Entertainment

30 વર્ષ પછી રાની મુખર્જીને વિદેશની ધરતી પર મોટું સન્માન, મેલબર્નમાં સ્પેશિયલ સિટેશન સાથે માનદ ડોક્ટરેટથી નવાજાઈ અભિનેત્રી

ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી રાની મુખર્જીને ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ચાલી રહેલા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન 2026માં કારકિર્દીના 30 વર્ષ અને અભિનય ક્ષેત્રે આપેલા યોગદાન બદલ બે મોટા સન્માન મળ્યા છે. તેમને સ્પેશિયલ સિટેશન ફોર એક્સલન્સ ઇન એક્ટિંગથી સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે જ લા ટ્રોબ યુનિવર્સિટીએ તેમને માનદ ડોક્ટર ઓફ લેટર્સની પદવી આપી છે.

મેલબર્નમાં રાની મુખર્જીનો ખાસ સન્માન સમારોહ

13થી 23 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાઈ રહેલા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નમાં રાની મુખર્જીને આ સન્માન આપવામાં આવ્યું. ફેડરેશન સ્ક્વેર ખાતે યોજાયેલા ખાસ સમારોહમાં લા ટ્રોબ યુનિવર્સિટીએ તેમને સિનેમા અને સમાજમાં તેમના યોગદાન બદલ માનદ ડોક્ટરેટ આપી. આ પ્રસંગે રાની મુખર્જી ભાવુક થઈ ગઈ હતી. તેમણે આ સન્માનને ભારત અને વિશ્વભરના પોતાના ચાહકોને સમર્પિત કર્યું.

લા ટ્રોબ યુનિવર્સિટીએ ગણાવ્યું મોટું યોગદાન

લા ટ્રોબ યુનિવર્સિટીના ચાન્સેલર જ્હોન બ્રમ્બીએ રાની મુખર્જીના અભિનયની સાથે તેમની ફિલ્મોના સામાજિક પ્રભાવને પણ મહત્વ આપ્યું. તેમના જણાવ્યા પ્રમાણે, રાનીની ફિલ્મો માત્ર મનોરંજન પૂરતી સીમિત રહી નથી, પરંતુ સામાજિક ન્યાય, સમાનતા અને સમાવેશ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા ઊભી કરી છે. રાની મુખર્જીને માનદ ડોક્ટરેટ આપવાનો નિર્ણય તેમના સિનેમામાં લાંબા સમયથી રહેલા પ્રભાવ અને માનવીય મુદ્દાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો.

‘લાગણીઓને પાસપોર્ટની જરૂર નથી’

સન્માન સ્વીકારતી વખતે રાની મુખર્જીએ સિનેમા સાથેના પોતાના સંબંધ વિશે વાત કરી. તેમણે કહ્યું કે સિનેમા તેમના જીવનનો સૌથી મોટો શિક્ષક રહ્યો છે અને વાર્તા કહેવાની શક્તિ સમાજમાં સંવેદના અને સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. ઓસ્ટ્રેલિયા અને ભારતીય સિનેમાના સંબંધ અંગે તેમણે કહ્યું કે ફિલ્મો બે સંસ્કૃતિઓને એકબીજા સાથે જોડે છે. તેમના મતે પ્રેમ, આશા અને હાસ્ય એવી સાર્વત્રિક ભાષા છે જેને દુનિયાનો દરેક વ્યક્તિ સમજી શકે છે. રાની મુખર્જીએ પોતાના 30 વર્ષના સફરને યાદ કરતાં કહ્યું કે અભિનેતા તરીકે કેમેરા સામે કરવામાં આવેલો અભિનય ત્યારે સાચા અર્થમાં સફળ બને છે, જ્યારે તે સરહદો પાર કરીને દર્શકોના દિલ સુધી પહોંચે.

નિડર મહિલાઓના પાત્રોએ બદલી અભિનેત્રીની પોતાની જિંદગી

રાની મુખર્જીએ પોતાની કારકિર્દીમાં ભજવેલા વિવિધ મજબૂત મહિલા પાત્રોને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે તેમને એવી મહિલાઓના પાત્રો ભજવવાની તક મળી, જેઓ ખુલ્લેઆમ હસતી હતી, નિડરતાથી પોતાના સંઘર્ષ સામે લડતી હતી અને પોતાનામાં વિશ્વાસ ગુમાવતી નહોતી. તેમના મતે આ પાત્રોએ તેમને માત્ર વધુ સારી અભિનેત્રી જ નહીં, પરંતુ વધુ સંવેદનશીલ અને સારી વ્યક્તિ બનવામાં પણ મદદ કરી.

‘બ્લેક’થી ‘મિસિસ ચેટર્જી વર્સસ નોર્વે’ સુધી

રાની મુખર્જીની 30 વર્ષની ફિલ્મી સફરમાં અનેક યાદગાર ફિલ્મો અને પાત્રો રહ્યા છે.

  • ‘બ્લેક’માં મિશેલ મેકનલીનું પાત્ર ભજવીને તેમણે અભિનયની નવી ઊંચાઈ હાંસલ કરી.
  • ‘મર્દાની’માં પોલીસ અધિકારી શિવાની શિવાજી રોયના નિડર પાત્રને દર્શકોએ ખૂબ પસંદ કર્યું.
  • ‘હિચકી’માં નૈના માથુરના પાત્ર દ્વારા શિક્ષણ અને સમાનતાનો મુદ્દો રજૂ કર્યો.
  • ‘મિસિસ ચેટર્જી વર્સસ નોર્વે’માં બાળકો માટે એક માતાની લડતને પડદા પર જીવંત કરી.
  • ‘વીર-ઝારા’, ‘યુવા’, ‘હમ તુમ’, ‘બંટી ઔર બબલી’ અને ‘નો વન કિલ્ડ જેસિકા’ જેવી ફિલ્મોએ તેમની કારકિર્દીને વધુ મજબૂત બનાવી.

‘મિસિસ ચેટર્જી વર્સસ નોર્વે’માં અભિનય બદલ રાની મુખર્જીને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી હતી.

મેલબર્નમાં ભારતીય સિનેમાની મોટી હાજરી

ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નમાં આ વર્ષે રાની મુખર્જી ઉપરાંત જાણીતી અભિનેત્રી રેખા પણ ગેસ્ટ ઓફ ઓનર તરીકે સામેલ થઈ છે. ‘કાંતારા’ ફેમ અભિનેતા ઋષભ શેટ્ટીએ પણ મહોત્સવમાં હાજરી આપી છે.

ફેસ્ટિવલની ડિરેક્ટર મિતુ ભૌમિક લાંગેએ રાની મુખર્જીને સન્માનિત કરવાનું મહોત્સવ માટે ઐતિહાસિક ક્ષણ ગણાવ્યું. તેમના જણાવ્યા પ્રમાણે, આ સન્માન દર્શાવે છે કે ભારતીય સિનેમાની વાર્તાઓ અને કલાકારોની અસર હવે દેશની સરહદોથી ઘણી આગળ પહોંચી રહી છે.

Most Popular

To Top