Vadodara

જન્મદિવસ અંતિમ દિવસ બન્યો : દંતેશ્વર વુડાના મકાનમાં સમાધાન માટે બોલાવેલા યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા

ત્રણ દિવસ અગાઉ વિજય, પદમ સહિતના યુવકો સાથે થયેલી તકરારની અદાવતે ખૂની ખેલ ખેલાયો, અન્ય યુવકો ઉપર પણ હુમલો

મકરપુરા પોલીસ સહિતની ટીમો દ્વારા હત્યારાઓની શોધખોળ શરૂ કરાઈ

વડોદરા તા 12
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા દંતેશ્વરમાં વુડાના મકાનમાં યુવકની હત્યા કરી નાખવામા આવતા સમગ્ર વિસ્તારમા ચકચાર મચી છે. ત્રણ દિવસ અગાઉ થયેલી તકરારનું સમાધાન કરવા માટે બોલાવવામાં આવેલા યુવક પર ચપ્પુ વડે ઉપરાંત છાપરી ઘા કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ગંભીર લોહી લુહાણ હાલતમાં યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ તરસાલીના દંતેશ્વર વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં મેહુલ ભરતસિંહ દરબારને ત્રણ દિવસ અગાઉ વિજય, પદમ સહિતના અન્ય યુવકો સાથે કોઈ કારણોસર તકરાર થઈ હતી. આ તકરારનું સમાધાન કરવા માટે મેહુલને બોલાવવામાં આવ્યો હતો. જોકે, સમાધાનની વાતચીત દરમિયાન મામલો ફરી વધુ ઉગ્ર બન્યો હતો અને ઉશ્કેરાયેલા શખ્સોએ મેહુલ પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલામાં મેહુલને શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસના લોકો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તબીબોની ટીમે તેની સારવાર શરૂ કરી હતી, પરંતુ ઈજાઓ ગંભીર હોવાના કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાની ઘટનાને પગલે આરોપીઓની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી છે. મેહુલ સાથે ત્રણ દિવસ અગાઉ થયેલી તકરારથી લઈને હુમલો કયા સંજોગોમાં થયો અને તેમાં કેટલા લોકો સંડોવાયેલા હતા તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

  • જન્મદિવસે જ યુવકની હત્યા કરી દેવાતા પરિવાર પર આભ તૂટી પડ્યું, ભારે આક્રાંદ મચાવ્યો
    મૃતક મેહુલ છૂટક મજૂરીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનામાં સૌથી કરુણ બાબત એ છે કે આજે જ મેહુલનો જન્મદિવસ હતો. પરિવારજનો જન્મદિવસની ઉજવણી કરે તે પહેલાં જ મેહુલનું મોત થતાં ખુશીનો દિવસ માતમમાં ફેરવાઈ ગયો હતો. યુવકના પરિવારના સભ્યોએ મારે આક્રમમાં મચાવી મૂક્યો હતો.
  • સયાજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા
    મેહુલના મોતના સમાચાર મળતા પરિવારજનો સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પરિવારના સભ્યોના આક્રંદથી હોસ્પિટલ પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી. મૃતકના કાકા બાલસિંગ દરબાર સહિતના પરિવારના સભ્યો તથા આસપાસમાં રહેતા તેમના પડોશીઓ મોટી સંખ્યામાં એસએસજીમાં દોડી આવ્યા હતા જેના કારણે હોસ્પિટલમાં પણ લોકોના ટોળા જામ્યા હતા.
  • ઘટના સ્થળ પર ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો દોડી ગયો
    મેહુલ દરબાર ને ત્રણ દિવસ અગાઉ અન્ય યુવક સાથે કોઈ કારણોસર બબાલ થઈ હતી જેની અદાવત રાખીને તેની બુધવારના રોજ હત્યા કરી દેવામાં આવી હતી જેની જાણ થતા છે ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો દંતેશ્વર વિસ્તારના વુડાનાં મકાન ખાતે પહોંચી ગયો હતો. જેના કારણે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો.

Most Popular

To Top