અમેરિકાએ ગ્રીનલેન્ડમાં પોતાની સૈન્ય હાજરી વધારવાનો રસ્તો સાફ કરી દીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિક્સન અને ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન એક મહત્વપૂર્ણ સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ અમેરિકાને ગ્રીનલેન્ડમાં બે વધારાના ડિફેન્સ એરિયા સ્થાપિત કરવાની મંજૂરી મળી છે. તેમાં દક્ષિણ ગ્રીનલેન્ડના નરસાર્સુઆક ખાતે જૂના અમેરિકન સૈન્ય મથકને ફરી સક્રિય કરવાનો અને પૂર્વ ગ્રીનલેન્ડના મેસ્ટર્સવિગ ખાતે નવું સૈન્ય મથક સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે.આ કરાર 1951માં અમેરિકા અને ડેનમાર્ક વચ્ચે થયેલા ગ્રીનલેન્ડ ડિફેન્સ એગ્રીમેન્ટમાં સુધારો અને વિસ્તરણ કરે છે. સત્તાવાર કરાર મુજબ અમેરિકાને ગ્રીનલેન્ડમાં પોતાના સૈન્ય સંચાલન અને સુવિધાઓને આધુનિક બનાવવા તથા વિસ્તૃત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, ગ્રીનલેન્ડમાં પહેલેથી રહેલા પિટુફિક સ્પેસ બેઝ પર અમેરિકાની પ્રવૃત્તિઓને પણ આધુનિક અને વિસ્તૃત કરવાની મંજૂરી આપવામાં આવી છે. કરારમાં ભવિષ્યમાં પરસ્પર સહમતિથી વધુ ડિફેન્સ એરિયા સ્થાપિત કરવાની જોગવાઈ પણ છે.
નરસાર્સુઆકમાં અમેરિકાનું જૂનું મથક ફરી ખુલશે: નરસાર્સુઆકમાં અમેરિકાએ શીત યુદ્ધ દરમિયાન ‘બ્લૂ વેસ્ટ વન’ નામનું સૈન્ય મથક બનાવ્યું હતું. અમેરિકાએ 1950ના દાયકામાં આ બેઝ બંધ કરી દીધું હતું. હવે નવા કરાર હેઠળ આ સ્થળને ફરી અમેરિકાની સૈન્ય વ્યવસ્થામાં ઉપયોગમાં લેવાનો માર્ગ ખુલ્યો છે. બીજી તરફ, પૂર્વ ગ્રીનલેન્ડના મેસ્ટર્સવિગ વિસ્તારમાં હાલમાં ડેનમાર્કની ‘સિરિયસ ડોગ સ્લેજ પેટ્રોલ’ યુનિટ કાર્યરત છે.કરારમાં ‘ગોલ્ડન ડોમ’ ડિફેન્સ સિસ્ટમનો પણ ઉલ્લેખ છે. અમેરિકા, ડેનમાર્ક અને ગ્રીનલેન્ડે આર્કટિક અને ઉત્તર એટલાન્ટિક વિસ્તારમાં બદલાતી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સહયોગ વધારવાની વાત કરી છે. કરારમાં આર્કટિક વિસ્તારમાં અન્ય દેશોની વધતી સૈન્ય પ્રવૃત્તિઓ વ્યૂહાત્મક રસને સુરક્ષા પડકાર તરીકે દર્શાવવામાં આવ્યો છે. અમેરિકા ગ્રીનલેન્ડનો ઉપયોગ ઉત્તર એટલાન્ટિક, ગ્રીનલેન્ડ અને અમેરિકન ખંડની સુરક્ષા માટે જરૂરી સૈન્ય પ્રવૃત્તિઓ માટે કરી શકશે.
ગ્રીનલેન્ડ અંગે સૌથી મહત્વની બાબત એ છે કે ડેનમાર્કની સંપ્રભુતા અને ગ્રીનલેન્ડના લોકોના આત્મનિર્ણયના અધિકારને કરારમાં માન્યતા આપવામાં આવી છે. એટલે કે ગ્રીનલેન્ડ અમેરિકાનો ભાગ બનતું નથી. ગ્રીનલેન્ડ હાલમાં ડેનમાર્કના રાજ્ય હેઠળ સ્વશાસિત પ્રદેશ છે. કરારમાં તેના કુદરતી પર્યાવરણ, સ્થાનિક લોકોના આર્થિક-સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો તથા શિકાર અને માછીમારી જેવી પરંપરાગત પ્રવૃત્તિઓના રક્ષણની પણ વાત કરવામાં આવી છે.આ કરારનો એક મહત્વપૂર્ણ ભાગ એ પણ છે કે NATOનો સભ્ય ન હોય તેવા કોઈ દેશને ગ્રીનલેન્ડમાં પોતાનું સૈન્ય મથક અથવા કાયમી સૈન્ય હાજરી સ્થાપિત કરવાની મંજૂરી નહીં મળે, સિવાય કે અમેરિકા, ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ વચ્ચે અલગથી સહમતિ થાય. ગેર-NATO દેશોના સંવેદનશીલ ક્ષેત્રોમાં રોકાણ અંગે પણ સુરક્ષા સંબંધિત નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.
ગ્રીનલેન્ડને લઈને ટ્રમ્પ અગાઉ અનેક વખત અમેરિકન નિયંત્રણની વાત કરી ચૂક્યા હતા, જેના કારણે અમેરિકા અને ડેનમાર્ક વચ્ચે મહિનાઓ સુધી રાજદ્વારી તણાવ રહ્યો હતો. હવે થયેલો આ કરાર ગ્રીનલેન્ડની માલિકી બદલતો નથી, પરંતુ આર્કટિક વિસ્તારમાં અમેરિકાની લાંબા ગાળાની સૈન્ય અને સુરક્ષા હાજરીને વધુ મજબૂત બનાવે છે. કરારમાં કોઈ અંતિમ સમાપ્તિ તારીખ પણ નક્કી કરવામાં આવી નથી અને તેમાં ફેરફાર માટે પક્ષોની પરસ્પર સંમતિ જરૂરી રહેશે.