ટાઈટલ વાંચીને ભ્રમિત થવાની જરૂર નથી. વાત કરવી છે, પ્રસન્ન દામ્પત્ય જીવનનાં પોચા-પોચા ઝઘડાઓની! જે ઘરની ચાર દીવાલમાં જ કેદ હોય. એવું કોઈ ઘર બાકી ના હોય કે, જેને ત્યાં યમરાજના પગલાં ના પડ્યાં હોય, એમ ઝઘડા પણ થતા હોય. હાયલલ્લા અમુક તો એવા ફણગા કાઢે કે, જીવલેણ વાવાઝોડાં પણ ફિક્કાં લાગે. સાત જન્મ સુધી જોડે રહેવાનો કોન્ટ્રાક્ટ સાત દિવસમાં જ ધોવાઈ જાય. ઊંધા ફેરા ફરીને આંટા છોડે એવા! હાથમાં રેંટિયો પકડીને ભલે ફોટો પડાવ્યો હોય, પણ સવારે ઝઘડાથી દિવસનો આરંભ કરે. ઝઘડો નહીં કરે ત્યાં સુધી, પેટ જ સાફ નહીં જેમ જેમ લગ્ન વાસી થવા માંડે, એમ ફટાકડા ફૂટવાનાં શરૂ! લગ્ન પહેલાં ભલે ને વ્હાલની આતશબાજી કરી હોય, કે, ‘તું નહીં તો હું નહીં, અને હું નહીં તો તું નહીં!’ એ માંચડો એવો તૂટી પડે કે, ‘ક્યાં તો તું નહીં, ક્યાં તો હું નહીં’ એમાંથી જે બબાલ થાય તેમાંથી આ વિધાન નીકળે કે આજથી ‘આ તારો કબાટ ને આ મારો કબાટ!
બે દિલ મળવા સહેલા છે, પણ એક કબાટમાં બંનેના કપડાં નહીં સમાય. સાસુ કે નણંદ તો નાહકની બદનામ થાય. બાકી પોચા-પોચા ઝઘડા તો દંપતી વચ્ચે જ હોય, ચમનીયાના લગ્નની શરૂઆતની ‘ઇનિંગ’ તો ફક્કડ ગયેલી. ચંચીના વાળ જોઈને એવી તાન છેડતો કે, ‘યે રેશમી ઝુલ્ફેં, યે શરબતી આંખેં, ઇન્હેં દેખ કર જી રહે હૈં સભી!’ જેવો પીઠીનો રંગ ઊતરવા માંડ્યો એટલે, બબાલ શરૂ! એ રેશમી ઝુલ્ફ જ ઝઘડાનું કારણ બન્યું.
જમવા બેઠો ને શાકમાંથી વાળ નીકળ્યો! ત્યારે તો કંઈ ના બોલ્યો, પણ ભાતમાંથી કાંકરી નીકળી, ને ચમનીયાની મતિ તોફાને ચઢી, ‘ભગવાને તને બે આંખ આપી, તો યે તને કાંકરી દેખાતી નથી?’ પણ વળતો પ્રહાર એવો ‘સોલ્લીડ’ આવ્યો કે, ભગવાને તમને ૩૨ દાંત આપ્યા છે તો એક કાંકરી નથી ચવાતી.? ચાવી જાવ. એમાં રાળ્યું શું પાડો? હુમલો એટલા ઊંચા ગેજનો હતો કે, ચમનીયો ચાવી ગયો!
તજેના હાડકે પીઠી વળગી નથી અને લગ્નના કુંડાળામાં પગ પડ્યો નથી, એમણે નિરાશ થવાની જરૂર નથી. તેમને મારી આ વાત, ૭મા ધોરણનો વિદ્યાર્થી મેડિકલની લાઈનના ચોપડા ઉથલાવતો હોય એવું ભલે લાગે, પણ પૃથ્વીને ભરેલી રાખવા સૌએ ઓછામાં ઓછું એકવાર તો પરણવું જ પડે છે! જવાબદારીમાંથી છટકાય નહીં. લગ્ન એક એવો મામલો છે કે, શરૂ શરૂમાં જ ફાંકડો લાગે! અઘરા અભ્યાસક્રમ પાછળથી શરૂ થાય. પછી જેવી જેની વાઈફ તેવી તેની લાઈફ, ને જેવો જેનો પતિ તેવી વાઈફની મતિ! બાકી, ‘લગ્ન એટલે બે આત્માનાં મિલન પણ ખરા ને બે આત્માના ફૂંફાડા પણ ખરા! લગ્ન થાય એટલે ઝઘડાઓ બોનસમાં મળે છે!
લગ્ન પહેલાની અવસ્થામાં સ્વચ્છંદતાના ગમે એટલા ઝંડા ફરકાવ્યા હોય, પણ પતિ થયા એટલે પતી જ જવાનું આવે! સમય કરતાં વહેલા ઘરે પહોંચ્યા તો પણ ઉપાધિ, ને મોડા પહોંચ્યા તો પણ ઉપાધિ. સવાલ ચિહ્નોનાં એવા પ્રશ્નપત્ર નીકળવા માંડે કે, ‘કેમ આજે વહેલા આવ્યા?’ મોડા ગયા તો. ‘કેમ મોડું થયું? અત્યાર સુધી ક્યાં ગયા હતા? રસ્તે કોણ કોણ મળ્યું હતું? રોજ આ રીતે મોડા આવવાના છો કે? પતિચર વિચાર કરતો થઈ જાય કે, ‘હું તો પતિડું છું, કે ધનેડું?’ જેની પાચનક્રિયા મજબૂત હોય તે જ લગ્નનો લાડવો પચાવી શકે, બાકી ઝઘડાઓ નમૂળા હોય છે! ખારા સમુદ્ર ગમે એટલીવાર ખેડ્યા હોય, પણ મીઠા સરોવર જેવો સંસારનો સાગર ખેડવો ભારે અઘરો!
