ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગુરુવારે સવારે અમેરિકા પહોંચ્યા. પ્રોટોકોલ તોડીને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ્યક્તિગત રીતે તેમના સ્વાગત માટે ‘જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ’ એરપોર્ટ ગયા હતા. ટ્રમ્પની સાથે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ હતા. શીની સાથે તેમના પત્ની પેંગ લિયુઆન પણ આવ્યા હતા. બાદમાં સાંજે ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં શી જિનપિંગ અને પેંગ લિયુઆનના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરશે.
આજે વ્હાઇટ હાઉસમાં શી જિનપિંગનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં લશ્કરી વિમાનોનું ફ્લાયઓવર અને લગભગ ૫૦૦ અમેરિકન સૈનિકોની સહભાગિતા જોવા મળશે. ત્યારબાદ ટ્રમ્પ અને શી દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, જેમાં વેપાર, ટેરિફ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, તાઈવાન અને રશિયા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
સ્ટેટ ડિનર શું છે?
વ્હાઇટ હાઉસમાં યોજાતું સ્ટેટ ડિનર માત્ર એક ઔપચારિક ભોજન નથી તે મુલાકાતે આવેલા રાષ્ટ્રના વડાને અમેરિકા દ્વારા આપવામાં આવતું વિશેષ સન્માન છે. સામાન્ય રીતે મહેમાન દેશના રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાન તેમના પ્રતિનિધિમંડળના સભ્યો સાથે તેમાં હાજરી આપે છે. અમેરિકા તરફથી ઉચ્ચ સરકારી અધિકારીઓ, કાયદા ઘડનારાઓ, ઉદ્યોગપતિઓ અને અન્ય જાણીતી હસ્તીઓ પણ તેમાં ભાગ લે છે.
સ્ટેટ ડિનરનો હેતુ માત્ર આતિથ્ય સત્કાર પૂરતો સીમિત નથી. જ્યારે અમેરિકા કોઈ ચોક્કસ દેશ સાથેના સંબંધોને વિશેષ મહત્વ આપવા માંગે છે ત્યારે તે આવા કાર્યક્રમ દ્વારા તે સંદેશ આપે છે. પરિણામે સ્ટેટ ડિનર માટે કયા વિદેશી નેતાને આમંત્રિત કરવા તે પસંદગી પોતે જ એક રાજદ્વારી સંકેત માનવામાં આવે છે.
૧૫૦ વર્ષ જૂની પરંપરા
અમેરિકામાં વિદેશી નેતાઓના યજમાનપદની પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે. હવાઈના રાજા કાલાકાઉઆ ૧૮૭૪માં અમેરિકાની મુલાકાત લેનારા પ્રથમ વિદેશી રાષ્ટ્રપ્રમુખ હતા. આ મુલાકાતની નોંધ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના રેકોર્ડમાં છે. ૨૨ ડિસેમ્બર, ૧૮૭૪ના રોજ, રાષ્ટ્રપતિ યુલિસીસ ગ્રાન્ટ અને તેમના પત્ની જુલિયા ગ્રાન્ટે રાજા કાલાકાઉઆના સન્માનમાં એક વિશેષ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.
અત્યાર સુધીમાં ભારતના બે વડાપ્રધાનોને આ સન્માન મળ્યું છે. બરાક ઓબામાએ સૌપ્રથમ ૨૦૦૯માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ માટે સ્ટેટ ડિનરનું આયોજન કર્યું હતું; આ ઓબામા વહીવટીતંત્રનું પ્રથમ સત્તાવાર સ્ટેટ ડિનર હતું. ત્યારબાદ જો બાઈડને વડાપ્રધાન મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કર્યું હતું.
અમેરિકા અને ચીન વચ્ચે વેપાર અને ટેરિફ એ મુખ્ય મુદ્દાઓ છે. ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફના જવાબમાં ચીને પણ અમેરિકન માલસામાન પર કર વધાર્યા હતા. હવે બંને દેશો ટેરિફ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આશરે ૩૦ અબજ ડોલરની કિંમતની વસ્તુઓ પર ટેરિફ ઘટાડવા તેમજ ઊર્જા અને કૃષિ ઉત્પાદનો પર કર ઘટાડવા અંગે વાટાઘાટો ચાલી રહી છે. ટેરિફ નીચા રાખવા અંગે બંને દેશો વચ્ચેનો વર્તમાન કરાર ૧૦ નવેમ્બરે સમાપ્ત થવાનો છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટના જણાવ્યા અનુસાર આ સમયમર્યાદાને ૧૦ જાન્યુઆરી સુધી લંબાવવા માટે સમજૂતી થઈ ગઈ છે.