National

શિષ્ય રસિક દુલારીના મોત બાદ આશ્રમની સ્પષ્ટતા, ‘પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છીએ’

પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારી શરણ ઉર્ફે દીપક લોધીના મોતને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વૃંદાવન સ્થિત આશ્રમ દ્વારા પહેલીવાર સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આશ્રમ તરફથી કહેવામાં આવ્યું છે કે ઘટનાની પોલીસ તપાસ ચાલી રહી છે અને ટ્રસ્ટ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યું છે. સાથે જ ભક્તો અને સામાન્ય લોકોને અચોક્કસ માહિતી, અફવા અથવા અટકળોના આધારે કોઈ નિવેદન ન આપવા અપીલ કરવામાં આવી છે. રસિક દુલારી શરણનું મોત આશ્રમ પરિસરમાં છત પરથી નીચે પડ્યા બાદ થયું હતું. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં તેઓ છત પરથી નીચે પડતા જોવા મળે છે. જોકે તેમના મોત પાછળનું ચોક્કસ કારણ અને તેમણે આવું પગલું કેમ ભર્યું તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. આ દરમિયાન તેમના શરીરના ગુપ્ત ભાગોને લઈને પણ અનેક સવાલો અને ચર્ચાઓ થઈ રહી છે.

વૃંદાવનના શ્રીહિત રાધા કેલી કુંજ આશ્રમ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ નોટમાં જણાવાયું છે કે સંત પ્રેમાનંદ અને સમગ્ર આશ્રમ પરિવાર સાધક દીપક લોધી ઉર્ફે રસિક દુલારી શરણના મોતથી દુઃખી છે. ટ્રસ્ટે મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આશ્રમનું કહેવું છે કે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં ટ્રસ્ટ તરફથી સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને તથ્યપૂર્ણ તપાસ થાય તે માટે જરૂરી સહકાર આપવામાં આવી રહ્યો છે. આશ્રમે લોકોને અપીલ કરી છે કે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી અચોક્કસ માહિતી કે અફવાઓના આધારે સંત પ્રેમાનંદ અથવા આશ્રમની છબીને નુકસાન પહોંચાડે તેવા નિવેદનો કે દાવાઓ જાહેર ન કરવામાં આવે. પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાના સાચા તથ્યો સામે આવશે તેમ આશ્રમે જણાવ્યું છે.

બીજી તરફ, રસિક દુલારી શરણના મોતને લઈને અલ્હાબાદ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી છે. અરજીમાં સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવા માટે SIT અથવા મેજિસ્ટ્રેટ તપાસ જેવી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં મૃતક અને તેમના પરિવારને ન્યાય મળે તે માટે હાઇકોર્ટના હસ્તક્ષેપની માગ કરવામાં આવી છે. રસિક દુલારીના મોત વચ્ચે પ્રેમાનંદ મહારાજના આશ્રમ સાથે જોડાયેલો અન્ય એક મામલો પણ ચર્ચામાં આવ્યો હતો. હાથરસ જિલ્લાના સદાબાદનો 16 વર્ષીય અનુજ ચૌધરી આશરે ત્રણ મહિનાથી ગુમ હતો. પરિવારજનોને તેના આશ્રમમાં હોવાની જાણ થતાં તેઓએ આશ્રમની બહાર વિરોધ કર્યો હતો. પોલીસની દરમિયાનગીરી બાદ યુવાનને શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસે અનુજને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા બાદ તેને તેના પરિવાર સાથે જોડવાની પ્રક્રિયા હાથ ધરી હતી. તે આધ્યાત્મિક બાબતોમાં રસ ધરાવતો હોવાનું અને ત્રણ મહિના પહેલાં પરિવારને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તે વૃંદાવન પહોંચ્યો હતો અને પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં દીક્ષા લીધી હોવાનો પરિવારનો દાવો છે.

પરિવારજનોનું કહેવું હતું કે અનુજ સાંસારિક જીવનથી દૂર રહેવા માંગતો હતો અને ઘરે પરત આવવા તૈયાર નહોતો. તેને શોધવા માટે પરિવારે આશ્રમની બહાર વિરોધ પણ કર્યો હતો. પોલીસ તરફથી યુવાનને શોધી કાઢવાની ખાતરી મળ્યા બાદ વિરોધ સમાપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અનુજ બરસાનામાં પોલીસ સમક્ષ હાજર થયો હતો. હવે રસિક દુલારીના મોતની તપાસ અને અનુજ ચૌધરીના મામલાને લઈને અલગ-અલગ સવાલો ઉઠી રહ્યા છે. જોકે બંને ઘટનાઓ વચ્ચે કોઈ સીધો સંબંધ હોવાની પુષ્ટિ હજુ થઈ નથી. રસિક દુલારીના મોત અંગે ચાલી રહેલી પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાક્રમની સંપૂર્ણ હકીકત સ્પષ્ટ થઈ શકશે.

Most Popular

To Top