બુધવારે ભાજપે ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે નવા પ્રભારીઓ તેમજ ૨૪ રાજ્યો માટે સહ-પ્રભારીઓની જાહેરાત કરી હતી. સંજય ભાટિયાને રાજસ્થાનના અને બિપ્લબ કુમાર દેબને મધ્ય પ્રદેશના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ, ડૉ. રાધા મોહન દાસ અગ્રવાલ રાજસ્થાન માટે આ ભૂમિકા નિભાવતા હતા, જ્યારે ડૉ. મહેન્દ્ર સિંહ મધ્ય પ્રદેશની જવાબદારી સંભાળતા હતા.
નવી યાદી મુજબ સ્મૃતિ ઈરાનીને છત્તીસગઢ અને હરિયાણાના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રામ માધવને તમિલનાડુ અને ઉત્તરાખંડની જવાબદારી સોંપવામાં આવી છે. અન્ય ત્રણ નેતાઓને પણ દરેકને બે રાજ્યોના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હરીશ દ્વિવેદીને બિહારના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે ઉત્તર પ્રદેશ માટે ચાર સહ-પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે.
યુપી, પંજાબ અને ગુજરાતના પ્રભારીઓમાં કોઈ ફેરફાર નહીં
ભાજપે ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાતના પ્રભારીઓમાં કોઈ ફેરફાર કર્યો નથી. વિનોદ તાવડે (યુપી), સતીશ પૂનિયા (પંજાબ) અને તરુણ ચુઘ (ગુજરાત) પોતાની ભૂમિકામાં યથાવત રહેશે. આ ત્રણ નેતાઓની નિમણૂક ૧૮ ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી; તે સમયે પાર્ટીએ જણાવ્યું હતું કે બાકીના રાજ્યો માટે પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની નિમણૂક બાદમાં કરવામાં આવશે. હવે આ ત્રણ રાજ્યોનો પણ નવી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
૧૨ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે કોઈ સહ-પ્રભારી નહીં
ભાજપે ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે કોઈ સહ-પ્રભારીની નિમણૂક કરી નથી. તેમાં અંદામાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ, લદ્દાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. તેવી જ રીતે મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, પુડુચેરી, સિક્કિમ અને ત્રિપુરા માટે માત્ર પ્રભારીઓની જ નિમણૂક કરવામાં આવી છે અહીં કોઈ સહ-પ્રભારીની નિમણૂંક કરાઈ નથી.
સ્મૃતિ ઈરાની છત્તીસગઢ ભાજપના રાજ્ય પ્રભારી નિયુક્ત
સ્મૃતિ ઈરાનીને છત્તીસગઢ ભાજપના નવા રાજ્ય પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને હરિયાણાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે જ્યારે સિદ્ધાર્થ શંભુને સહ-પ્રભારીની જવાબદારી આપવામાં આવી છે. આ અગાઉ સ્મૃતિ ઈરાનીની નિમણૂક ભાજપની નવી ટીમમાં રાષ્ટ્રીય મહાસચિવ તરીકે કરવામાં આવી હતી. સંગઠનાત્મક રાજકારણમાં તેમની સક્રિય ભૂમિકા અને રાષ્ટ્રીય સ્તરે તેમની ઓળખને ધ્યાનમાં રાખીને તેમને મહત્વપૂર્ણ રાજ્યોની જવાબદારી સોંપવાની ચર્ચા ચાલી રહી હતી.
ચાર વર્ષ સુધી પ્રભારી રહેલા તાવડેને ચૂંટણી-આધારિત યુપીમાં મોકલાયા
ભાજપે હરીશ દ્વિવેદીને જે અગાઉ બિહારના સહ-પ્રભારી હતા અહીં નવા પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. ઉત્તર પ્રદેશના બસ્તીના વતની એવા દ્વિવેદી બસ્તી લોકસભા મતવિસ્તારમાંથી બે વાર સાંસદ રહી ચૂક્યા છે. દરમિયાન વિનોદ તાવડે, જેમણે લગભગ ચાર વર્ષ સુધી બિહારના પ્રભારી તરીકે સેવા આપી હતી તેમને ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બિહારના પ્રભારી તરીકે તાવડેના કાર્યકાળ દરમિયાન જ ભાજપ રાજ્યમાં પ્રથમ વખત પોતાનો મુખ્યમંત્રી બનાવવામાં સફળ રહ્યું હતું.
નિતિન નવીનની ટીમની જાહેરાત
ભાજપના નેતા નિતિન નવીને 65 સભ્યોની કારોબારી સમિતિની જાહેરાત કરી છે. રામ માધવને ઉપાધ્યક્ષ અને સ્મૃતિ ઈરાનીને મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમિત માલવિયાને ભાજપના આઈટી (IT) સેલના વડા પદેથી હટાવવામાં આવ્યા છે. તેમના સ્થાને દીપક મ્હાસકે આવ્યા છે. દરમિયાન રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે ઉપાધ્યક્ષ તરીકે ચાલુ રહેશે અને રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી.એલ. સંતોષ પણ તેમનું પદ જાળવી રાખશે.