રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફરી એકવાર તણાવ વધ્યો છે. રશિયાએ યુક્રેનની રાજધાની કીવમાં હાજર વિદેશી રાજદૂતો અને વિદેશી નાગરિકોને શહેર છોડવાની સલાહ આપી છે. રશિયાએ મોટા હવાઈ હુમલાની તૈયારી હોવાનો સંકેત આપતા ચેતવણી આપી છે કે કીવમાં રહેલા વિદેશીઓએ સમયસર શહેર છોડી દેવું જોઈએ. જો તેઓ કીવમાં જ રહેશે અને હુમલામાં નુકસાન થશે તો તેની જવાબદારી તેમની પોતાની રહેશે તેમ જણાવાયું છે. આ ચેતવણી બાદ યુરોપીયન દેશોમાં પણ ચિંતા વધી છે. છેલ્લા કેટલાક સમયથી રશિયા કીવ સહિત યુક્રેનના અનેક વિસ્તારોમાં ડ્રોન અને મિસાઇલ હુમલા કરી રહ્યું છે. યુક્રેનના મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે. યુક્રેનના એક મોટા પુલને નિશાન બનાવવામાં આવ્યા બાદ રશિયાની આ નવી ચેતવણી સામે આવી છે. તેના કારણે એવી આશંકા વધી છે કે કીવમાં અગાઉની સરખામણીમાં વધુ મોટો હવાઈ હુમલો થઈ શકે છે.
રશિયાના હુમલાઓને કારણે કીવમાં વારંવાર હવાઈ હુમલાના સાઇરન વાગી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયા પર નાગરિક વિસ્તારોને નિશાન બનાવવાનો અને યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ રશિયાએ આવા આરોપોને ફગાવી દીધા છે અને નાગરિકોને નિશાન બનાવવાનો ઈનકાર કર્યો છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપને લઈને પણ કડક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રશિયા યુરોપ પર હુમલો કરવાની કોઈ યોજના ધરાવતું નથી, પરંતુ જો રશિયા સામે સીધું આક્રમક વલણ અપનાવવામાં આવશે તો મોસ્કો તેનો જવાબ આપશે. પુતિને એવી પણ ચેતવણી આપી છે કે જરૂર પડ્યે રશિયા એવા શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે જેનો અગાઉ ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો નથી.
પુતિને પશ્ચિમી દેશો પર રશિયા સાથે સંભવિત યુદ્ધ માટે તૈયારી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, યુરોપના કેટલાક દેશો બાલ્ટિક સમુદ્રમાં સૈન્ય અભ્યાસ કરી રહ્યા છે અને રશિયન જહાજો સામે કાર્યવાહી કરી રહ્યા છે. આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે રશિયા કાલિનિનગ્રાડને લઈને પણ પરમાણુ હથિયારોના ઉપયોગની ચેતવણી આપી ચૂક્યું છે. કાલિનિનગ્રાડને લઈને રશિયા અને નાટો વચ્ચે પણ તણાવ જોવા મળી રહ્યો છે. નાટોએ સ્પષ્ટ કર્યું છે કે કાલિનિનગ્રાડની ઘેરાબંધી કરવાની તેની કોઈ યોજના નથી. નાટોનું કહેવું છે કે તે રક્ષણાત્મક ગઠબંધન છે અને કોઈ દેશ પર પહેલો હુમલો કરવાની નીતિ ધરાવતું નથી. નાટોએ રશિયાના પ્રદેશ પર હુમલો કરવાની કોઈ યોજના ન હોવાનું પણ જણાવ્યું છે અને પરમાણુ હુમલાની ધમકીથી તણાવ વધારવાનું ટાળવા અપીલ કરી છે.
