કેનેડા પ્રવાસ પણ લગભગ નક્કી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બર 2026માં અમેરિકા અને કેનેડાની મુલાકાત લઈ શકે છે. હાલની માહિતી મુજબ મોદી અમેરિકાના ફ્લોરિડામાં યોજાનારી G20 લીડર્સ સમિટમાં ભાગ લઈ શકે છે. આ સમિટ 14 અને 15 ડિસેમ્બરે ટ્રમ્પ નેશનલ ડોરલ મિયામી, ફ્લોરિડા ખાતે યોજાવાની છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેની યજમાની કરશે. જોકે, ભારત સરકારના વિદેશ મંત્રાલયે હજુ સુધી વડાપ્રધાનની અમેરિકાની યાત્રાની સત્તાવાર જાહેરાત કરી નથી.
જો વડાપ્રધાન મોદી ફ્લોરિડા જાય છે તો G20 સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે તેમની દ્વિપક્ષીય બેઠક યોજાઈ શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, ટેરિફ અને અન્ય વ્યૂહાત્મક મુદ્દાઓને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે બંને નેતાઓની સંભવિત મુલાકાત મહત્વપૂર્ણ બની શકે છે. અહેવાલો અનુસાર G20 દરમિયાન ક્વાડ દેશોની બેઠક યોજવાની તૈયારીઓ અંગે પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, આ બેઠકો અને દ્વિપક્ષીય મુલાકાતનો અંતિમ કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર થયો નથી.મોદીની અમેરિકાની સંભવિત યાત્રા બાદ કેનેડા જવાનો કાર્યક્રમ પણ સામે આવ્યો છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન જણાવ્યું કે તેમની જાણકારી મુજબ વડાપ્રધાન મોદી ડિસેમ્બરમાં G20ની આસપાસ કેનેડાની મુલાકાત લેશે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે મુલાકાતની ચોક્કસ તારીખ હજુ નક્કી થઈ નથી. કાર્નીએ કહ્યું કે તેઓ મોદીને કેનેડામાં આવકારવા આતુર છે.
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં વેપાર પણ મહત્વનો મુદ્દો બની રહ્યો છે. કાર્નીના જણાવ્યા પ્રમાણે બંને દેશો વચ્ચેની વેપાર વાટાઘાટોમાં સારી પ્રગતિ થઈ રહી છે અને બંને પક્ષો વર્ષના અંત સુધીમાં વેપાર કરાર અંગે આગળ વધવા માટે પ્રયત્નશીલ છે. કેનેડાના અધિકારીઓએ પણ જણાવ્યું છે કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં વેપાર ઉપરાંત લોકો વચ્ચેના સંબંધો અને સુરક્ષા જેવા ક્ષેત્રોનું મહત્વ છે.આ દરમિયાન વડાપ્રધાન મોદી હાલમાં ન્યૂયોર્કમાં ચાલી રહેલા UNGAના 81મા સત્રમાં હાજર નથી. ભારત તરફથી વિદેશમંત્રી એસ. જયશંકર ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે અને 26 સપ્ટેમ્બરે UN મહાસભાના હાઈ-લેવલ સેશનને સંબોધિત કરશે.
જયશંકર આ દરમિયાન વિવિધ દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય તથા બહુપક્ષીય બેઠકો પણ કરી રહ્યા છે.વડાપ્રધાન મોદીની છેલ્લી અમેરિકા મુલાકાત ફેબ્રુઆરી 2025માં થઈ હતી. તે સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન DCમાં તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન તેમની યજમાની કરી હતી. જો ડિસેમ્બર 2026ની G20 મુલાકાત યોજાય છે,તો તે ફેબ્રુઆરી 2025 બાદ મોદીની અમેરિકાની આગામી મુલાકાત બની શકે છે. હાલમાં અમેરિકાની યાત્રા સંભવિત છે,જ્યારે કેનેડાના વડાપ્રધાન તરફથી ડિસેમ્બર આસપાસની મુલાકાત અંગે જાહેર નિવેદન આવી ચૂક્યું છે. અંતિમ તારીખ અને સંપૂર્ણ પ્રવાસ કાર્યક્રમ ભારત સરકારની સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.