World

ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિમી લાંબી સુરંગ ઉડાવી, વિસ્ફોટ બાદ ભૂકંપ અનુભવાયો

ઇઝરાયલે વિસ્ફોટકોનો ઉપયોગ કરીને દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહની ૨ કિલોમીટરથી વધુ લાંબી સુરંગનો નાશ કર્યો. આ વિસ્ફોટ માટે લગભગ ૧,૧૦૦ ટન વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તે વિસ્તારમાં ૪.૧ની તીવ્રતાના ભૂકંપ જેવા આંચકા અનુભવાયા હતા.

લેબનોનની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર વિસ્ફોટને કારણે આસપાસના વિસ્તારોમાં જમીન ધ્રૂજી ઉઠી હતી. આ ઓપરેશન બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું, “મિશન સફળ રહ્યું. નવા વર્ષની શુભેચ્છાઓ.” ઇઝરાયલી સેનાએ જણાવ્યું હતું કે આ સુરંગમાં ઈરાનમાં બનેલા અનેક રોકેટ, મિસાઈલ અને ડ્રોન રાખવામાં આવ્યા હતા. ત્યાં મશીનગન, એન્ટી-ટેન્ક મિસાઈલ અને સેંકડો લેન્ડમાઈન તથા વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા. સેનાએ જણાવ્યું હતું કે આ સંકુલ હિઝબુલ્લાહના ‘બદર’ યુનિટ માટે કમાન્ડ સેન્ટર તરીકે પણ કામ કરતું હતું.

IDFના સૈનિકો સુરંગમાં પ્રવેશ્યા
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીસે (IDF) અલી અલ-તાહેર ટેકરીની નીચે આવેલા હિઝબુલ્લાહના સુરંગ નેટવર્કનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં સૈનિકો સુરંગની અંદર તપાસ કરતા જોવા મળે છે. IDFના જણાવ્યા અનુસાર જૂનમાં થયેલા યુદ્ધવિરામ બાદથી હિઝબુલ્લાહના લગભગ ૫૦ લડવૈયાઓ ત્યાં છુપાયેલા હતા.

આ સ્થળ પર કબજો મેળવવાના ઓપરેશન દરમિયાન ઘણા લડવૈયાઓ માર્યા ગયા હતા. સેનાએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાંથી કેટલાક સુરંગો દ્વારા ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન સૈનિકોને લગભગ ૧૨ મૃતદેહો પણ મળી આવ્યા હતા. જોકે IDF સ્વીકારે છે કે હિઝબુલ્લાહના કેટલાક લડવૈયાઓ તે વિસ્તારમાંથી ભાગવામાં સફળ રહ્યા હોઈ શકે છે.

નેતન્યાહુના જણાવ્યા અનુસાર, આ સુરંગ નેટવર્ક બનાવવામાં લગભગ ૨૦ વર્ષ લાગ્યા હતા અને તેને ઈરાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે તેને આતંકવાદી નેટવર્ક ગણાવ્યું હતું. ઇઝરાયલનો દાવો છે કે તેણે જમીનની ઉપર અને નીચે બંને સ્તરે આ વિસ્તાર પર નિયંત્રણ સ્થાપિત કરી લીધું છે. ગયા અઠવાડિયે ઇઝરાયલે દાવો કર્યો હતો કે તેણે આ વિસ્તાર કબજે કરી લીધો છે. સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ઘણા લડવૈયાઓ માર્યા ગયા હતા, જ્યારે અન્ય ભાગવામાં સફળ રહ્યા હતા.

હિઝબુલ્લાહનું ‘બદર’ યુનિટ શું છે?
હિઝબુલ્લાહનું ‘બદર’ યુનિટ દક્ષિણ લેબનોનમાં સંગઠનના સૌથી મહત્વપૂર્ણ લશ્કરી એકમોમાંનું એક છે. તે લિટાની નદીની ઉત્તરે આવેલા વિસ્તારમાં કાર્યરત છે. આ એકમનું નામ બદ્રના યુદ્ધ પરથી રાખવામાં આવ્યું છે, જે ઈ.સ. 624માં પયગંબર મુહમ્મદના નેતૃત્વ હેઠળની સેના અને મક્કાના કુરેશ વચ્ચે લડાયું હતું.

Most Popular

To Top