરતાં માંડવી વન વિભાગની ટીમે ઇજાગ્રસ્ત યુવકની પૂછપરછ કરી હુમલાવાળી જગ્યાએ પાંજરું ગોઠવ્યું હતું. બે વર્ષમાં સન વર્ષ-2019 – 2020માં દીપડાના હુમલામાં પાંચ બાળકોને ઈજા થઈ હતી અને બે બાળકીના મોત થયા હતા.

દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં અવારનવાર નરભક્ષી દીપડા હૂમલા કરે છે

વર્ષ-2019ના અંત ભાગમાં એટલે કે 31 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી-2020 સુધીમાં નરભક્ષી દીપડાએ ત્રણ બાળક ઉપર હુમલો કર્યો હતો. જેમાં પાતલ ગામે ત્રણ વર્ષની બાળકીનું મોત થયું હતું. આ ગંભીર સ્થિતિને ધ્યાને લઈ વનવિભાગે પાતલ ગામે 8 પાંજરાં, મધરકુઈમાં 2, અરેઠમાં 2 અને વદેશિયામાં 1, વરેલીમાં 2, કાલમોઇમાં 3 મળી 18 જેટલાં પાંજરાં ગોઠવ્યાં હતાં. સાથે દીપડાની હરકત પર નજર રાખવા નાઈટ વિઝન કેમેરા પણ મૂક્યા હતા. ત્યારબાદ વદેશીયા ગામના રોનક રામભાઈ ચૌધરી 11 વર્ષના બાળક પર વન્ય પ્રાણી દીપડાએ હુમલો કરતા માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. તુકેદ ગામે 10 વર્ષનો બાળક જીગર માયુરભાઈ ચૌધરી જેને દીપડાએ ગળાના ભાગે પંજો માર્યો હતો તેમજ મધરકુઈ ગામે શેરડી કાપવા આવેલા મજૂર વર્ગની બાળકી ઝૂંપડા નજીક રમી રહી હતી. તે દરમિયાન અચાનક હિંસક દીપડોએ ગળાના ભાગે બાળકીને દબોચી ખેતર વિસ્તારમાં ખેંચી ગયો હતો.

Most Popular

To Top