SURAT

મુંબઇની યુવતીએ સુરતની મહિલાના લમણે એરગન મૂકી માંગ્યા પૈસા

સુરત: (Surat) મુંબઇમાં (Mumbai) રહેતી એક યુવતીએ સુરતના (Surat) પીપલોદમાં રહેતી મહિલાની પાસે રૂા. 15 હજારની માંગણી કરીને માથામાં એરગન (Air gun) ટાંકી દીધી હતી. આ મામલે પોલીસ કંટ્રોલમાં ફોન કરવામાં આવતા ઉમરા પોલીસનો (Police) સ્ટાફ દોડતો થયો હતો. બીજી તરફ પોલીસે મુંબઇની યુવતીને અટકાયતમાં (Arrest) લીધી હોવાની માહિતી મળી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મુંબઇમાં રહેતી ચંદ્રાશ્રી ગોંદર ઉર્ફે ટીના તેમજ સુરતના પીપલોદમાં સનસાઇન રેસિડેન્સીમાં રહેતી પૂર્વિ પટેલ વચ્ચે સોશિયલ મીડિયા ફેસબુક મારફતે મિત્રતા થઇ હતી. પૂર્વિ પટેલે ચંદ્રાશ્રી પાસે રૂા. 15 હજાર લીધા હતા. આ રૂપિયા તે પરત આપતી ન હોવાના આક્ષેપ સાથે ચંદ્રાશ્રી સુરત પીપલોદમાં આવી હતી. બપોરના સમયે પૂર્વિ તેના ઘરે હાજર હતી ત્યારે ચંદ્રાશ્રીએ ગન જેવું સાધન પૂર્વિના કપાળે મુકી દીધું હતું અને રૂપિયાની માંગણી કરી હતી. બીજી તરફ પૂર્વિના ભાઈએ આ મામલે પોલીસ કંટ્રોલમાં જાણ કરી દીધી હતી.

ફોન થતાંની સાથે જ ઉમરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ત્યાંથી ચંદ્રાશ્રી તેમજ પૂર્વિ પટેલને લઇને ઉમરા પોલીસ મથકે આવ્યા હતા. તપાસ કરતા ચંદ્રાશ્રી પાસે જે ગન હતી તે એરગન હતી. અહીં ચંદ્રાંસિહએ પોલીસને કહ્યું કે, તેને 15 હજાર લેવાના નીકળતા હતા અને પૂર્વિ રૂપિયા આપતી ન હતી. જ્યારે પૂર્વિએ પોલીસને જણાવ્યું કે, ‘મારે કોઇ રૂપિયા આપવાના જ નથી. બળજબરીથી મારી પાસે રૂપિયા માંગી રહી છે. ફેસબુકમાં પણ રૂપિયા માંગતી હોવાથી મેં તેને બ્લોક મારી દીધી હતી. હાલ તો પોલીસે ચંદ્રાશ્રીની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ચંદ્રાશ્રીએ પૂર્વિના પતિને કહ્યું, ‘તું સાઇડ મેં હો જાઓ નહીં તો ગોલી ચલા દુંગી’
ચંદ્રાશ્રી સુરતમાં પૂર્વિના ઘરે આવીને રૂપિયાની માંગણી કરી ગાળાગાળી કરવા લાગી હતી. આ દરમિયાન પૂર્વિનો પતિ પણ ત્યાં હાજર હતો. ચંદ્રાશ્રીએ પોતાના પર્સમાંથી એરગન કાઢીને પૂર્વિના પતિ, તેના ભાઇ અને તેના પિતાને એક રૂમમાં ચાલ્યા જવા કહ્યું હતું. ચંદ્રાશ્રીએ પૂર્વિના પતિને ધમકી આપી કે, ‘તું સાઇડ મેં હો જાઓ, નહીં તો ગોલી મારી દુંગી’ કહીને તમામને રૂમમાં મોકલી આપ્યા હતા, બાદમાં રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. બીજી તરફ અંદર રૂમમાંથી જ પૂર્વિના ભાઇએ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો અને સમગ્ર ઘટના બહાર આવી હતી.

Most Popular

To Top