Sports

એશિયન ગેમ્સ 2026: એશિયાડમાં દક્ષિણ કોરિયા સામે ભારતીય હોકી ટીમની સૌથી મોટી જીત

પુરુષોની હોકી ટુર્નામેન્ટની પૂલ Aની મેચમાં ભારતીય ટીમે દક્ષિણ કોરિયાને 8-2થી હરાવ્યું. હાફ-ટાઈમ સુધીમાં ભારતે કોરિયા સામે 5-0ની સરસાઈ મેળવી લીધી હતી. ભારત માટે શિલાનંદ લાકરાએ ચોથી મિનિટમાં અને ત્યારબાદ સુખજીત સિંહે નવમી મિનિટમાં ગોલ કર્યો. કેપ્ટન હરમનપ્રીત સિંહે 11મી મિનિટમાં પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કરીને ભારતને 3-0થી આગળ કર્યું. એક મિનિટ બાદ અભિષેકે ગોલ કર્યો. ત્યારબાદ દિલપ્રીત સિંહે 26મી મિનિટમાં ગોલ કરીને ભારતની સરસાઈ 5-0 સુધી પહોંચાડી.

ત્રીજા ક્વાર્ટરમાં ભારતે વધુ બે ગોલ કર્યા જ્યારે કોરિયા પણ પોતાનો પ્રથમ ગોલ કરવામાં સફળ રહ્યું. દિલપ્રીતે 32મી મિનિટમાં પોતાનો બીજો ગોલ કર્યો અને અભિષેકે 38મી મિનિટમાં પોતાનો બીજો ગોલ નોંધાવ્યો. દક્ષિણ કોરિયા માટે કિમ જે-હોએ 42મી મિનિટમાં એકમાત્ર ગોલ કર્યો. ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં ભારત 7-1થી આગળ હતું.

ચોથા ક્વાર્ટરમાં દક્ષિણ કોરિયાના કિમ યોંગ-બોકે 52મી મિનિટમાં ગોલ કરીને સ્કોર 7-2 કર્યો. દરમિયાન, રાજિંદર સિંહે 60મી મિનિટમાં ગોલ કરીને સ્કોર 8-2 કર્યો. આ સ્કોર અંત સુધી જળવાઈ રહ્યો અને ભારતે જીત મેળવી. હવે ભારત પૂલ સ્ટેજમાં જાપાન સામે ટકરાશે. ટીમ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે સીધી લાયકાત મેળવવાના ઉદ્દેશ્ય સાથે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું લક્ષ્ય રાખી રહી છે.

કયો 64 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો?
ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે છ ગોલનો તફાવત હતો. ગોલના તફાવતની દ્રષ્ટિએ એશિયન ગેમ્સમાં પુરુષોની હોકીમાં દક્ષિણ કોરિયા સામે ભારતની આ સૌથી મોટી જીત છે. અગાઉ, ભારતે 1962ની એશિયન ગેમ્સમાં કોરિયાને 5-0થી હરાવ્યું હતું – જે પાંચ ગોલના તફાવતની જીત હતી. દક્ષિણ કોરિયા સામેની 8-2ની જીત અને છ ગોલના તફાવતે 1962નો 64 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. પૂલ સ્ટેજમાં ભારતની હજુ જાપાન અને બાંગ્લાદેશ સામે મેચો બાકી છે; આ મેચો અનુક્રમે ૨૬ અને ૨૮ સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેની પુરુષ હોકી મેચમાં કુલ નવ કે તેથી વધુ ગોલ થયા હોય તેવી આ પ્રથમ ઘટના હતી. અગાઉ, ભારતે દક્ષિણ કોરિયાને બે વાર ૫-૩ના સ્કોરથી હરાવ્યું હતું એટલે કે તે મેચોમાં કુલ આઠ ગોલ થયા હતા, જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો હતો.

Most Popular

To Top