દાહોદ તા 23
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે ગણપતિ વિસર્જન દરમિયાન દુઃખદ ઘટના સામે આવી છે. તા. 21 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજના સમયે બાવકા-હીરલાવ મહાદેવ નજીક આવેલા તળાવમાં ગણપતિ વિસર્જન માટે ગયેલા 18 વર્ષીય યુવાનનું ડૂબી જવાથી મોત થયું હતું.

મળતી માહિતી મુજબ જેસાવાડા મેઇન બજારમાં રહેતા ડામોર હેમંતભાઈ મુકેશભાઈ ગણપતિ વિસર્જન દરમિયાન અન્ય વ્યક્તિઓ સાથે તળાવમાં ગયા હતા. આ દરમિયાન તેઓ પાણીમાં ડૂબી જતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક સ્તરે શોધખોળ બાદ પણ યુવાનનો પત્તો ન લાગતા દાહોદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડની ટીમે રાત્રે આશરે 11 વાગ્યા સુધી તળાવમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ યુવાન મળી આવ્યા નહોતા. ત્યારબાદ બીજા દિવસે સવારે આશરે 7 વાગ્યે હેમંતભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાહોદ મોકલવામાં આવ્યો હતો.
હીરલાવ તળાવ આસપાસ અનેક ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વર્ષોથી લોકો અહીં ધાર્મિક પ્રસંગો તેમજ ગણપતિ વિસર્જન માટે આવતા હોવાનું સ્થાનિકો જણાવે છે. આ તળાવમાં ડૂબી જવાથી મોતની આ પ્રથમ ઘટના હોવાનું પણ સ્થાનિકો દ્વારા જણાવાયું છે.
રિપોર્ટર: વિનોદ પંચાલ