તોફાને ચઢેલા દરિયામાં હોડી ઉતારવાની હિંમત હોય તો જ કેડે તલવાર લટકાવીને ઘોડે ચઢવાનું! અમેરિકાના વિઝા તો આસાનીથી મળી જાય, બાકી ઉંબરો ઓળંગવા માટે ક્યારેક વાઈફના વિઝા લેવામાં પણ પરસેવો થઈ જવાય. સાંસારિક ઝઘડાનાં મુદ્દા ઉપર આવું તો, લગ્ન થાય એટલે તત્કાળ પરસ્પરમાં ‘આપણું’ નો ભાવ આવે. લગ્ન વાસી થાય એટલે, ધીરે ધીરે ‘આ તારું ને આ મારું’ થવા માંડે’ પછી જેના હાથમાં રિમોટ આવે, એ જ ટીવી ઉપર શાસન કરવા માંડે! બધું જ પોતાનું હોવા છતાં, પોતાનો અધિકાર અદૃશ્ય થઈ જાય. ને પોતે જ પોતાનો વડાપ્રધાન, ને પોતે જ વિરોધ પક્ષનો નેતા બની જાય! માનવીની સ્વતંત્રતાઓ સંસારનું ઐતિહાસિક સ્મારક બની જાય.
બે દિલ મળે પણ, કબાટમાં જગ્યા નહીં મળે! છેડો ત્યાં આવીને મળે કે, ‘આ તારો કબાટ ને આ મારો કબાટ! સમજદારી નહીં કેળવે કે, લગ્ન થાય એટલે માત્ર પત્ની જ ઘરે આવતી નથી, એની સાથે કપડાંનું આખું મંત્રાલય પણ આવતું હોય. પતિ પાસે કપડાની મિલકતમાં, બે-ત્રણ પેન્ટ, ત્રણ શર્ટ, એક પાયજામો, બે રુમાલ અને એક ખાસ પ્રસંગ માટેનો કુર્તો, બે-ત્રણ મોજાં કે અન્ડરવેર હોય! આટલું નાખવા છતાં કબાટમાં જગ્યા એટલી વધે કે બે શર્ટ વચ્ચેથી પવન પણ પસાર થઈ જાય. ત્યારે પત્ની પાસે કપડાનું આખું વેરહાઉસ હોય!
ઘરમાં એક જ કબાટ હોય, એટલે, પતિના કપડાંની હાલત, ટ્રેનમાં લટકતા મુસાફર જેવી થવા માંડે. પછી કબાટના ક્ષેત્રફળ ઉપર સત્તાની લડાઈ શરૂ થાય! પતિ પોતાના જૂના કપડાં ઉઠાવી લઈને પત્નીને જગ્યા કરી આપે, તો પણ જશ નહીં મળે. ‘લેડીઝ ફર્સ્ટ’ નો વિચાર કદાચ અહીંથી જ શરૂ થયો હોય તો કહેવાય નહીં. પણ ઝઘડાનો આરંભ કબાટના કકળાટથી થવા માંડે. જો કે, સત્ય એ પણ છે કે, કબાટમાં કપડાં ગોઠવતાં ગોઠવતાં આખું જીવન પણ ગોઠવાઈ જતું હોય છે. અમુકનું દામ્પત્ય જીવન તો એવું લાંબું ચાલે કે, નોકરીના વર્ષ કરતાં પેન્શનના વર્ષ વધી જાય. જેવી ભગવાનની માયા!
લાસ્ટ બોલ
ગમે એટલું કહો પણ વાઈફના તોલે નહીં અવાય!
ચમનીયાની ચંચી એક દિવસ ભારે બગડી. અમારે સવારથી સાંજ સુધી કેટલા ઢસરડા કરવાના? સવારે વહેલા ઊઠી, વાસણો સાફ કરવાના, કપડાં ધોવાના, રસોઈ કરવાની, બાળકોને તૈયાર કરવાના, એના માટે નાસ્તો બનાવવાનો, કપડાં પહેરાવવાના, દફતર તૈયાર કરવાનું અને રિક્ષા આવે એટલે એમાં બેસાડી આવવાનું! તમારે તો તૈયારની ચા-નાસ્તો કરીને છાપું પકડીને બળાપા કાઢવાના કે, મોદી સાહેબે આમ કર્યું ને તેમ કર્યું!
ચમનીયાને એવો ઝાટકો લાગ્યો કે, બીજા દિવસે એ વહેલો ઊઠ્યો. ઘરના તમામ કામ પણ પતાવ્યા. અને બાળકોને તૈયાર કરીને રિક્ષામાં બેસાડવા પણ ગયો. ત્યારે ચંચી બોલી, “ક્યાં જાઓ છો?”
બાળકોને રિક્ષામાં બેસાડવા જાઉં છું!
ચંચી કહે, ‘બેસો છાનામાના હવે! આજે તો રવિવાર છે! નિશાળ બંધ હોય.! તારા કપાળમાં કાંદા ફોડું!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.