યુદ્ધના મોરચે રશિયા અને યુક્રેન વચ્ચેના હુમલામાં જાનહાનિ પણ થઈ છે. રશિયાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં ડ્રોન અને ગાઇડેડ બોમ્બથી હુમલા કર્યા હોવાના અહેવાલ છે. આ હુમલામાં પાંચ લોકોના મોત થયા હતા અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઇઝિયુમ નજીક પણ ડ્રોન હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બંને તરફના હુમલામાં કુલ મળીને અનેક લોકોના મોત અને લગભગ 100 લોકો ઘાયલ થયાની માહિતી સામે આવી છે. યુક્રેનના દાવા મુજબ રશિયા યુદ્ધમાં ઓછા ખર્ચે તૈયાર કરી શકાય તેવા શસ્ત્રોનો પણ ઉપયોગ કરી રહ્યું છે. રશિયન સેનાએ જેટ એન્જિનથી ચાલતી બેન્ડોરોલ ક્રુઝ મિસાઇલ્સનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પ્રકારના શસ્ત્રો ચોક્કસ વિસ્તારમાં ફરતા રહી શકે છે અને ટાર્ગેટ શોધ્યા બાદ હુમલો કરી શકે છે. ઓડેસા વિસ્તારમાં આવા શસ્ત્રોના ઉપયોગથી મોલ્ડોવા પણ ચિંતિત છે, કારણ કે આ વિસ્તાર મોલ્ડોવાની સરહદની નજીક છે.
યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત માટે પણ ચિંતાજનક માહિતી સામે આવી છે. રશિયન સેનામાં ભરતી કરાયેલા ભારતીય નાગરિકોને લઈને ભારત અને રશિયા વચ્ચે ચર્ચા થઈ છે. હાલમાં પણ 55 જેટલા ભારતીય નાગરિકો રશિયન સશસ્ત્ર દળોમાં ફસાયેલા હોવાનું સામે આવ્યું છે. ભારતે આ લોકો અંગે રશિયા પાસેથી માહિતી માગી છે અને તેમને શક્ય તેટલી વહેલી તકે સેનામાંથી મુક્ત કરીને ભારત પરત મોકલવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. રશિયન સેનામાં ભરતી થયેલા ભારતીય નાગરિકો અંગે અગાઉ મળેલી માહિતી મુજબ કુલ 227 ભારતીય નાગરિકો રશિયન સશસ્ત્ર દળોમાં જોડાયા હતા. તેમાંથી 139 લોકોને સેવામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. 51 ભારતીય નાગરિકોના યુદ્ધ દરમિયાન મોત થયા હોવાનું પણ જણાવાયું છે. હવે બાકી રહેલા ભારતીયોને સુરક્ષિત રીતે રશિયન સેનામાંથી બહાર કાઢીને ભારત પરત લાવવા માટે બંને દેશોના અધિકારીઓ વચ્ચે સંપર્ક ચાલુ છે.
ભારત સરકાર આવા લોકોને રશિયન સેનામાં ભરતી કરાવનારા શંકાસ્પદ એજન્ટો સામે પણ કાર્યવાહી કરી રહી છે. નોકરી અથવા અન્ય તક આપવાના નામે લોકોને વિદેશ લઈ જઈને સેનામાં ભરતી કરાવવાના કિસ્સાઓ સામે આવ્યા બાદ આવા એજન્ટો સામે તપાસ અને કાયદાકીય કાર્યવાહી તેજ કરવામાં આવી છે. એક તરફ કીવમાં મોટા હવાઈ હુમલાની રશિયાની ચેતવણીથી વિદેશી નાગરિકોમાં ચિંતા વધી છે, તો બીજી તરફ યુદ્ધમાં ભારતીય નાગરિકોના ફસાવાની સ્થિતિ ભારત માટે પણ મોટો પડકાર બની છે. યુદ્ધ લાંબું ખેંચાતાં રશિયા-યુક્રેન વચ્ચે તણાવ ઘટવાને બદલે નવા મોરચા પર વધતો જોવા મળી રહ્યો છે.