India

રાજ્યસભાની 12 બેઠકો માટે 16 ઓક્ટોબરે ચૂંટણી

ચૂંટણી પંચે મંગળવારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળની રાજ્યસભાની 12 બેઠકો માટે 16 ઓક્ટોબરે ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. આ ચૂંટણી સાથે ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે, જ્યાં ભાજપ 10માંથી 8 બેઠકો જાળવી રાખે અને સમાજવાદી પાર્ટીને એક બેઠકનો લાભ મળે તેવી શક્યતા છે.

પશ્ચિમ બંગાળની એકમાત્ર બેઠક મેળવીને રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ એક વધી શકે છે. તૃણમૂલ કોંગ્રેસના અભિનેત્રી રુકમિણી મલિક (કોએલ)ના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી.ઉત્તર પ્રદેશમાં વિધાનસભાના વર્તમાન સંખ્યાબળ મુજબ ભાજપ પ્રેરિત ગઠબંધન 8 બેઠકો જાળવી રાખશે, જ્યારે સપા તેની બેઠકોની સંખ્યા વધારીને 2 કરી શકે છે. ઉત્તર પ્રદેશમાં એક ઉમેદવારને જીતવા માટે આશરે 37 મતોની જરૂર પડશે. ભાજપ ગઠબંધન પાસે 290 અને સપા-કોંગ્રેસ ગઠબંધન પાસે 103 ધારાસભ્યોનું બળ છે.

આ ચૂંટણી સાથે માયાવતીનો પક્ષ બસપા સંસદમાંથી સંપૂર્ણપણે બહાર થઈ જાય તેવી શક્યતા છે. બસપા પાસે લોકસભાનો એક પણ સભ્ય નથી અને તેના એકમાત્ર રાજ્યસભા સાંસદ રામજી ગૌતમની મુદત નવેમ્બરમાં પૂર્ણ થઈ રહી છે.નિવૃત્ત થઈ રહેલા અન્ય અગ્રણી નેતાઓમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, ભાજપના નેતાઓ અરુણ સિંહ, નીરજ શેખર અને સપાના રામગોપાલ યાદવનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડની એક બેઠક પર શાસક ભાજપના નરેશ બંસલ નિવૃત્ત થઈ રહ્યા છે, જ્યાં ભાજપની જીત નક્કી માનવામાં આવે છે.આ ચૂંટણી માટે 29 સપ્ટેમ્બરે નોટિફિકેશન બહાર પડશે. 6 ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે અને 16 ઓક્ટોબરે મતદાન તથા મતગણતરી હાથ ધરાશે.

Most Popular

To Top