Gujarat

ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં ટિકિટ ન મળતાં ભાજપમાં બળવો, પાંચ આગેવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે તમામ 44 બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા બાદ પક્ષની અંદર ટિકિટને લઈને નારાજગી સામે આવવા લાગી છે. ટિકિટની અપેક્ષા રાખનારા કેટલાક જૂના અને પાયાના કાર્યકરોને તક ન મળતાં તેમણે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ પૂર્વ કોર્પોરેટર સહિત પાંચ આગેવાનોએ ભાજપના ઉમેદવારો સામે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જેના કારણે ગાંધીનગરની ચૂંટણીમાં પક્ષની અંદરની ખેંચતાણ ચર્ચાનો વિષય બની છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી હતી. આ પ્રક્રિયા દરમિયાન 750થી વધુ દાવેદારોએ ટિકિટ માટે બાયોડેટા રજૂ કર્યા હતા. પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં સ્થાનિક સમીકરણો, સામાજિક પ્રતિનિધિત્વ અને અન્ય બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હોવાનું જણાવાયું હતું. પ્રથમ તબક્કામાં 32 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ વોર્ડ નંબર 2, 4 અને 6ના બાકી રહેલા 12 ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા.

ટિકિટ જાહેર થયા બાદ કેટલાક દાવેદારોમાં નારાજગી જોવા મળી હતી. ખાસ કરીને જૂના કાર્યકરોને ટિકિટ ન મળવા અને કેટલાક જૂના ચહેરાઓને ફરી તક મળવા અંગે સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વોર્ડ નંબર 3ની મહિલા કાર્યકર વીણાબા ઝાલાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો હતો કે તેઓ લાંબા સમયથી પક્ષ સાથે જોડાયેલા છે અને સંગઠનમાં કામ કર્યું હોવા છતાં તેમને ટિકિટ આપવામાં આવી નથી. તેમણે જૂના કાર્યકરોની અવગણના થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. વીણાબાએ ‘નો રિપીટ’ની ચર્ચા વચ્ચે કેટલાક ઉમેદવારોને ફરી તક આપવામાં આવી હોવા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત વોર્ડ નંબર 7ના કાર્યકર પંખી ઝાલાએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે ટિકિટ ફાળવણી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે રિપીટ થિયરીની વાત છતાં કેટલાક વોર્ડમાં એકથી વધુ જૂના ઉમેદવારોને ફરી ટિકિટ આપવામાં આવી છે. અનામત બેઠક પરથી અગાઉ ચૂંટણી લડેલા ઉમેદવારને સામાન્ય બેઠક પર તક આપવામાં આવી હોવા અંગે પણ તેમણે સવાલ ઉઠાવ્યો હતો.

ટિકિટ ન મળતાં પાંચ આગેવાનોએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે. વોર્ડ નંબર 5માંથી ભાજપના પૂર્વ કોર્પોરેટર નીલાબેન મુકેશકુમાર શુક્લાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર 2માંથી પેથાપુર નગરપાલિકાના પૂર્વ સભ્ય સુરેશ પ્રહલાદભાઈ પટેલે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે. આ જ વોર્ડમાં પેથાપુરના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ વાઘેલાના પત્ની દીપિકાબેને પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત વોર્ડ નંબર 10માંથી ભાજપના જૂના કાર્યકર શિરીષ ભગવાનદાસ મોદીએ અને વોર્ડ નંબર 8માંથી વિમલ વિક્રમભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આમ, ભાજપના કેટલાક આગેવાનો જ પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે મેદાનમાં ઉતરતાં ચૂંટણી પહેલાં પક્ષની અંદરની સ્થિતિ ચર્ચામાં આવી છે.

ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા 26 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ હતી. હવે 28 સપ્ટેમ્બરે તમામ ઉમેદવારી ફોર્મની ચકાસણી થવાની છે. ત્યારબાદ 29 સપ્ટેમ્બર ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. તેથી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા અને અન્ય નારાજ દાવેદારોમાંથી કેટલા લોકો અંતિમ સમય સુધી મેદાનમાં રહે છે અને કેટલા ઉમેદવારો ફોર્મ પરત ખેંચે છે તે આગામી તબક્કામાં સ્પષ્ટ થશે. આ ચૂંટણીમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે અને 13 ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે. ઉમેદવારી પ્રક્રિયા પૂરી થયા બાદ હવે પક્ષો માટે બળવાખોર ઉમેદવારોને સમજાવવાની સાથે સત્તાવાર ઉમેદવારોના પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો તબક્કો શરૂ થશે. ભાજપની અંદર ટિકિટ ફાળવણીને લઈને સામે આવેલા આ અસંતોષનું અંતિમ સ્વરૂપ 29 સપ્ટેમ્બર બાદ જ સ્પષ્ટ થશે. હાલ પાંચ આગેવાનોની અપક્ષ ઉમેદવારી અને સોશિયલ મીડિયા પર જૂના કાર્યકરો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી નારાજગીના કારણે ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ઉમેદવારી પ્રક્રિયાના અંતિમ તબક્કામાં રાજકીય હલચલ વધી છે.

Most Popular

To Top